river cruise sabarmati riverfront in ahmedabad : અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવર ક્રુઝ નું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે રવિવારે કરવામાં આવ્યું હતું. વર્ચ્યુઅલ સંબોધનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે અમદાવાદ નગરને રિવર ક્રુઝના માધ્યમથી નવું નજરાણું મળ્યું છે. એક સમય હતો કે સાબરમતી નદી એક ગંદા પાણીના ખાબોચિયા તરીકે ઓળખાતી હતી, પરંતુ આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રિવરફ્રન્ટની પરિકલ્પના કરી અને સાકાર પણ કરી બતાવી છે.
આજે રિવરફ્રન્ટ માત્ર અમદાવાદ શહેર જ નહીં, રાજ્ય આખાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એટલું જ નહીં રિવરફ્રન્ટ સામાજિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્ર પણ બન્યું છે. અમદાવાદ શહેરમાં કાર્યાન્વિત થનાર રિવર ક્રુઝ શહેરના આકર્ષણોમાં એક વધુ યશકલગી બનશે. ભારતમાં જ તૈયાર થયેલી આ ક્રુઝ શહેરીજનોની સુવિધા ઉપરાંત સલામતી- સુરક્ષા પણ પૂરી પાડશે.
અમિત શાહે જણાવ્યું હતું કે 30 મીટર લાંબી અને 10 મીટર પહોળાઈ ધરાવતા આ ક્રુઝમાં ભોજન, સંગીત જેવી સુવિધા પણ મળવાની છે, તેમાં ફાયર સેફ્ટી સુરક્ષાનાં પાસાંઓને પણ ધ્યાને રખાયાં છે. અમદાવાદ શહેરમાં સાયન્સ સિટી, રિવરફ્રન્ટ, બાયો ડાયવર્સિટી પાર્ક, ફ્લાવર પાર્ક પછી હવે ગાંધી આશ્રમનું પણ રિડેવલમેન્ટ કરવામાં આવશે. સાથે સાથે રાજ્યને સ્પોર્ટ્સ હબ બનાવવાની નેમ સાથે કામ કરવામાં આવી રહ્યું છે, તેનો સીધો લાભ રોજગાર અને વિકાસની દૃષ્ટિએ ગુજરાતને મળશે.
આ ક્રુઝ શિપમાં ક્રૂ સભ્યો સહિત એક સાથે 150 વ્યક્તિઓ મુસાફરીનો આનંદ માણી શકશે. આ રિવર ક્રુઝ આગામી 10 જુલાઈથી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ પર અટલબ્રિજથી દધિચીબ્રિજ સુધી જશે. આ ક્રૂઝ શિપનો ચાર્જ, રૂટ, મુસાફરીનો સમય અને કઇ-કઇ સુવિધાઓ મળશે તે વિશે જણાવી રહ્યા છીએ.
આ પણ વાંચો – પાવાગઢ: વડીલો લીફ્ટમાં બેસી છેક મંદિર સુધી પહોંચી શકશે, 5000 ભક્તો જમી શકે તેવું ભોજનાલય પણ બનશે
ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રુઝનું કદ
ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રુઝ 30 મીટર લંબાઇ અને 10 મીટર પહોળી છે.
એક વખતની રાઇડમાં કેટલા મિનિટ મજા માણી શકાશે
આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રુઝમાં મુસાફરો 90 મિનિટની રાઈડનો આનંદ લઈ શકશે.
ક્રુઝમાં કઇ-કઇ સુવિધા અને એન્ટરટેઇન્મેન્ટ મળશે
90 મિનિટની એક વખતની રાઇડમાં મુસાફરો ફૂડ, લાઈવ શો અને સંગીતની મજા માણી શકશે.
ક્રુઝની મુસાફરીનો ચાર્જ
સાબરમતી નદીમાં આ ક્રુઝ શીપની મુસાફરીની મજા માણવા માટે એક વ્યક્તિદીઠ લંચનો 1800 અને ડિનરનો 2000 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
ક્રુઝમાં જમવાનું મળશે?
ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં લંચ અને ડિનર પીરસવામાં આવશે.
કઇ કંપની ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રૂઝનું સંચાલન કરશે
અમદાવાદ સ્થિત કંપની અક્ષય ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ રિવર ક્રુઝનું સંચાલન કરશે. આ કંપની ક્રુઝ ચલાવવા માટે SRFDCLને વાર્ષિક 45 લાખ રૂપિયા ચાર્જ ચૂકવશે. આ ક્રુઝનું એસેમ્બલિંગ રિવરફ્રન્ટ નજીક થયું છે અને આ પ્રોજેક્ટ પાછળ આશરે કુલ 15 કરોડ રૂપિયનો ખર્ચ થયો છે.
ક્રુઝમાં કઇ – કઇ સુવિધાઓ મળશે
આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રુઝ બે માળની છે, જેમાં નીચના ડેક અને ઉપરના ડેક સમાવેશ થાય છે. લોઅર ડેકમાં એર કન્ડીશનિંગ છે જ્યારે ઉપર ડેક ખલ્લું છે. અપર ડેકમાં એક્ઝિબિશન, લાઇવ શો અને ડિસ્પ્લે હશે જે ગાંધીજીના સત્યાગ્રહ જેવી અમદાવાદ સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ અને વારસાને રજૂ કરે છે.
ઉલ્લેખનિય છે કે સાબરમતી રિવરફ્રન્ટ પર પહેલેથી જ બોટિંગ, કાયકિંગ, જોર્બિંગ અને અન્ય સુવિધાઓ છે.