અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે શનિવારે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન શનિવારે બપોરે દાહોદ જિલ્લાની નવજીવન કોલેજ પરિસરમાં એક વિશાળ જનસભાને સંબોધશે. જનસભા બાદ બંને નેતાઓ આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત વડોદરામાં તિરંગા યાત્રામાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત ચૂંટણીને લઈને ખૂબ જ સક્રિય જોવા મળે છે અને તેઓ દર 10 દિવસમાં લગભગ એક વખત ગુજરાતની મુલાકાતે આવે છે. અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. બે દિવસ પહેલા કેજરીવાલે દાવો કર્યો હતો કે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપે મુખ્યમંત્રી કે કેન્દ્રીય મંત્રીની જવાબદારી લાદી છે. તેમણે તેને ભાજપનો ડર ગણાવ્યો હતો.
આ પણ વાંચોઃ- અમદાવાદ : વસ્ત્રાલમાં ફિલ્મી સ્ટાઈલે કારની ટક્કરથી બૂલેટ ચાલકની હત્યા, ફાયરીંગની વાત ખોટી
ભાજપ પર કટાક્ષ કરતા કેજરીવાલે કહ્યું કે ગુજરાતના લોકો ઝડપથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું હતું કે, “એ સમાચાર છે કે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપ એક કેન્દ્રીય પ્રધાન અથવા મુખ્ય પ્રધાનની ફરજ આપી રહી છે. બાપ રે.. આટલો ડર? આ આમ આદમી પાર્ટીનો નથી. આ ડર ગુજરાતના લોકો જે બીજેપીથી ખૂબ જ નારાજ છે. હવે ઝડપથી આમ આદમી પાર્ટીનો પાલવ પકડી રહ્યા છે. “
આ પણ વાંચોઃ- વંદે ભારત ટ્રેનનો સતત બીજા દિવસે અકસ્માત, આણંદ નજીક ગાય અથડાતા મુસાફરોના જીવ અધ્ધર
થોડા દિવસો પહેલા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ભાજપ દિલ્હીમાં મફત વીજળીની ગેરંટી બંધ કરવા માંગે છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, “ગુજરાત તમારી મફત વીજળીની ગેરંટી પસંદ આવી રહી છે. એટલા માટે ભાજપ દિલ્હીમાં મફત વીજળી બંધ કરવા માંગે છે. દિલ્હીના લોકો વિશ્વાસ રાખે. હું કોઈ પણ સંજોગોમાં તમારી મફત વીજળી બંધ થવા દઈશ નહીં. ગુજરાતના લોકો, હું તમને ખાતરી આપું છું કે જો સરકાર બનશે તો 1 માર્ચથી તમારી વીજળી પણ ફ્રી થઈ જશે.