scorecardresearch
Premium

અમદાવાદ રથયાત્રા: ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે AI નો ઉપયોગ, ટ્રક-અખાડાનું લોકેશન જાણવા GPS સિસ્ટમ

Ahmedabad Rath Yatra: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત 148મી રથયાત્રાની શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી.

Use of AI in Ahmedabad Rath Yatra
રથયાત્રામાં સૌ પ્રથમવાર A.I.નો ઉપયોગ ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે કરાશે. (તસવીર: X)

Ahmedabad Rath Yatra 2025: અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રાના 16 કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ યાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી, વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તેની તલસ્પર્શી વિગતો મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી. આ વર્ષે રથયાત્રામાં પહેલી વાર આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ A.I.નો શહેર પોલીસ તંત્ર દ્વારા ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે ઉપયોગ કરવામાં આવશે તેમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું.

A.I. ના આ ઉપયોગના પરિણામે રથયાત્રા રૂટ પર કોઈ સ્થળે વધુ પડતા લોકો એકઠા થઈ ગયા હોય તો તેનું સરળતાએ વ્યવસ્થાપન થઈ શકશે તો ભીડને કાબુમાં રાખી શકાશે અને અનિચ્છનિય ઘટના બનતી નિવારી શકાશે. એટલું જ નહીં, ક્યાંય કોઈ આગની ઘટના બનશે તો ત્યાં પણ ફાયર બ્રિગેડ અને પોલીસ તત્કાલ બચાવ-રાહત માતે પહોંચી શકે તે માટે ફાયર એલર્ટ ઉપયોગી બનશે.

રથયાત્રાનું આ પર્વ શાંતિ ભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તંત્રની સજ્જતા દર્શાવતાં આ પ્રેઝન્‍ટેશનમાં પોલીસ કમિશનરે જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને SRP, ચેતક કમાન્ડો અને રેપીડ એક્શન ફોર્સની બટાલીયન્સ સહિત 23,884થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે.

Ahmedabad Rath Yatra, Rath Yatra 2025
અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રાના 16 કિલોમીટર લાંબા રૂટ નીકળે છે. (તસવીર: X)

અમદાવાદ રથયાત્રા માટે ખાસ તૈયારીઓ

  • રથયાત્રામાં સૌ પ્રથમવાર A.I.નો ઉપયોગ ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે કરાશે.
  • ટ્રક અને અખાડાના વાહનોનું રિયલ ટાઈમ લોકેશન જાણવા GPS સિસ્ટમનો ઉપયોગ.
  • 16 કિ.મી. પરની સમગ્ર રથયાત્રા દરમિયાન મુવિંગ બંદોબસ્ત દ્વારા યાત્રારથ-ટ્રકો-અખાડા-ભજન મંડળીઓની સુરક્ષા માટે 4500 જેટલા વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે.
  • ટ્રાફિક નિયમન માટે 1000 કર્મીઓ 23 જેટલી ક્રેઇનની વ્યવસ્થા.
  • 227 કેમેરા, 41 ડ્રોન, 2872 બોડીવોર્ન કેમેરા અને 240 ધાબા પોઈન્ટ – 25 વોચ ટાવર દ્વારા લાઈવ મોનિટરિંગ થશે.
  • યાત્રા દરમિયાન ભક્તો-શહેરીજનોની મદદ માટે 17 જન સહાયતા કેન્દ્રો અને 44 પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત રહેશે.

મુખ્યમંત્રી સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે, રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતોની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં 4500 જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે.

સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1000 જેટલા જવાનો તૈનાત રહેશે. એટલું જ નહીં, 23 જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ચોમાસાની સીઝનમાં કારને રાખો ફીટ, ફોલો કરો આ સરળ ટિપ્સ

પોલીસ કમિશનરે રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન માટે 227 કેમેરા, 41 ડ્રોન, 2872 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે આ ઉપરાંત 240 ધાબા પોઈન્ટ અને ૨૫ વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે. 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર આ બધી વ્યવસ્થાઓના કારણે પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રાખી શકાશે.

Ahmedabad Rath Yatra Check Point, Ahmedabad Rath Yatra Watch Tower
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રા સફળતાથી પાર પડે તે માટેના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી. (તસવીર: X)

રથયાત્રાના રૂટ પર આવેલી 484 જેટલી જુની અને જર્જરીત ઈમારતો-મકાનોનો સહારો લોકો રથયાત્રા જોવા માટે ન લે તે હેતુસર શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા ચેતવણી સુચક બોર્ડ તેમજ પતરાની આડશો મુકીને લોકોને ત્યાં જતા અટકાવવા માટેના જે પગલા લેવામાં આવ્યા છે તેની પણ વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી.

આ રથયાત્રા દરમિયાન શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર 17 જેટલા જન સહાયતા કેન્દ્રો અને 44 પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ ઊભી કરવામાં આવશે તેમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: આગામી 48 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

આ પરંપરાગત રથયાત્રા કોમી એકતા અને સંવાદિતા તથા સૌહાર્દનો ઉત્સવ બને તે માટે રથયાત્રા પૂર્વે શહેર પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની 177, મહોલ્લા સમિતિની 235 તેમજ મહિલા સમિતિની 57 બેઠકો, વિવિધ ધર્મગુરુઓ સાથે 21 બેઠકો અને ભગવાનના રથ ખેંચનારા ખલાસી ભાઈઓ, અખાડા સંચાલકો સાથે 10 જેટલી બેઠકો યોજવામાં આવી હતી.

આ ઉપરાંત એકતા કપ ક્રિકેટ મેચ, વોલીબોલ ટુર્નામેન્ટ, મહેંદી સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ જેવા સામાજિક એકતાની ચેતના જગાવતા આયોજનો પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં જે જે સ્થળોએ રથયાત્રા યોજવામાં આવે છે ત્યાં બધે જ શાંતિ, સલામતી સુલેહના વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પાસેથી પણ જરૂરી વિગતો મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Web Title: Ahmedabad rath yatra uses ai for crowd alert and fire alert rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×