Ahmedabad Mumbai Bullet Train : અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતની પ્રથમ બુલેટ ટ્રેનના અમદાવાદ સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ ખાતે બનેલા ટર્મિનલના વીડિયોનું અનાવરણ કર્યું હતું. આ વીડિયોમાં સંસ્કૃતિક વારસા સાથે આધુનિક સ્થાપત્યની ઝલક જોવા મળી રહી છે. આ રેલવે ટર્મિનલ એરપોર્ટ જેવો અનુભવ કરાવશે.
તમને જણાવી દઈએ કે, ભારતની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે દોડવાનું શરૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનો આ ડ્રીમ પ્રોજક્ટ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે સાથે મળી 2017માં શરૂ કર્યો હતો. તો જોઈએ છ વર્ષમાં તેનું કામ કેટલે પહોચ્યું છે. અને ક્યારે આ ટ્રેન કાર્યરત થવાની સંભાવના છે.
બુલેટ ટ્રેનનું કામ કેટલે પહોંચ્યું?
અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થવા જઈ રહેલ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટેનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બુલેટ ટ્રેનનો મોટોડેપો બની રહ્યો છે. આ સિવાય ગુજરાતમાં 951.14 હેક્ટર જમીનનું 100 ટકા સંપાદન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આમાં રાજ્યના આઠ જિલ્લાઓમાં ફેલાયેલી 6,336 ખાનગી જમીનનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બર 2021 માં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં 7.9 હેક્ટરમાંથી 100 ટકા જમીન સંપાદિત થયાના બે વર્ષ પછી જમીન સંપાદન પૂર્ણ થયું છે. NHSRCL એ જણાવ્યું કે, પડોશી મહારાષ્ટ્રમાં પણ 99.83 ટકા જમીન સંપાદન પૂર્ણ થઈ ગયું છે. નવેમ્બર 2019માં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા પછી મહારાષ્ટ્રમાં જમીન સંપાદનનું કામ ઘણું ધીમુ થઈ ગયું હતું.
અમદાવાદ સાબરમતી ખાતે બુલેટ ટ્રેન મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ
અમદાવાદમાં સાબરમતિ વિસ્તારમાં બુલેટ ટ્રેનનો ટ્રાન્સપોર્ટ હબ ડેપો બની રહ્યો છે, જે ગુજરાત માટે ગૌરવની વાત માનવામાં આવી રહ્યો છે. બુલેટ ટ્રેન ડેપો ખાસ સુવિધાઓથી સજ્જ હશે. જેમાં વીવીઆઈપી લોન્ઝ, એસકેલેટર સહિતની સુવિધા તો હશે જ સાથે મેટ્રો અને બીઆરટીએસ પણ ત્યાંથી સીધી મળી રહે તે પણ ધ્નાયન રાખવામાં આવી રહ્યું છે. બુલેટ ટ્રેન ડેપો સત્યાગ્રહ થીમ પર તૈયાર થઈ રહ્યો છે. આ ડેપો રાત્રે લાઈટોથી ઝળહળી ઉઠશે, એક અદભૂત નજારો હશે.
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે
બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ જમીન સંપાદનની કામગીરીને પગલે તેના અંદાજીત સમય કરતા વધારે સમય લઈ લીધો છે. ભારત સરકારે શરૂઆતમાં ડિસેમ્બર 2018 સુધીમાં જમીન સંપાદન પૂર્ણ કરવાનું અને બુલેટ ટ્રેનને કાર્યરત કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. પરંતુ, કેટલાક વિવાદોને કારણે તેમાં મોડુ થઈ ગયું છે. પરંતુ હવે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, આ જોતા 2025-26માં પીએમ મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે, અને ટ્રેન મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી જોવા મળી શકે છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખર્ચ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ 1 લાખ 8 હજાર કરોડ છે. પ્રોજેક્ટ ખર્ચ માટે 81 ટકા જાપાનીઝ સોફ્ટ લોન દ્વારા વાર્ષિક 0.1 ટકાના દરે લેવામાં આવી છે, જેમાં 15 વર્ષનો ગ્રેસ પીરિયડ સહિત 50-વર્ષના પુન:ચુકવણી સમયગાળાનો સમાવેશ થાય છે.
અમદાવાથી મુંબઈ માત્ર 2 કલાકમાં પહોંચાશે
અમદાવાદ મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન માત્ર બે કલાકમાં બે શહેરને જોડશે. અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર 510 કિમી છે, જે માત્ર બે કલાકમાં પૂર્ણ થઈ શકે તે માટે ડબલ લાઈનનો સમાવેશ હશે, બુલેટ ટ્રેનની મહત્તમ સ્પીડ પ્રતિ કલાક 350ની હશે તેવી રીતે ડિઝાઈન કરવામાં આવી રહી છે. ભારત અને જાપાન સાથે મળી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો – Crocodile Attack Vadodara Vishwamitri River : વડોદરા : વિશ્વામિત્રી નદીમાં મગર યુવકને ખેંચી ગયો, ફાયર વિભાગે લાશ કાઢી
અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન સ્ટોપેજ
હાઇ-સ્પીડ રેલ લાઇન કુલ 12 સ્ટેશનોને સમાવિષ્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. સૂચિત સ્ટેશનોમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થઈ રહ્યો છે. ભારતીય રેલ્વે નેટવર્ક સાથે સીમલેસ ટ્રાન્સફરની સુવિધા આપવા માટે, હાઈ-સ્પીડ રેલ્વે સ્ટેશનો વ્યૂહાત્મક રીતે હાલના રેલ્વે સ્ટેશનોની ઉપર અથવા તેની બાજુમાં બનાવવામાં આવશે.