Biparjoy Cyclone Updates : બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ નજીક ટકરાયું છે. ચક્રવાત ટકરાવવાની સાથે જ દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ જોવા મળી રહ્યો છે. બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતા જ વિનાશના દ્રશ્યો સામે આવવા લાગ્યા છે. ભારે પવનના કારણે કચ્છના કોટડા ગામમાં મકાનના છાપરા ઉડ્યા હતા. અબડાસાના સુજાપર ગામનું પ્રવેશદ્વાર જમીનદોસ્ત થયું હતું. ભારે પવનના કારણે કચ્છમાં ખારેકના અનેક વૃક્ષ ધરાશાયી થયા હતા. ગુજરાતને ઘમરોળ્યા પછી બિપરજોય વાવાઝોડુ રાત્રે 12 વાગ્યાની આસપાસ રાજસ્થાન કે પાકિસ્તાન તરફ ફંટાઇ જશે.
સ્પીડ ઘટીને કલાકના 40 કિમીની થઈ જશે
સૌરાષ્ટ્ર અને કચ્છને ધમરોળ્યાં બાદ બિપરજોય હવે આગળ ક્યાં જશે તેને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી રાહત આપે તેવી છે. હવામાન વિભાગે કહ્યું કે આવતીકાલે (16જૂન) 12 વાગ્યા પછી બિપરજોય નબળું પડી જશે. NDRFના આઈજી નરેન્દ્ર સિંહ બુંદેલાએ કહ્યું કે ભારતીય હવામાન વિભાગની આગાહી છે કે બિપરજોય આવતીકાલે બપોરે 12 વાગ્યે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને તેની સ્પીડ ઘટીને કલાકના 40 કિમીની થઈ જશે અને તેનાથી નુકશાન પણ ઓછું થશે.
આ પણ વાંચો – બિપરજોય વાવાઝોડાના કારણે 16 જૂને અમદાવાદ શહેર અને ગ્રામ્યની તમામ સ્કૂલો બંધ
કચ્છ જિલ્લાના જખૌ અને માંડવી નજીક અનેક વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા છે. જ્યારે ઘરના બાંધકામમાં વપરાતા ટીન શીટ ઉડી ગયા હતા. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સાંજે 7 વાગ્યા સુધી કોઈ મૃત્યુના અહેવાલ મળ્યા ન હતા.
તેમણે ઉમેર્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વૃક્ષ પડવાને કારણે ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ, NDRF અને આર્મીની ટીમો દ્વારકાના વિવિધ ભાગોમાં ઉખડી ગયેલા વૃક્ષો અને વીજળીના થાંભલાઓને દૂર કરવા માટે કામ કરી રહી છે.
16 જૂને સોમનાથ-દ્વારકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ મંદિરો બંધ
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેથી સોમનાથ, દ્વારકા, ચોટીલા સહિતના તમામ મંદિરો આવતીકાલે દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.