Plane Crash in Ahmedabad News : અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. આ ગમખ્વાર દુર્ઘટના પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. મીડિયાને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં અનેક મુસાફરોના મોતની આશંકા છે અને સમગ્ર દેશ શોકગ્રસ્ત પરિવારો સાથે ઉભો છે.
અમિત શાહે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે વિમાન દુર્ઘટનાની 10 મિનિટમાં જ કેન્દ્રને જાણ કરવામાં આવી હતી અને ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ વિભાગ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય વચ્ચે સંકલન શરૂ કરવામાં આવ્યું હતું.
પીએમ મોદીએ ફોન કરીને પરિસ્થિતિ પર નજર રાખી
અમિત શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ પોતે ફોન કરીને પરિસ્થિતિ પર નજર રાખી હતી અને સાથે જ ભારત સરકાર અને ગુજરાત સરકારની એજન્સીઓએ સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરી હતી. એર ઇન્ડિયાના આ વિમાનમાં ભારત અને વિદેશના કુલ 242 લોકો સવાર હતા. જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે. એક મુસાફર બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. હું તેને મળીને આવ્યો છું. ડીએનએ ટેસ્ટ અને ઓળખ બાદ જ મોતનો આંકડો સત્તાવાર રીતે જાણી શકાશે. ગુજરાત સરકારે તમામ વિભાગોને એલર્ટ કરી દીધા છે. બધાએ સાથે મળીને રાહત કાર્ય શરૂ કર્યું હતું.
અમિત શાહે કહ્યું – વિમાનની અંદર સવા લાખ લીટર ઈંધણ હતું
અમિત શાહે કહ્યું કે વિમાનની અંદર સવા લાખ લીટર ઈંધણ હતું, ગરમી અને તાપમાન ઘણું વધારે હતું. કોઈને બચાવવાની તક પણ મળી ન હતી. હું ઘટના સ્થળે ગયો છું, બધાને બહાર કાઢવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેટલા મુસાફરોના સંબંધીઓ અહીં પહોંચશે તેમના ડીએનએ લેવામાં આવશે. 1000થી વધુ ડીએનએ ટેસ્ટ કરાવવા પડશે અને તે તમામ ગુજરાતમાં થશે. ડીએનએ સેમ્પલ લેવાની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ પછી મૃતદેહો સંબંધીઓને સોંપવામાં આવશે.
આ પણ વાંચો – અમદાવાદ વિમાન દુર્ઘટના સાથે જોડાયેલી 6 મહત્વપૂર્ણ વાતો, જેને જાણવી જરૂરી છે
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે એવિએશન ડિપાર્ટમેન્ટે તપાસ તેજ કરી દીધી છે. ઉડ્ડયન મંત્રીએ આદેશ આપ્યો છે કે તપાસ ઝડપથી થવી જોઈએ. બચાવ અને રાહત કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આ એક અકસ્માત હતો, અકસ્માતને કોઈ રોકી શકે તેમ નથી. હું તમામ પીડિતોના પરિવારો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરું છું.