Air India Plane Crash: 12 જૂન, ગુરુવાર અમદાવાદમાં એક દુ:ખદ અકસ્માત થયો. અમવાદના મેઘાણાનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો. જોકે ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એવી આશંકા છે કે એક વ્યક્તિ સિવાય આ અકસ્માતમાં અન્ય તમામ લોકોના મોત થયા છે. હવે અકસ્માત બાદ પીએમ મોદી પણ ઘટનાસ્થળની મુલાકાત લેશે. પ્રાપ્ત માહિતી અનુસાર પીએમ મોદી શુક્રવારે સવારે અમદાવાદ જશે.
પીએમ મોદી અમદાવાદ આવશે
એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ વિશ્વભરના નેતાઓએ તેના પર શોક વ્યક્ત કર્યો છે. અકસ્માત બાદ પીએમ મોદી સતત આ સંબંધિત માહિતી લઈ રહ્યા છે. હવે તેઓ પોતે શુક્રવારે અમદાવાદ આવશે. પીએમ મોદી સવારે જ અમદાવાદની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ઘટનાસ્થળે જશે અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવશે. પીએમ મોદી અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને પણ મળી શકે છે.
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
પીએમ મોદીએ અકસ્માત બાદ એક્સ પર લખ્યું, “અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ આપણને આઘાત અને દુઃખ પહોંચાડ્યું છે. આ એક એવી હૃદયદ્રાવક ઘટના છે જે શબ્દોમાં કહી શકાય નહીં. આ દુઃખદ ક્ષણમાં મારી સંવેદના તેનાથી પ્રભાવિત તમામ લોકો સાથે છે. હું મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું જે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે.”
આ પણ વાંચો: નવી જિંદગીનું સોનેરી સપનું અને છેલ્લી ઉડાણ, ડૉક્ટર દંપતીનો આખો પરિવાર પ્લેન ક્રેશમાં મોતને ભેટ્યો
ગૃહમંત્રીએ મુલાકાત લીધી
અમદાવાદમાં વિમાન ક્રેશ થયા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અહીં તેઓ ઘાયલોને મળ્યા હતા. તેમણે કહ્યું, “વડાપ્રધાન, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વતી, હું આ ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.” તેમણે એમ પણ કહ્યું કે ઘટનાના માત્ર 10 મિનિટમાં જ તેમણે મુખ્યમંત્રી, રાજ્ય ગૃહમંત્રી અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને બચાવ કામગીરીમાં લાગી ગયા છે.