Ahmedabad Iskcon Bridge Accident : અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી તથ્ય પટેલના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે તથ્યના 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા. મિરઝાપુર કોર્ટે સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના એટલે કે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે પ્રજ્ઞેશ પટેલને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવશે.
આરોપી તથ્યને કોર્ટમાં રજૂ કરવાની વાત સામે આવતા મોટી સંખ્યામાં લોકો મિરઝાપુર કોર્ટ બહાર પહોંચ્યા હતા. આથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. બોડી વોર્ન કેમેરા સાથે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો.
આખો મુદ્દો રાજકીય બનાવાયાનો તથ્ય ના વકીલનો દાવો
આખો મુદ્દો રાજકીય બનાવાયાનો તથ્યના વકીલનો દાવો કર્યો હતો. વકીલે કહ્યું હતું કે આ કેસ મીડિયા ટ્રાયલ બનાવી દેવાયો છે. તથ્ય 19 વર્ષનો છોકરો છે. ગંભીર ઈજાઓ થઈ છે. કોઇ પણ બાપ પોતાના બાળકને ગંભીર ઇજાઓ થઇ હોય તો એને હોસ્પિટલ જ લઇ જાય. આ આખો મુદ્દો રાજનૈતિક બનાવી દેવાયો છે. બીજી તરફ સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી ક્યાં ગયો હતો તે પણ પૂછવું જરૂરી. મોબાઈલ નથી મળ્યો, તેના મિત્રોનો પણ મોબાઈલ મળ્યો નથી. આરોપીનાં માતા-પિતાએ પોલીસને જાણ કરવી હતી, તેઓ સીધા દીકરાને ઘટનાસ્થળેથી લઇ ગયા. શું પોલીસ આરોપીને હોસ્પિટલ ના લઈ જાત?
આ પણ વાંચો – અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતનો Live Video – જુઓ કેવી સ્પીડમાં કાર આવી અને લોકોને ફંગોળ્યા
તપાસ માટે કમિટીની રચના
ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટનાને લઇને તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદી, SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી સાગઠિયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના એચ.જી કટારિયાનો કમિટીમાં સમાવેશ કરાયો છે.
તથ્ય પટેલ કોણ છે?
તથ્ય પટેલ 19 વર્ષનો સુખી સંપન્ન ઘરનો યુવાન છે. જેના પર આરોપ છે કે, તેમે ભારે સ્પીડ સાથે કાર હંકારી ટોળાને ફંગોળ્યા જેમાં 9 લોકોના મોત થયા છે. તથ્ય પટેલના પિતાનું નામ પ્રજ્ઞેશ પટેલ છે, જે એક બિલ્ડર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તથ્ય પટેલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, અને ગોતા રહે છે. અકસ્માત સર્જાયો ત્યારે તથ્યની સાથે કારમાં 3 યુવતી અને 2 યુવાન પણ હતા. તથ્ય પટેલ અમદાવાદના ગોતા વિસ્તારમાં ગોકુલ ફાર્મની સામે એક હરે શાંતિ બંગ્લોમાં રહે છે.
કેવી રીતે થયો અકસ્માત?
બુધવારે ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન 160થી વધુની સ્પીડમાં આવેલા જેગુઆર કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં 3 પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મોત નિપજ્યાં છે.