Gujarat : ગુજરાત રાજ્યમાં 8 મહાનગર પાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદની ટર્મ પૂર્ણ થતા નવા ચહેરાઓને આ જગ્યાઓ પર નિમણૂક આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં અમદાવાદ અને વડોદરા મહાનગર પાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદના નામની જાહેરાત કરવામાં આવી છે, તો જોઈએ કયા પદ પર કોના નામની પસંદગી કરવામાં આવી
અમદાવાદ મહાનગર પાલિકા નવા મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
અમદાવાદ મહાનગર પાલિકામાં નવા મેયર તરીકે પ્રતિભા જૈન ના નામની પસંદગી કરવામાં આવી છે. તો ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે દેવાંગ દાણી (દેવાંગ દાદા) ની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતની ટર્મ પૂર્ણ થઈ છે. તેમની જગ્યાએ નો રિપીટ થીયરી અંતર્ગત હવે આ ત્રમ નવા નામની જાહેરાત કરવામાં આવી છે.
કોણ છે પ્રતિભા જૈન?
અમદાવાદના નવા મેયર પ્રતિભા જૈન શાહિબાગ વિસ્તારના કોર્પોરેટર તરીકે છેલ્લા ત્રણ ટર્મથી ચૂંટાઈ આવે છે. તેઓ રાજસ્થાની જૈન સમાજનો ચહેરો માનવામાં આવે છે. તેઓ વર્ષોથી ભાજપમાં સેવા આપી રહ્યા છે. આ પહેલા મહિલા બાળ વિકાસ કમિટીના ચેરમેન પણ છે. આ સિવાય તેઓ જૈન સમાજની સેવાકીય સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. તેમની છબી પક્ષમાં સ્વચ્છ અને નિષ્ઠાવાન રહી છે, જેના પગલે તેમના નામની પસંદગી કરવામાં આવી છે.

વડોદરા નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
વડોદરા મહાનગર પાલિકાની વાત કરીએ તો, અહીં નવા મેયર તરીકે પિન્કી સોનીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર માટે ચિરાગ બારોટના નામની પસંદગી કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે ડો. શિત્તલ મિસ્ત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા જ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ઉચ્ચ પદ પર નો રિપીટ થિયરીના જાહેરાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, નવા નેતાઓને પમ તક મળે તે માટે ભાજપ પક્ષ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત અમદાવાદ અને વડોદરા મહાનગર પાલિકાથી આ નિર્ણય પર અમલની શરૂઆત થઈ હોવાનું જોવામાં આવી રહ્યું છે.