Tiger 3 Box Office Collection : સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘ટાઈગર 3’ દિવાળીના અવસર પર રીલિઝ થઈ હતી. ત્યારે માત્ર ત્રણ દિવસમાં જ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. ‘ટાઇગર 3’એ 44 કરોડનો બિઝનેસ કરી લીધો છે. જ્યારે બીજા દિવસે ફિલ્મે 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હોવાના સમાચાર છે. આવી સ્થિતિમાં હવે ‘ટાઇગર 3’ની ત્રીજા દિવસની કમાણી સામે આવી ગઇ છે.
આજે 15 નવેમ્બરે ભાઈદૂજની રજાના કારણે આ ફિલ્મ દેશભરમાં વધુ સારી કમાણી કરી શકે છે. આ ફિલ્મ હિન્દી સહિત ત્રણ ભાષાઓમાં રિલીઝ થઈ છે. સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, ‘ટાઇગર 3’એ પહેલા દિવસે 44.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જેમાંથી હિન્દી બેલ્ટનું કલેક્શન 43 કરોડ અને તેલુગુનું 1.3 કરોડ છે, જ્યારે તમિલમાં ફિલ્મે માત્ર 0.2 કરોડની કમાણી કરી હતી.
પહેલા દિવસની સરખામણીએ બીજા દિવસે ‘ટાઈગર 3’નું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. ‘ટાઇગર 3’એ 59 કરોડની કમાણી કરી હતી. જેમાંથી હિન્દી બેલ્ટનું કલેક્શન 58 કરોડ, તેલુગુનું 0.78 કરોડ અને તમિલનું 0.22 કરોડ હતું.
હવે પ્રારંભિક આંકડા પરથી જાણવા મળ્યું કે, ‘ટાઇગર 3’એ ત્રીજા દિવસે 42 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ પછી ‘ટાઈગર 3’નું કુલ કલેક્શન 146 કરોડ થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની આ ફિલ્મ વર્ષ 2012માં રિલીઝ થયેલી સ્પાય થ્રિલર ‘એક થા ટાઈગર’નો ત્રીજો ભાગ છે. તેનો બીજો ભાગ ‘ટાઈગર ઝિંદા હૈ’ વર્ષ 2017માં રિલીઝ થયો હતો. પહેલા ભાગથી લઈને અત્યાર સુધી સલમાન અને કૈટરીના કૈફની જોડી ધમાકેદાર છે. પહેલા અને બીજા ભાગમાં બંને સાથે હતા અને ત્રીજા ભાગમાં પણ આ દમદાર જોડીનું અદભૂત એક્શન જોવા મળ્યું હતુ.
‘ટાઈગર 3’માં ઈમરાન હાશ્મી પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ સાથે આ દિવસોમાં ફિલ્મોમાં કેમિયો રોલ ખૂબ જ લોકપ્રિય છે. જેમ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં સલમાન ખાનનો કેમિયો હતો તેમ ‘ટાઇગર 3’માં શાહરૂખ ખાનનો પણ કેમિયો જોવા મળ્યો હતો.