scorecardresearch
Premium

Devraj Patel Accident : “દિલ સે બુરા લગતા હૈ” ફેમ કોમેડિયન દેવરાજ પટેલનું માર્ગ અકસ્માતમાં મોત

Devraj Patel Died : દેવરાજ પટેલ થોડા વર્ષો પહેલા દિલ સે બુરા લગતા હૈ નામના શોર્ટ વીડિયોને કારણે દેશમાં ફેમસ થયો હતો. દેવરાજના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. યુટ્યુબ પર તેના લાખો સબ્સ્ક્રાઇબર્સ પણ છે

Devraj Patel died in road accident, Devraj Patel died
કોમેડિયન દેવરાજ પટેલનું માર્ગ અકસ્માતમાં મોત (તસવીર – સોશિયલ મીડિયા)

Devraj Patel Died In Road Accident : “દિલ સે બુરા લગતા હૈ” વીડિયોથી ફેમસ થયેલા કોમેડિયન દેવરાજ પટેલનું રોડ અકસ્માતમાં મોત થયું છે. આ ઘટના સોમવારે રાયપુરના લભાંડી વિસ્તારમાં બની હતી. અત્યાર સુધી સામે આવેલી જાણકારી મુજબ એક ટ્રકે દેવરાજની બાઇકને પાછળથી ટક્કર મારી હતી. તે બાઇક પરથી નીચે પડી ગયો હતો. તેના માથા અને શરીરના અનેક ભાગોમાં ગંભીર ઇજાઓ થવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને દેવરાજ અને તેના એક સાથીને આંબેડકર હોસ્પિટલમાં મોકલી દીધા હતા.

રિપોર્ટ્સ અનુસાર આ બંને એક યૂટ્યૂબ વીડિયોના શૂટિંગના મામલે રાયપુર આવ્યા હતા. હાસ્ય કલાકારના નિધન પર છત્તીસગઢમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ ટ્વિટ કરીને દેવરાજ પટેલના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

દેવરાજ પટેલના મોત પર મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે દુઃખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે દેવરાજના શૂટિંગનો છેલ્લો વીડિયો પોતાની સાથે શેર કરતા લખ્યું કે “દિલ સે બુરા લગતા હૈ”થી કરોડો લોકોની વચ્ચે પોતાની જગ્યા બનાવનાર, આપણને બધાને હસાવનાર દેવરાજ પટેલ આજે આપણને છોડીને ચાલ્યા ગયા છે. નાની ઉંમરમાં અદ્ભૂત પ્રતિભાની ખોટ ખૂબ જ પીડાદાયક છે. ભગવાન તેમના પરિવાર અને પ્રિયજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

આ પણ વાંચો – અર્જુન કપૂરની બર્થ ડે પાર્ટીમાં મલાઇકા અરોરાનો હોટ ડાન્સ જોઇ ફેન્સ પણ બોલી ઉઠ્યા ચલ છૈયા છૈયા…

કોણ હતો દેવરાજ પટેલ?

દેવરાજ મૂળ મહાસમુંદનો રહેવાસી હતો. થોડા વર્ષો પહેલા દિલ સે બુરા લગતા હૈ નામના શોર્ટ વીડિયોને કારણે દેશમાં ફેમસ થયો હતો. દેવરાજના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. યુટ્યુબ પર તેના લાખો સબ્સ્ક્રાઇબર્સ પણ છે. તે મોટાભાગે કોમેડી વીડિયો બનાવતા હતા. દેવરાજ પટેલે ઢીંઢોરા વેબ સિરીઝમાં પ્રખ્યાત યુટ્યુબર ભુવન બામ સાથે પણ કામ કર્યું હતું.

આ સિરીઝનો તેનો ‘દિલ સે બુરા લગતા હૈ ભાઈ’ ડાયલોગ ખૂબ ફેમસ થયો હતો. આ પછી મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ દેવરાજ સાથે મુલાકાત કરી હતી. દેવરાજે છત્તીસગઢ સરકારની આત્માનંદ સ્કૂલની જાહેરાતમાં પણ કામ કર્યું હતું. તાજેતરમાં જ તેનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. કોમેડિયનના મોતથી તેના પ્રશંસકો ઘણા દુઃખી છે.

Web Title: Youtuber comedian devraj patel known for dil se bura lagta hai died in road accident

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×