ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણીઓ માટે આજે મતદાન થયું છે. મતદાન સવારે સાત વાગ્યે શરૂ થયું અને સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. ત્યાં જ વિસાવદરમાં મતદાન દરમિયાન એક મતદાન મથકના સીસીટીવી બંધ થયા બાદ આમ આદમી પાર્ટી (AAP) એ મોટા આરોપો લગાવ્યા છે. આપના વડા અરવિંદ કેજરીવાલે પોતે ચૂંટણી પંચના હસ્તક્ષેપની માંગ કરી છે.
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, “વિસાવદરમાં બધા બૂથનું લાઈવ સ્ટ્રીમિંગ બંધ કરી દેવામાં આવ્યું છે અને દરેક જગ્યાએથી બૂથ કેપ્ચરિંગના અહેવાલો આવી રહ્યા છે. વાઘણીયા ગામમાં જ્યારે મતદાન અધિકારીએ આને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને માર મારવામાં આવ્યો. 500 થી 800 મત ધરાવતા નાના ગામડાઓમાં કેપ્ચરિંગના સમાચાર ચારે બાજુથી આવી રહ્યા છે. કોના આદેશ પર ECI એ લાઈવ સ્ટ્રીમિંગ બંધ કર્યું?”
અરવિંદ કેજરીવાલે પૂછ્યું – શું થઈ રહ્યું છે?
આપના વડા અરવિંદ કેજરીવાલે લખ્યું કે ધોળા દિવસે આ શું થઈ રહ્યું છે? શું મોટા પાયે બૂથ કબજે કરવાની તૈયારી છે? મને આશા છે કે કેન્દ્રીય ચૂંટણી પંચ તાત્કાલિક કાર્યવાહી કરશે.
આ પણ વાંચો: દુર્ઘટનાગ્રસ્ત વિમાનના બંને એન્જિન બરાબર કામ કરી રહ્યા હતા? જાણો એર ઇન્ડિયાના CEO એ શું કહ્યું?
વિસાવદર બેઠક પર ભાજપના કિરીટભાઈ બાબભાઈ પટેલ, કોંગ્રેસના નિતિન રાણાપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા ચૂંટણી મેદાનમાં છે.
વિસાવદરમાં 54.61 અને કડીમાં 54.49 ટકા મતદાન
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કડી અને વિસાવદર પેટા ચૂંટણી મતદાનના આંકડા પ્રમાણ કડીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 54.49 ટકા મતદાન થયું હતું. જ્યારે વિસાવદરમાં 54.61 ટકા મતદાન નોંધાયું હતું.
 
						 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													