Ram Gopal Varma Lawrence Bishnoi: મુંબઈમાં પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યામા કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનની સાથેની નિકટતાના કારણે તેણે બાબા સિદ્દીકીની હત્યા કરાવી હતી. લોરેન્સને સલમાન ખાનનો કટ્ટર દુશ્મન માનવામાં આવે છે. થોડા સમય પહેલા તેણે બોલિવૂડ સ્ટારના ઘરે ફાયરિંગ પણ કરાવ્યું હતું. લોરેન્સ સાથે સલમાન ખાનની દુશ્મની જોધપુર કાળા હરણના શિકારના મુદ્દા સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે.
ખરેખરમાં બિશ્નોઈ સમુદાય કાળા હરણને લઈને ખૂબ જ ગંભીર છે. પ્રાણીઓ પ્રત્યેનો તેમનો પ્રેમ ખૂબ પ્રખ્યાત રહ્યો છે. આ કેસમાં સલમાન ખાન જેલ પણ જઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં લોરેન્સનું કહેવું છે કે સલમાન ખાને બિશ્નોઈ સમુદાયનું અપમાન કર્યું છે. જો તે માફી માંગશે, તો દુશ્મનાવટનો અંત આવશે. જોકે સલમાન ખાનનું કહેવું છે કે તે કોઈપણ પ્રકારના ડર સામે ઝૂકવા તૈયાર નથી. આ દરમિયાન પ્રખ્યાત નિર્દેશક રામ ગોપાલ વર્માની એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં તેણે લોરેન્સ બિશ્નોઈના પ્રાણીઓ પ્રત્યેના પ્રેમ પર કટાક્ષ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
રામ ગોપાલ વર્માએ સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે, 1998માં જ્યારે હરણ માર્યું ગયું ત્યારે લોરેન્સ બિશ્નોઈ માત્ર 5 વર્ષનો બાળક હતો અને બિશ્નોઈએ 25 વર્ષ સુધી પોતાનો રોષ જાળવી રાખ્યો હતો અને હવે 30 વર્ષની ઉંમરે તે કહે છે કે તેના જીવનનો ધ્યેય હરણની હત્યાનો બદલો લઈ સલમાનનેમારવાનું છે. શું આ પશુ પ્રેમ તેના ચરમ પર છે કે ભગવાન કોઈ વિચિત્ર મજાક કરી રહ્યા છે?
આ પણ વાંચો: ‘બિશ્નોઈ સમાજ પાસે માફી માગી લે…’ સલમાન ખાનને BJP નેતાએ આપી સલાહ
સલમાન પાછળ કેમ પડી છે બિશ્નોઈ ગેંગ?
જો વાત કરવામાં આવે સલમાન ખાન પાછળ બિશ્નોઈ ગેંગ કેમ પડી છે તો તેનું કારણ છે વર્ષ 1998માં જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાને પોતાના સાથી કલાકારો સાથે મળી કાળા હરણનો શિકાર કર્યો હતો. જેનો આરોપ સલમાન ખાન પર લાગ્યો હતો. આ મામલે પ્રથમવાર સલમાન ખાનની ધરપકડ 12 ઓક્ટોબર 1998માં થઈ હતી. પાંચ દિવસ જેલમાં રહ્યા બાદ 17 ઓક્ટોબર 1998 નારોજ જામીન મળતા તે જોધપુર જેલમાંથી મુક્ત થઈ ગયો હતો. 5 એપ્રિલ 2018 નારોજ કાળા હરણ મામલે એક્ટરને દોષિ ઠેરવવામાં આવ્યો હતો અને તેને પાંચ વર્ષની સજા પણ સંભળાવવામાં આવી હતી. તેના પછી 7 એપ્રિલ 2018 એ 50 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન મળી ગયા હતા. જોકે કાળા હરણ શિકાર મામલાને લઈ બિશ્નોઈ સમાજ તેનાથી નારાજ છે અને સતત માફી માંગવા માટે કહી રહ્યો છે. આજ કારણે બિશ્નોઈ ગેંગ તેની પાછળ પડી છે.
તમને જણાવી દઈએ કે, સલમાન ખાનના ઘર પર ફાયરિંગ પણ થઈ ચુક્યું છે. તેને સતત ઈમેલના માધ્યમથી જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. અહીંયા સુધી કે તેના પનવેલવાળા ફાર્મ હાઉસની રેકી પણ કરવામાં આવી હતી. ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ફાયરિંગ બાદથી સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે બાબા સિદ્દીકીની હત્યાએ ન માત્ર રાજનૈતિક પણ બોલિવૂડને પણ હલાવી દીધુ છે. હાલમાં સલમાન ખાનની સુરક્ષાને જડબેસલાખ કરી દેવામાં આવી છે અને પરિવારજનોએ સંબંધી અને દોસ્તોને તેમનાથી ન મળવા અનુરોધ કર્યો છે.