Ahmedabad Traffic Signals Closed Afternoons in Summer : એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ઘણા રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાન 35 થી વધી ગયું છે. આ સાથે જ હવામાન વિભાગે ગુજરાતમાં પણ આકરી ગરમીની ચેતવણી આપી છે. કાળઝાળ ગરમીને જોતા અમદાવાદમાં લોકોને રાહત આપવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરના 100 ટ્રાફિક સિગ્નલ બપોરે 12 થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત લોકોને ગરમીથી રાહત આપવા માટે ભારે ટ્રાફિકવાળા સિગ્નલ પોઈન્ટ પર સમય ઓછો કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે લોકો માટે રાહતની વાત છે કે, તેમને ટ્રાફિક સિગ્નલ પર રોકવાની જરૂર નહીં પડે. જો કે આ નિર્ણયનો અમલ ક્યારે થશે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી.
લોકોને થોડી રાહત મળશે
જેસીપી ટ્રાફિક એનએન ચૌધરીએ જણાવ્યું હતું કે, લાલ લાઇટ બપોરે 12 થી 4 દરમિયાન બંધ રાખવામાં આવશે. પરંતુ પીળી લાઈટ ધીમે ધીમે ઝબકતી રહેશે. આ તમામ માર્ગો પર ટ્રાફિક પોલીસકર્મીઓ તૈનાત રહેશે. ટ્રાફિક કર્મચારીઓને ધ્યાનમાં રાખીને તેમને કેટલીક સુવિધાઓ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં લગભગ 305 ટ્રાફિક સિગ્નલ છે. 200 પર વધારે ટ્રાફિક રહે છે. કેટલાક સિગ્નલો ચાલુ રાખવામાં આવશે. જો કે, અહીં પણ લાલ લાઇટનો સમય ઘટાડવામાં આવશે. જેથી લોકોને લાંબા સમય સુધી રાહ જોવી ન પડે.
આ પણ વાંચો – પુરુષોત્તમ રૂપાલા વિવાદ : શું ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપને ભારે પડશે?
શાળાના સમયમાં પણ ફેરફાર થશે
ઉનાળાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરકારી શાળાઓના સમયમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ અંગે શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિના વહીવટદાર લગધીર દેસાઈએ જણાવ્યું હતું કે, બાળકોને ગરમીથી રાહત આપવા માટે બપોરની પાળી સવારે શાળાએ બોલાવવાનો નિર્ણય લેવાયો છે. જે શાળાઓમાં યોગ્ય બેઠક વ્યવસ્થા છે. ત્યાંની શિફ્ટ સોમવારથી શુક્રવાર સવારે 7:10 થી 12 અને શનિવારે 7:10 થી 11:30 સુધી રહેશે.