scorecardresearch
Premium

ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો, રાષ્ટ્ર ભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો

Ahmedabad Tiranga Yatra : ગૃહમંત્રી અમિત શાહે કહ્યું – વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં આવનારા 25 વર્ષ દેશની યુવા પેઢી ભારતને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ બનાવવા માટે સમર્પિત બનશે

tiranga yatra in ahmedabad | tiranga yatra | ahmedabad
ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો (તસવીર – અમિત શાહ ટ્વિટર)

Tiranga Yatra In Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘાટલોડીયા વોર્ડ ઓફીસથી નિર્ણયનગર સુધી યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રાને ઘાટલોડીયાથી ફ્લેગ ઓફ કરાવ્યું હતું. તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રીના સંસદીય મતવિસ્તાર અને મુખ્મમંત્રીના વિધાનસભા મતવિસ્તારમાં રાષ્ટ્ર ભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો.

આ તિરંગા યાત્રા પ્રસ્થાન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના વર્ષને એક બહુ જ ઉમદા ભાવ સાથે જનતા સામે રાખ્યું છે. 1857 થી 1947 સુધીના 90 વર્ષ સુધી આઝાદીનો સંઘર્ષ કર્યાં બાદ આપણને મહામૂલી આઝાદી પ્રાપ્ત થઈ. આપણને આઝાદી મળી તેની પાછળ લાખો કરોડો લોકોએ 90 વર્ષ સુધી સંઘર્ષ કર્યો અને બલિદાન આપ્યાં હતાં. કેટલાય વીર સપૂતો અને ક્રાંતિકારીઓ યુદ્ધના મેદાનમાં વીરગતિ પામ્યા હતા. ભગતસિંહ, ખુદીરામ બોઝ, બાબુ કુંવર સિંઘ સહિત કેટલાંય વીર શહીદો હસતા હસતા ઇન્કલાબ ઝિંદાબાદના નારા સાથે વીરગતિ પામ્યાં હતાં. દેશના વીર સપૂતોના બલિદાન ખાલી બલિદાન માત્ર નથી, તેમના બલિદાન આપણી આવનારી પેઢી અને દેશ માટે જીવન જીવવાના સંસ્કાર છે.

અમિત શાહ એ જણાવ્યું હતું કે, લોકતંત્રની જનની એવો આપણો દેશ આઝાદીના 75 મા વર્ષમાં પ્રવેશ્યો છે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના લોકોમાં દેશભક્તિનો જુવાળ ઊભો કર્યો છે. વડાપ્રધાને 15 ઓગસ્ટ 2023 થી 15 ઓગસ્ટ 2047 સુધી આઝાદીનો અમૃતકાળ ઉજવવા માટે આહવાન કર્યું છે. દેશના 75 થી 100 વર્ષની આ યાત્રામાં આપણે સૌ દેશવાસીઓ દેશને દરેક ક્ષેત્રે નંબર 1 બનાવવા માટે આપણું સંપૂર્ણ યોગદાન અર્પણ કરવા કટિબદ્ધ છીએ. આ અમૃતકાળ યુવા પેઢી માટે ખૂબ જ મહત્વનો છે. 90 વર્ષ સુધી યુવા પેઢીએ આઝાદીના આંદોલનનું નેતૃત્વ કરીને દેશને ગુલામીમાંથી મુક્ત કર્યો હતો. લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં આવનારા 25 વર્ષ દેશની યુવા પેઢી ભારતને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ બનાવવા માટે સમર્પિત બનશે.

આ પણ વાંચો –  અમિત શાહે ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતી અને નિકાસલક્ષી પાક દ્વારા નવી હરિયાળી ક્રાંતિ માટે હાકલ કરી

‘હર ઘર તિરંગા’ અને ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંગે વાત કરતા અમિત શાહે જણાવ્યું હતું કે ગત વર્ષે હર ઘર તિરંગા અભિયાનમાં દેશમાં આબાલવૃદ્ધ સૌ કોઈ સાથે મળીને દેશભક્તિના રંગે રંગાયા હતાં. આજે તિરંગા સાથે અહીં ઉપસ્થિત વિશાળ જનમેદની જોઈને ‘મારી માટી, મારો દેશ’ અભિયાન પણ સફળ થતું દેખાઈ રહ્યું છે. ગત વર્ષે દેશના દરેક ઘર પર જોશભેર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ વર્ષે પણ રાષ્ટ્રભાવનાને સમર્પિત આ જનઅભિયાનમાં દેશવાસીઓ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.

તેમણે કહ્યું કે ગુજરાતમાં પણ આ વર્ષે એક કરોડથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવા અને ગામેગામથી માટીને એકત્રિત કરીને વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે લોકો ઉત્સાહભેર આ અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે. સાથે જ તેમણે ઉપસ્થિત જનમેદનીને પોતાના ઘર પર તિરંગો ફરકાવીને તેની સેલ્ફી ઓનલાઇન અપલોડ કરીને આ મહાઅભિયાનમાં સહભાગી બનવા આહવાન કર્યું હતું.

આ તિરંગા યાત્રા ફ્લેગ ઓફ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારતનું અભિન્ન અંગ હોવા છતાં પહેલાં કાશ્મીરમાં તિરંગો ફરકાવવા માટે સંઘર્ષ કરવો પડતો હતો. ભૂતકાળમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હિંમતભેર કાશ્મીરમાં તિરંગો લહેરાવ્યો હતો. દેશની ભાવિ પેઢીને તિરંગો લહેરાવવા માટે સંઘર્ષ ના કરવો પડે એટલા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહની જોડીએ સંઘર્ષ કર્યો હતો. તેમના સબળ નેતૃત્વમાં કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરીને દેશને એક અને અખંડ બનાવવામાં આવ્યો. જેના લીધે આજે કાશ્મીરમાં તિરંગો શાનથી ફરકી રહ્યો છે.

‘હર ઘર તિરંગા’ અભિયાન અને ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંગે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના આહવાન પર ગત વર્ષે દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઘરે ઘરે તિરંગો લહેરાયો હતો. દેશભરમાંથી લોકો જોશભેર આ રાષ્ટ્ર ભાવના જગાવતા આ અભિયાનમાં સહભાગી બન્યા હતા. ‘મારી માટી, મારો દેશ’ અને ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આ વર્ષે પણ રાષ્ટ્ર ઉત્સવની ભવ્ય ઉજવણી દેશભરમાં થનાર છે.

ઉપસ્થિત પોલીસ બેન્ડ દ્વારા સંગીતના તાલે મહાનુભાવોને આવકારવામાં આવ્યાં હતાં. પ્લાટૂન કમાન્ડોની આગેવાનીમાં વિવિધ પોલીસ દળોની પરેડ સાથે ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરાવીને તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ ઉપસ્થિત મહાનુભાવો ત્યારબાદ લોકો સાથે તિરંગા યાત્રામાં જોડાયા હતા.

Web Title: Amit shah and cm bhupendra patel flag off tiranga yatra in ahmedabad ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×