scorecardresearch
Premium

અમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર, જાણો ભાષણની ખાસ વાતો

AICC Session Ahmedabad Gujarat : ગુજરાતના અમદાવાદમાં યોજાયેલ કોંગ્રેસ અધિવેશનના બીજા દિવસે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ​​સંમેલનને સંબોધિત કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું – અમે તમારી સામે જાતિ વસ્તી ગણતરી કાયદો પસાર કરીશું

rahul gandhi, AICC Session Ahmedabad Gujarat
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (તસવીર – સ્ક્રિનગ્રેબ)

AICC Session Ahmedabad Gujarat : ગુજરાતના અમદાવાદમાં યોજાયેલ કોંગ્રેસ અધિવેશનના બીજા દિવસે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ​​સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે મહાત્મા ગાંધી અને સરદાર પટેલને યાદ કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી. રાહુલે કહ્યું હતું કે 100 વર્ષ પહેલાં મહાત્મા ગાંધી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. સરદાર પટેલનો જન્મ 150 વર્ષ પહેલા થયો હતો. ગાંધીજી, સરદાર પટેલ કોંગ્રેસ પાર્ટીના પાયા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે મેં એક વાર ઇન્દિરા ગાંધીને એક પ્રશ્ન પૂછ્યો હતો. મેં પૂછ્યું કે દાદી મૃત્યુ પછી લોકોએ તમારા વિશે શું કહેવું જોઈએ. ઇન્દિરા ગાંધીએ જવાબ આપ્યો કે રાહુલ, હું મારું કામ કરું છું. મારા મૃત્યુ પછી લોકો મારા વિશે શું વિચારે છે કે શું નહીં, તેનાથી મને કોઈ ફરક પડતો નથી. મને ફક્ત મારા કામમાં રસ છે. મારા મૃત્યુ પછી ભલે આખી દુનિયા મને ભૂલી જાય, તે મને સ્વીકાર્ય છે. મને પણ આ જ લાગે છે.

અમે તેલંગાણામાં એક ક્રાંતિકારી પગલું ભર્યુ – રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે તેલંગાણામાં એક ક્રાંતિકારી પગલું ભર્યું. જાતિ વસ્તી ગણતરી. તેના થોડા મહિના પહેલા મેં સંસદમાં ભાષણ આપ્યું હતું. મેં પીએમ મોદીને કહ્યું હતું કે તમારે જાતિગત વસ્તી ગણતરી કરાવવી જોઈએ. દેશને ખબર હોવી જોઈએ કે આ દેશમાં દલિત, પછાત વર્ગ, અત્યંત પછાત, અત્યંત દલિત, આદિવાસી, લઘુમતી, ગરીબ સામાન્ય વર્ગના કેટલા લોકો છે.

રાહુલ ગાંધીએ કહ્યું – અમે તમારી સામે જાતિ વસ્તી ગણતરી કાયદો પસાર કરીશું

રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી અને આરએસએસે સ્પષ્ટપણે કહ્યું છે કે અમે જાતિગત વસ્તી ગણતરી નહીં કરીએ. અમે જાણવા માંગતા નથી, અમે લોકોને કહેવા માંગતા નથી કે આ દેશમાં દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો, ગરીબ સામાન્ય વર્ગ અને લઘુમતીઓને કેટલી ભાગીદારી મળે છે. પછી મેં તેને ખુલ્લેઆમ કહ્યું કે તમે છુપાવવું હોય તેટલું છુપાવો. અમે લોકસભા અને રાજ્યસભામાં તમારી સામે જાતિ વસ્તી ગણતરી અંગેનો કાયદો પસાર કરીશું.

56 ઈંચની છાતી ક્યાં ગઈ?

રાહુલે પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે બાંગ્લાદેશ ઉલટું નિવેદન આપે છે અને નરેન્દ્ર મોદી તેમની બાજુમાં બેઠા છે, સંપૂર્ણપણે મૌન છે, તેમના મોઢામાંથી એક પણ શબ્દ નીકળતો નથી. ક્યાં ગઇ 56 ઇંચની છાતી? પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું ઉદાહરણ આપતા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે એકવાર કોઈએ ઈન્દિરા ગાંધીને પૂછ્યું કે તમે ડાબે લીડ કરો છો કે જમણે? જેના જવાબમાં ઇન્દિરાજીએ કહ્યું કે હું ભારતની વડાપ્રધાન છું, હું ન તો જમણી બાજુ નેતૃત્વ કરું છું કે ન તો ડાબે, વચ્ચે સીધી ઉભી રહું છું. રાહુલે વધુમાં કહ્યું કે આપણા નવા વડાપ્રધાન તેમની સામે સીધું માથું ઝુકાવે છે.

આ પણ વાંચો – કોંગ્રેસ અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગેના સરકાર ઉપર આકરા પ્રહારો

રાહુલે કહ્યું કે હું ફક્ત જાતિગત વસ્તી ગણતરી પાછળ નથી. જાતિગત વસ્તી ગણતરી એક પગલું છે. મારે એ શોધવું હતું કે આ દેશમાં કોની શું ભાગીદારી છે. તે સમયે મેં કહ્યું હતું કે દેશમાં એક્સ-રે કરાવવો જોઈએ. આપણે એ શોધવું જોઈએ કે આપણા દલિત, આદિવાસી અને પછાત વર્ગના લોકો જે તડકામાં કામ કરે છે અને મજૂરી કરે છે, તેમને આખા દેશમાં આદર મળે છે કે નહીં, શું તેમને સમાજમાં સ્થાન મળે છે?

ભારતમાં આર્થિક તોફાન આવવાનું છે – રાહુલ ગાંધી

રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવા ટેરિફની જાહેરાત કરી પરંતુ પીએમ મોદીએ કંઇ કહ્યું નહીં, આજ સુધી તેઓ ગાયબ છે. જનતાનું ધ્યાન તે તરફ ન જાય તેથી સંસદમાં બે દિવસનો ડ્રામા ચલાવ્યો હતો. પરંતુ સત્ય એ છે કે આર્થિક તોફાન આવવાનું છે, તે લાખો લોકોને નુકસાન પહોંચાડશે. શું તમે આ વખતે પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગળે મળવાની તસવીર જોઈ છે? રાષ્ટ્રપતિ ટ્રમ્પ, જેમને પીએમ મોદી તેમના મિત્ર કહે છે, તેમણે આદેશ આપ્યો હતો કે આ વખતે તેઓ ગળે નહીં લાગે, આ વખતે હું નવા ટેરિફ લગાવીશ. પરંતુ પીએમ મોદીએ એક શબ્દ પણ ન કહ્યો. હકીકત એ છે કે ભારતમાં નાણાકીય તોફાન આવવાનું છે.

આરએસએસની વિચારધારા બંધારણની વિરુદ્ધ

રાહુલ ગાંધીએ એઆઈસીસીના અધિવેશન દરમિયાન કહ્યું કે આરએસએસની વિચારધારા બંધારણની વિરુદ્ધ છે. તેઓ લોકશાહીને ખતમ કરવા માગે છે. તેઓ ભારતની તમામ સંસ્થાઓને નિયંત્રિત કરવા માંગે છે અને દેશના પૈસા અંબાણી અને અદાણીને સોંપવા માંગે છે. વકફ (સુધારા) બિલ ધાર્મિક સ્વતંત્રતા અને બંધારણ પર હુમલો છે. અમારા દલિત નેતા ટીકા રામ જુલી મંદિરમાં ગયા બાદ, તેમના ગયા બાદ ભાજપના નેતાઓએ મંદિરની સફાઈ કરાવી હતી, આ અમારો ધર્મ નથી.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ચેતવણી આપી હતી કે આગામી સમયમાં અન્ય લઘુમતી સમુદાયોને પણ નિશાન બનાવવામાં આવશે. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે આરએસએસ સાથે જોડાયેલા મેગેઝિન ‘ઓર્ગેનાઇઝર’એ ખ્રિસ્તીઓની ભૂમિને નિશાન બનાવવાની વાત કરી છે અને ભવિષ્યમાં શીખ સમુદાય સાથે પણ આવું જ થશે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે દેશ ભારતીય જનતા પાર્ટીથી તંગ આવી ગયો છે અને તે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આગામી સમયમાં પરિવર્તન થવાનું છે, લોકોનો મિજાજ દેખાઇ રહ્યો છે.

Web Title: Aicc session in ahmedabad gujarat rahul gandhi targeted bjp pm narendra modi and rss ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×