અવિનાશ નાયર : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પૂર્ણ કરવાની પ્રથમ સમયમર્યાદા સમાપ્ત થયાના લગભગ પાંચ વર્ષ પછી, નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ સોમવારે જણાવ્યું હતું કે, તેણે 99.95 ટકા જમીન સંપાદન પૂર્ણ કર્યું છે, જેમાં ગુજરાતમાં 100 ટકાનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં 100 ટકા જમીન સંપાદન પૂર્ણ
NHSRCL એ જણાવ્યું કે, તેણે ગુજરાતમાં 951.14 હેક્ટર જમીનનું 100 ટકા સંપાદન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આમાં રાજ્યના આઠ જિલ્લાઓમાં ફેલાયેલી 6,336 ખાનગી જમીનનો સમાવેશ થાય છે.
સપ્ટેમ્બર 2021 માં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં 7.9 હેક્ટરમાંથી 100 ટકા જમીન સંપાદિત થયાના બે વર્ષ પછી જમીન સંપાદન પૂર્ણ થયું છે. ભારત સરકારે શરૂઆતમાં ડિસેમ્બર 2018 સુધીમાં જમીન સંપાદન પૂર્ણ કરવાનું અને બુલેટ ટ્રેનને કાર્યરત કરવાનું લક્ષ્ય રાખ્યું હતું.
ગુજરાતના સુરતમાં સૌથી વધુ જમીન સંપાદન
NHSRCL મુજબ, ગુજરાતમાં સંપાદિત કરવાની છેલ્લી જમીન સપ્ટેમ્બર 2023માં સુરત જિલ્લાના કથોર ગામમાં (4.99 હેક્ટર) હતી. ગુજરાતના પાંચ જિલ્લાઓમાં, સુરતે 160.51 હેક્ટરનું યોગદાન આપ્યું હતું – જે પ્રોજેક્ટ માટે સૌથી વધુ છે. સૌથી વધુ ખાનગી પ્લોટ ભરૂચમાં (1,057) હતા.
ઈન્ડિયન એક્સપ્રેસે મે 2023માં અહેવાલ આપ્યો હતો કે, NHSRCL એ ગુજરાતમાં 6,248 ખાનગી જમીનના પાર્સલ માટે વળતર તરીકે 6,104 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. રાજ્યમાં તમામ 6,336 જમીનના સંપાદન માટે વળતરના આંકડા તાત્કાલિક ઉપલબ્ધ ન હતા.
મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં પણ 99.83 ટકા જમીન સંપાદન પૂર્ણ
NHSRCL એ જણાવ્યું કે, પડોશી મહારાષ્ટ્રમાં પણ 99.83 ટકા જમીન સંપાદન પૂર્ણ થઈ ગયું છે. નવેમ્બર 2019માં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા પછી મહારાષ્ટ્રમાં જમીન સંપાદનનું કામ ઘણું ધીમુ થઈ ગયું હતું.
આ પણ વાંચો – ગુજરાત : સુરેન્દ્રનગરમાં મજૂરોને સાંકળો બાંધી ગોંધી રાખ્યા, કૂવો ખોદવાની ફરજ પાડી, બેની ધરપકડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના જાપાની સમકક્ષ શિન્ઝો આબેએ સપ્ટેમ્બર 2017 માં અમદાવાદમાં સાબરમતી ખાતે રૂ. 1.1 લાખ કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. જમીન સંપાદનની પ્રક્રિયા થોડા મહિના પછી શરૂ થઈ હતી અને વધુ વળતર માટે ગુજરાતના ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. NHSRCLએ બાદમાં ખાનગી જમીન માલિકોને ચૂકવવામાં આવનાર વળતર પેકેજમાં સુધારો કર્યો હતો.