scorecardresearch
Premium

Biparjoy Cyclone : બિપરજોય ચક્રવાતનું સંકટ, સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી

Biparjoy Cyclone : 14 અને 15 જૂન દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી સામે દરિયાઈ વિસ્તારના આઠ જિલ્લાઓની સજ્જતા અંગે મુખ્યમંત્રીએ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં વિગતો મેળવી

Biparjoy Cyclone, CM Bhupendra Patel
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં સોમવારે સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા (તસવીર – સીએમ ભૂપેન્દ્ર પટેલ ટવિટર)

Cyclone Biparjoy: રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો કયાસ કાઢવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં સોમવારે સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ, તીવ્ર ગતિએ પવન ફૂંકાવો તથા વાતાવરણમાં આવેલા બદલાવની સ્થિતિની સમીક્ષા તેમણે ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા 8 જિલ્લાઓના 25 તાલુકાઓના સમુદ્રથી 0 થી પાંચ કિલોમીટર અને પાંચથી 10 કિલોમીટરમાં વસેલા 441 ગામોની અંદાજે 16 લાખ 76 હજાર જનસંખ્યાને આ વાવાઝોડાને પરિણામે સંભવિત વરસાદ, તીવ્ર પવન, દરિયાઈ મોજાંની સ્થિતિનો સામનો કરવો પડે તેમ છે.

સુરક્ષા અને સલામતીના પગલાના ભાગરૂપે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ 8 જિલ્લાઓમાં 6827 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ આઠ જિલ્લાઓમાં 6041 અગરિયા ભાઈ-બહેનો વસવાટ કરે છે, તેમાંથી 3243 અગરિયા ભાઈ-બહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગની સજ્જતા અંગેની સમીક્ષામાં જણાવવામાં આવ્યું કે વિભાગ દ્વારા જરૂરી દવાઓ તથા અન્ય સામગ્રીના જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં 521 જેટલા પી.એચ.સી., સી.એચ.સી., હોસ્પિટલને આરોગ્ય-રક્ષક દવા, સાધનો, જનરેટરથી સજ્જ કરવામાં આવ્યા છે. પૂર સંભવિત વિસ્તારોમાં 157 એમ્બ્યુલન્સ સેવાઓ પણ ઉપલબ્ધ છે.

હવામાન વિભાગના વર્તારા અનુસાર આગામી 14 અને 15 જૂનના દિવસોમાં આ આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની શકયતાઓ દર્શાવાઇ છે. આ સંદર્ભમાં વરસાદને કારણે લોકોને અને પશુઓને કોઇ જાનહાનિ કે મોટું નુકશાન ન થાય તે માટેની પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. માર્ગ-મકાન વિભાગે 95 ટીમો બનાવીને મંગળવાર બપોર સુધીમાં આ જિલ્લાઓમાં પહોંચાડી દેવાની વ્યવસ્થા કરી છે. ઊર્જા વિભાગે 577 ટીમ સ્ટેન્ડ બાય રાખી છે અને આ આઠ જિલ્લાઓના 6950 ફિડરો પરથી મળતા વીજ પૂરવઠાને અસર ન પહોંચે તેની પણ તકેદારી રાખી છે.

આ પણ વાંચો – બિપરજોય વાવાઝોડાના પગલે દ્વારકાધીશ મંદિર પર બે ધજા ચઢાવવામાં આવી, જાણો કેમ

ભારે વરસાદ કે વાવાઝોડાથી કાચા મકાનો, ઝૂંપડાઓ કે નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાય છે ત્યાં લોકોની સલામતી અને જરૂર જણાયે બચાવ રાહત માટે NDRF તથા SDRF ની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં એનડીઆરએફની 3 ટીમ તથા એસડીઆરએફની 2 પ્લાટુન તહેનાત કરવામાં આવી છે. રાજકોટમાં 3 એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે. જામનગર તથા દેવભૂમિ દ્વારકામાં એનડીઆરએફ-એસડીઆરએફની 2-2 ટીમો મોકલવામાં આવી છે. મોરબી, પોરબંદર, ગીર-સોમનાથ, જુનાગઢમાં એનડીઆરએફ-એસડીઆરએફની 1-1 ટીમો તહેનાત કરવામાં આવી છે. વલસાડમાં એનડીઆરએફની 1 તથા પાટણ અને બનાસકાંઠામાં એસડીઆરએફની 1-1 ટીમો મોકલાઈ છે. ગાંધીનગરમાં એનડીઆરએફની 1 ટીમ તથા સુરતમાં એસડીઆરએફની 1 ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. એનડીઆરએફની 15 ટીમો તહેનાત તથા 6 રિઝર્વ કરી કુલ 21 ટીમો સજ્જ કરવામાં આવી છે. એસડીઆરએફની 12 તહેનાત અને 1 રિઝર્વ એમ કુલ 13 ટીમો સજ્જ કરવામાં આવી છે.

સાવચેતીના પગલારૂપે આ દરિયાઇ વિસ્તારના આઠ જિલ્લામાં કુલ 1469 હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે. ભારે વરસાદ કે વાવાઝોડાને પગલે કોમ્યુનિકેશન સિસ્ટમને અસર પડે તો તેને પહોંચી વળવા સેટેલાઇટ ફોન્સ, હેમ રેડીયો ઓપરેટર, જી-સ્વાન નેટવર્કની સેવાઓ પણ તકેદારીના ભાગરૂપે તૈયાર રાખવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંભવિત વાવાઝોડાના સંકટ સામે સમગ્ર રાજ્યના અને ખાસ કરીને દરિયાકાંઠાના આઠ જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીઓ-કર્મચારીઓ પૂરી ક્ષમતાથી સતર્ક છે અને જાન-માલને ઓછામાં ઓછું નુકશાન થાય તેવી પ્રતિબદ્ધતાથી દિવસ-રાત કાર્યરત છે તેની સરાહના કરી હતી. મુખ્ય સચિવ રાજકુમાર, મહેસૂલના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, રાહત કમિશ્નર આલોક પાંડે તથા વિભાગોના વરિષ્ઠ સચિવો આ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા.

Web Title: Biparjoy cyclone crisis cm bhupendra patel high level meeting

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×