Saiyaara Movie Composer Tanishk Bagchi: અહાન પાંડે અને અનિત પદ્દાની ફિલ્મ સૈયારા દર્શકોને મંત્રમુગ્ધ કરી રહી છે. બોક્સ ઓફિસની સાથે દર્શકોના દિલ પર આ ફિલ્મ સફળ સાબિત થઇ છે. ફિલ્મના સંગીતકાર તનિષ્ક બાગચી ફિલ્મ જોયા પછી ભાવાત્મક બની રહેલા દર્શકોના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું કે, તે પણ આ ફિલ્મ જોઇ પોતાની જાતને રડતા રોકી શક્યા ન હતા.
સૈયારા મુવીની સફળતા બોક્સ ઓફિસ પરના આંકડા અને ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા પ્રેક્ષકોના લાગણીસભર પ્રતિભાવો પરથી માપી શકાય છે. ખોવાઇ ગયેલા પ્રેમને લઇને લોકો રડી રહ્યા છે, ચીસો પાડી રહ્યા છે… આવા અનેક ભાવાત્મક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. યુવા દિલોની ધડકન બની રહેલી આ ફિલ્મના ફેન્સની આત્યંતિક પ્રતિક્રિયાઓનો સંગીતકાર તનિષ્ક બાગચી બચાવ કરી રહ્યા છે.
હું પણ રડી પડ્યો હતો…: તનિષ્ક બાગચી
સૈયારા ફિલ્મના સંગીતકાર તનિષ્ક બાગચીએ ન્યૂઝ18 સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, આ ફિલ્મ જ્યારે મેં જોઈ ત્યારે હું પણ રડી પડ્યો હતો. હોલીવુડના ભાવનાત્મક નાટકો અને ફિલ્મો પણ મેં જોઇ છે પરંતુ સૈયારા ફિલ્મનું સંગીત દિલને સ્પર્શનારુ છે. આ ફિલ્મનું સંગીત તમને એવો અનુભવ કરાવે છે કે જાણે તમે કોઇ ગુમાવ્યું છે. યા ફિર કોઇ જુડા હુઆ હૈ પર ફિર ભી આપકે પાસ નહીં હૈ… સૈયારા ફિલ્મનો ટાઇટલ ટ્રેક એક અદ્ભૂત ફીલિંગ આપે છે.
સૈયારા ટાઇટલ ટ્રેક પ્રભાવિત કરી દેનારુ
સૈયારા ટાઈટલ ટ્રેક વિશે વાત કરતાં તનિષ્ક બાગચી જણાવે છે કે, ફિલ્મનું સમગ્ર સંગીત દર્શકોને પ્રભાવિત કરનારુ છે પરંતુ ટાઈટલ ટ્રેક બધાના હ્રદયને સ્પર્શી જનારુ છે. ટાઈટલ સોન્ગ વિશે તનિષ્ક જણાવે છે કે, મોહિત સુરી સરે જ્યારે મને કહ્યું કે, તેઓ આ ગીત દ્વારા એક ખાસ લાગણી જગાડવા માંગે છે. પરંતુ ગીતમાં આવી લાગણી દાખલ કરવાની કોઇ ટેકનિક નથી. જોકે એવું ત્યારે જ બને છે જ્યારે તમે એવી કોઇ ખાસ ક્ષણ જીવી હોય. આપણે બધા ભૂતકાળને જીવ્યા છીએ જે ગીતમાં પ્રતિબિંબિત થાય છે અને તેથી જ તે દર્શકોને આટલું ગમ્યું છે.
સૈયારા મુવી ટાઈટલ સોન્ગ
તનિષ્ક બાગચી સૈયારા ફિલ્મના સંગીત વિશે વધુમાં જણાવે છે કે, આ ફિલ્મના બે ત્રણ દ્રશ્યો ખરેખર લોકોને સ્પર્શે છે. તમારી ભાવાનાત્મક શક્તિને જગાડે છે. જે જોયા પછી તમે તમારી જાતને રડતી રોકી નહીં શકો કે પછી તમે એક પણ આસું નહીં વહાવો. પરંતુ એટલું તો નક્કી છે કે તમે લાગણીશીલ તો થઇ જ જશો.