scorecardresearch
Premium

અમદાવાદ: તબીબને ડિજિટલ અરેસ્ટ કરી 8 કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો, જાણો આખા કાંડની મોડસ ઓપરેન્ડી

અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ તબીબને ડિજિટલ અરેસ્ટ કરીને 8.5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ પોતાને ક્રાઈમ બ્રાંચ અને ઈડીના કર્મચારી ગણાવ્યા હતા. ફરિયાદીને ડરાવવામાં આવ્યા હતા કે તેમની ડિજિટલ ધરપકડ કરવામાં આવશે.

Digital Arrest Scam, gujarat Digital Arrest Case
ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે આરોપીએ નકલી કોર્ટ રૂમ બનાવ્યો. (તસવીર: CANVA)

અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ તબીબને ડિજિટલ અરેસ્ટ કરીને 8 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ પોતાને ક્રાઈમ બ્રાંચ અને ઈડીના કર્મચારી ગણાવ્યા હતા. ફરિયાદીને ડરાવવામાં આવ્યા હતા કે તેમની ડિજિટલ ધરપકડ કરવામાં આવશે. આ આખા મામલાની શરૂઆત 28 જુલાઈએ આવેલા એક વોટ્ટસ એપ મેસેજ દ્વારા શરૂ થઈ હતી. જેમાં આરોપીઓએ પોતાને ઈડીના કર્મચારી ગણાવ્યા હતા. હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ ડિજિટલ અરેસ્ટ કરનાર ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે.

કેવી રીતે છેતરપિંડી કરી?

આરોપીઓએ તબીબને કહ્યું કે,’નરેશ ગોયલ જેટ એરવેજ સ્કેમ મની લોન્ડરિંગ’ મામલે કેનેરા બેંક મુંબઈના ખાતામાં 5 લાખ રૂપિયા જમા થયા છે અને ફરિયાદીનું નામ મની લોન્ડરિંગ ગુના સાથે જોડાયેલ છે. ફરિયાદીને ડરાવવામાં આવ્યા કે ગુના સાથે જોડાયેલી તપાસ માટે 40 દિવસની અદાલત રિમાન્ડ માટે તેમની ધરપકડ થશે અને જો તેમણે આ વિશે કોઈને કંઈ કહ્યું તો તે દેશવિરોધી કામ માનવામા આવશે. તેમને એવું પણ કહેવામાં આવ્યું કે, જો તેઓ સહયોગ આપશે તો તેમને દિલ્હી બોલાવવામાં આવશે નહીં અને ઓનલાઈન કોર્ટમાં પેશી કરવામાં આવશે.

ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે આરોપીએ નકલી કોર્ટ રૂમ બનાવ્યો અને ઓનલાઈન સુનાવણી હાથ ધરી. ફરિયાદીને બતાવવા માટે કે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, મુખ્ય ન્યાયાધીશ તરફથી તેમને એક નકલી પત્ર પણ મોકલવામાં આવ્યો, જેમાં લખ્યું હતું- “સરકારી બાબતો, નાણાં મંત્રાલય – મહેસૂલ વિભાગ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, ‘માનનીય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ, ભારતના મુખ્ય ન્યાયાધીશ”.

આ પણ વાંચો: ડિજિટલ અરેસ્ટ શું છે અને તેનાથી બચવા શું કરવું? જાણો Digital Arrest વિશે A to Z માહિતી

શેર વેચાવડાયા અને પૈસાની છેતરપિંડી કરી

ફરિયાદી પાસેથી માહિતી લીધા પછી તેમના શેર વેચાયા અને પૈસાની છેતરપિંડી કરવામાં આવી. RTGS દ્વારા કુલ 8 કરોડ રૂપિયા 7 અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 27 જુલાઈથી 12 ઓગસ્ટ દરમિયાન વારંવાર વોટ્સએપ કોલ કરવામાં આવ્યા. આરોપીએ ખોટું બોલ્યું કે તપાસ પૂર્ણ થયા પછી પૈસા પરત કરવામાં આવશે અને આ રીતે પૈસા પડાવી લેવામાં આવ્યા. ફરિયાદીનો એક વ્યવહાર 80 લાખ રૂપિયાનો હતો જે ‘બાલાજી ખીરુ અને ફાસ્ટ ફૂડ’ના નામે હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ એકાઉન્ટ પપ્પુ સિંહનું હતું અને તેની ધરપકડ કરવામાં આવી હતી. પપ્પુ સિંહ નારોલનો રહેવાસી છે અને મૂળ રાજસ્થાનનો છે.

અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી

પપ્પુની ધરપકડ કર્યા પછી બે અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. અમરેલીનો રહેવાસી આસિફ શાહ અને ઉત્તર પ્રદેશનો રહેવાસી વિકાસ કુમાર. આરોપીઓ પાસેથી 32 મોબાઇલ ફોન, 2 લેપટોપ, 1 પેટીએમ સ્વાઇપ મશીન, 6 બેંક ચેક બુક, 2 પાસબુક, 21 ડેબિટ-ક્રેડિટ કાર્ડ, 6 સ્ટેમ્પ અને 5 પેન ડ્રાઇવ જપ્ત કરવામાં આવ્યા હતા. જે મોબાઇલ ફોનમાંથી કોલ કરવામાં આવ્યા હતા તેમાં એક જ સમયે 272 સિમ સક્રિય હતા. આ ફોનનો ઉપયોગ ફક્ત વોટ્સએપ ઓટીપી મેળવવા માટે થતો હતો.

આ પણ વાંચો: દારુમા ડોલ શું છે? જાણો જાપાનમાં PM મોદીને મળેલી અનોખી ભેટને લકી ચાર્મ કેમ કહેવામાં આવે છે?

આરોપી આસિફ કમિશન માટે બેંક ખાતા ભાડે આપતો હતો. આરોપી વિકાસે આસિફને કરોડો રૂપિયાની મર્યાદા ધરાવતું ખાતું શોધવા કહ્યું હતું. 24 જુલાઈના રોજ વિકાસે પપ્પુ સિંહના ખાતાના દસ્તાવેજો આસિફને મોકલ્યા હતા. કહેવામાં આવ્યું કે પપ્પુ સિંહના ખાતાની મર્યાદા 5 કરોડ છે. વિકાસે ટેલિગ્રામ પર @alexmontiraj ને બધી માહિતી મોકલી. મોન્ટી કેસિનો ગેમિંગના પૈસાનો વ્યવહાર કરતો હતો અને બેંક ખાતા ચલાવવા પર 2% કમિશન આપતો હતો. વિકાસે પપ્પુ સિંહના ખાતાની વિગતો મોન્ટીને આપી. મોન્ટીએ ‘અમ્મા પે’ નામની એક એપ લિંક મોકલી જે પપ્પુના મોબાઇલમાં ખોલવાની હતી. પપ્પુએ લિંક ખોલતાની સાથે જ તેના મોબાઇલ પરના બધા સંદેશા અને OTP ફોરવર્ડ કરવામાં આવ્યા અને 80 લાખ રૂપિયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. હાલમાં પપ્પુ સિંહ, આસિફ અને વિકાસની ધરપકડ કરવામાં આવી છે. મોન્ટીની શોધ ચાલુ છે અને પ્રારંભિક માહિતી અનુસાર મોન્ટીની ઉપર કંબોડિયાની કોઈ ગેંગ હોઈ શકે છે.

Web Title: Ahmedabad doctor digitally arrested case know the modus operandi of the entire scandal rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×