Ahmedabad Schools Bomb Threat : અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેસેજથી સુરક્ષાતંત્ર દોડતુ થયું છે. આવતીકાલે લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતમાં મતદાન થાય તે પહેલા શહેરની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળતા તંત્રએ ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા દિલ્હીની પણ અનેક સ્કૂલોને આ પ્રકારે ધમકી મળી હતી, જોકે તપાસમાં કઈ ભયજનક બોમ્બ કે કઈ મળી આવ્યું ન હતુ.
અમદાવાદ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં દિલ્હીની જેવી ઘટનાનું પુનરાવર્તન જોવા મળ્યું છે. શહેરની અનેક સ્કૂલોને તેમના ઓફિશિયલ મેઈલ પર ધમકી ભર્યા મેસેજ મળ્યા છે. જેમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે ગંભીરતાની મામલાની નોંધ લઈ સ્કૂલોમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ મોકલી તપાસ શરૂ કરી છે.
રશિયન ડોમેનથી આવ્યા મેસેજ
સૂત્રો અનુસાર, સ્કૂલોને જે ધમકીભર્યા ઈમેલ મળ્યા છે, તે રશિયન સર્વરમાંથી આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે લોકસભા ચૂંટણી પહેલા આ પ્રકારના મેસેજને લઈ ગંભીરતાથી તપાસ શરૂ કરી દીધી છે, અને પોલીસ તંત્ર સાબદુ થઈ ગયું છે.
પોલીસ અનુસાર, સ્કૂલોમાં ધમકીભર્યા ઈમેલની માહિતી મળા જ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને પણ ઘટના સ્થળે બોલાવી તપાસ શરૂ કરવામાં આવી છે. હજુ સુધી કઈં વાંધાજનક મળ્યું નથી પરંતુ પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે.
અમદાવાદની કઈ કઈ સ્કૂલોને ધમકી મળી
- આર.બી. કેન્ટોન્મેન્ટ એ.પી.એસ. સ્કુલ, શાહીબાગ
- કેન્દ્રીય વિઘ્યાલય , ઓ.એન.જી.સી. ચાંદખેડા
- ન્યુ નોબલ સ્કુલ, વ્યાસવાડી, કઠવાડા નરોડા
- કેન્દ્રીય વિઘ્યાલય, સાબરમતી,
- ગ્રીનલોન્સ સ્કુલ, જેઠાભાઈની વાવ પાસે, વટવા
- મહારાજા અગ્રસેન વિઘ્યાલય, મેમનગર
- આનંદ નિકેતન સ્કુલ, સેટેલાઈટ
- એશીયા ઈન્ગલીશ સ્કુલ વસ્ત્રાપુર
- કેલોરેક્ષ સ્કુલ, ઘાટલોડીયા
- કુમકુમ વિઘ્યાલય , આવકાર હોલની બાજુમા ઘોડાસર
- ડીપીએસ સ્કૂલ (બોપલ)
- શિવ આશિષ સ્કૂલ (બોપલ)
- ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલ (બોપલ)
- એલડીઆર ઈન્ટરનેશનલ સ્કૂલ (બોપલ)
આ સિવાય અમદાવાદ ગ્રામ્યની 17 જેટલી સ્કૂલોને પણ ઈમેઈલ દ્વારા ધમકી મળી હોવાની માહિતી મળી રહી છે, અત્યાર સુધીમાં 29 શાળાને ધમકીભર્યા મેસેજ મળ્યા હોવાની માહિતી સામે આવી છે. મહત્તવની વાત એ છે કે, આમાંથી 11 શાળાઓમાં આવતીકાલે મતદાન પણ થવાનું છે.
અમદાવાદ પોલીસ ની કાર્યવાહી
અમદાવાદ સાયબર ક્રાઈમ ડીસીપી ડો. લવીના સિન્હાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, શહેરમા આવેલી કેટલીક સ્કુલોને ઘમકી ભર્યા મેઈલ મળેલા છે તે બાબતે ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ, એસ.ઓ.જી. અને અમદાવાદ પોલીસ આ બાબતે ગંભીરતા દાખવી પોલીસે તાત્કાલીક ઘમકી ભર્યા મેઈલ મળેલ સ્કુલોનુ બી.ડી.ડી.એસ. ચેકીંગ, ડોગ સ્કોડ દ્વારા સ્કુલોનુ ચેકીંગ કરવામા આવેલ છે ત્યાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે અન્ય કોઈ વિસ્ફોટક સામગ્રી જણાઈ આવેલ નથી તેમજ તે વિસ્તારમા પોલીસ પેટ્રોલીંગ કરવામા આવી રહ્યુ છે, સાથે ક્રાઈમ બ્રાન્ચ ની વિવિઘ ટીમો ટેકનીકલ ઈન્વેસ્ટીગેશન દ્વારા તપાસ ચાલુ છે અમદાવાદ પોલીસ દ્વારા સ્કુલોને મળેલ ઘમકી ભર્યા મેઈલ ને ગંભીરતા પુર્વક તપાસ કરવામા આવી રહી છે.
ગભરાવવાની જરૂર નથી, અફવાથી દુર રહેવું, શાંતી જાળવવી અને સાવધાન રહેવું : પોલીસ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે, પોલીસ દ્વારા અપીલ કરવામા આવે છે કે, “કોઈએ આ બાબતે ગભરાવવાની જરુર નથી, કોઈ પણ પ્રકારની અફવાઓ સોસીયલ મીડીયા પર આવતા ખોટા મેસેજોથી દુર રહેવુ, શાંતી રાખવી અને સાવધાન રહેવુ.

આ પણ વાંચો – જમ્મુ કાશ્મીરના પૂંછમાં વાયુસેનાના કાફલા પર આતંકી હુમલામાં 1 જવાન શહીદ, 4 ઘાયલ
ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા દિલ્હી-એનસીઆરની 200 જેટલી સ્કૂલોને પણ આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેસેજ મળ્યા હતા. પોલીસે તપાસ શરૂ કરતા અહીં પણ રશિયન વીપીએનના માધ્યમથી મેઈલ આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતુ. સીબીઆઈ આ મામલે રશિયા સાથે ઈન્ટરપોલના માધ્યમથી કરી ગંભીરતાથી તપાસ શરૂ કરી છે.