Biparjoy Cyclone Update: બિપરજોય વાવાઝોડાની અસરના પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કેટલીક સેવાઓ બંધ કરવામાં આવી છે. આ વાવાઝોડું 15 જૂને કચ્છમાં લેન્ડફોલ થવાની સંભાવના છે. આ વાવાઝોડાના આગમન પહેલા સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદમાં 14 અને 15 જૂને ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
બિપરજોયના કારણે અમદાવાદમાં સલામતીના ભાગરૂપે સાબરમતી રિવરફ્રન્ટ પરનો વોક-વે 15 અને 16 જૂન બે દિવસ લોકો માટે બંધ રહેશે. આ સમયે રિવરફ્રન્ટના નિચાણવાળા વિસ્તારમાં લોકો અવરજવર કરી શકશે નહીં.
વાવાઝોડાના કારણે સોમનાથ મંદિરે દર્શન માટે ન આવવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. સુપ્રસિદ્ધ સાળંગપુર ખાતે દાદાના દર્શન તારીખ 13થી 16 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો ઘરબેઠા સોશિયલ મીડિયાના માધ્યમથી દાદાના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બિપરજોય ચક્રવાતના કારણે રાજ્યભરમાં શું-શું બંધ રહેશે
-રાજ્યના તમામ ફરવા માટેના બીચ બંધ કરવામાં આવ્યા છે.
-આગામી 15મી જુન સુધી હજીરા ઘોઘા રો રો ફેરી સર્વિસ બંધ રહેશે.
-ગીરનારમાં અને અંબાજીમાં રોપ વે સેવા બંધ કરવામાં આવી છે.
-ખોડલધામ મંદિર દર્શનાર્થીઓ માટે 14 અને 15 જૂને બંધ રહેશે.
-13 જુનથી 16 જુન સુધી નડા બેટ ઇન્ડો-પાક બોર્ડર પ્રવાસીઓ માટે બંધ રહેશે.
-સોમનાથમાં આવેલો સમુદ્રપથ પ્રોમો નેડ (વોક વે) બંધ કરવામાં આવ્યો છે.
-દેવળીયા પાર્ક અને ગીર સફારી 16 જૂન સુધી બંધ કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં ગીર જંગલમાં ન જવા લોકોને અપીલ કરી છે.
-મોરબી , રાજકોટ, કચ્છ, પોરબંદર , ભાવનગર, અમરેલીમાં 14થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ રહેશે
-કંડલા, પીપાવાવ, અલંગ પોર્ટ 16 જૂન સુધી બંધ રહેશે.
-ઐતિહાસિક દાંડી નેશનલ સોલ્ટ મેમોરિયલ પ્રવાસીઓ માટે બંધ રહેશે.
આ પણ વાંચો – કંડલા ચક્રવાત 1998 ભારે વિનાશક હતું, વાવાઝોડું બિપરજોય એની યાદ અપાવે એવી દહેશત
20 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર
રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ અને સમીક્ષા બેઠકમાં ચર્ચાયેલી બાબતોની વિગતો આપતા કહ્યું હતું કે કેઝુઆલિટી અને નુકસાનને ઘટાડવા રાજ્ય સરકાર દ્વારા હાલ લોકોના સ્થળાંતર પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રભાવિત જિલ્લાઓમાં અત્યારસુધીમાં કુલ 20 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે, જે આજે સાંજ સુધીમાં પૂર્ણ થશે.
તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 500, કચ્છમાં 6786, જામનગરમાં 1500, પોરબંદરમાં 543, દ્વારકામાં 4820, ગીર સોમનાથમાં 408, મોરબીમાં 2000 અને રાજકોટમાં 4031 મળી કુલ 20588 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.