scorecardresearch
Premium

નેટફ્લિક્સ પર ક્રાઇમ-થ્રિલરથી ભરપૂર ‘ખાકી’ સીરિઝનો દબદબો, જાણો ખાસિયત

khakee web series: આ વેબસીરિઝ બિહારમાં વર્ષ 2000થી 2006ની વચ્ચે બનેલા વાસ્તવિક ક્રાઇમ ઉપર આધારિત છે. આ ઘટના અંગે અમિત લોઢાએ (Amit lodha) એક અંગ્રેજી પુસ્તકમાં અવતરિત કર્યું છે. જે આધારિત આ સીરિઝનું નિર્માણ કરાયું છે.જેમાં તમામ ઘટનાઓ વાસ્તવિક છે.

બિહારની વાસ્તવિક ઘટના પર આધારિત સીરિઝ
બિહારની વાસ્તવિક ઘટના પર આધારિત સીરિઝ

છેલ્લા ઘણા વર્ષોથી જુદા જુદા ઑટીટી પ્લેટફોર્મ્સ પર અસંખ્ય ક્રાઈમ-ડ્રામા વેબસીરિઝની ધૂમ છે. મિર્ઝાપુર, ભૌકાલ, સેક્રેડ ગેમ્સ વગેરે એમાંની કેટલીક જાણીતી વેબસીરિઝ છે. નેટફ્લિક્સે થોડા વર્ષો પહેલાં બોબી દેઓલ સ્ટારર ‘ક્લાસ ઑફ 83’ વેબસીરિઝ રીલિઝ કરી હતી, પરંતુ એને પ્રેક્ષકોનો ખાસ કંઈ પ્રતિસાદ સાંપડ્યો નહોતો.

એક હકીકકત એ છે કે નેટફ્લિક્સ ભારતમાં પોતાનો વ્યાપ વધારવા માટે અતિશય ફાંફા મારી રહ્યું છે, પણ તેની પોતાની ટીમમાં કોઈ ભલીવાર ન હોવાને કારણે સારા-સારા શો આજકાલ હોટસ્ટાર, ઝી-ફાઇવ, સોની લિવ અને એમેઝોન પ્રાઇમ વીડિયો પાસે ચાલ્યા જાય છે. એક વિચારણા એવી પણ ચાલે છે કે નેટફ્લિક્સ ટૂંક સમયની અંદર પોતાનો ખર્ચો કાઢવા માટે ઑટીટી એપ પર જાહેરાતો આપવાનું શરૂ કરે એવી સંભાવના છે. એવામાં નેટફ્લિક્સ પર પણ સફળ ક્રાઇમ-થ્રીલર ડ્રામા રીલિઝ કરવાના અભરખા સાથે ગઈકાલે ‘ખાકી’ ખાબકી છે! જેનું દિગ્દર્શન કર્યુ છે, સ્પેશિયલ ઑપ્સ ફેમ નીરજ પાંડેએ!

આ વેબસીરિઝ બિહારમાં વર્ષ 2000થી 2006ની વચ્ચે બનેલા વાસ્તવિક ક્રાઇમ ઉપર આધારિત છે. આ ઘટના અંગે અમિત લોઢાએ એક અંગ્રેજી પુસ્તકમાં અવતરિત કર્યું છે. જે આધારિત આ સીરિઝનું નિર્માણ કરાયું છે.જેમાં તમામ ઘટનાઓ વાસ્તવિક છે, એમાં ક્યાંક ક્યાંક ફિક્શનનો મસાલો ભભરાવવામાં આવ્યો છે.

વેબસીરિઝ ખાકી અંગે વાત કરીએ તો ચંદન મહાતો (અવિનાશ તિવારી) જેવા નામચીન ગુંડાના આતંકને ખતમ કરવા માટે બિહારમાં આઇ.પી.એસ. અમિત લોઢા (કરણ ટેકર)ની નિમણૂંક થાય છે, જે અત્યંત પ્રામાણિક અને સત્યપ્રેમી ઑફિસર છે. ચંદન અને અમિત વચ્ચેની ટક્કરમાં જીત કોની થાય છે, એ જાણવા માટે તો સીરિઝ જ જોવી રહી. આમ જોવા જાઓ તો સીરિઝમાં નવું કશું જ નથી! પોણી કલાકના સાત એપિસોડસ હદ કરતા વધુ લાંબા બનાવવામાં આવ્યા છે, જેના કારણે એક સમય પછી સીરિઝ પ્રેક્ષકને કંટાળો અપાવવા માંડે છે.

બેશક, કરણ ટેકર, અવિનાશ તિવારી, આશુતોષ રાણા, રવિ કિશન વગેરે ધુરંધર કલાકારો છે અને એમના અભિનયનો કોઈ જવાબ નથી. આમ છતાં, સ્ક્રીનપ્લેની ખેંચાતાણીને કારણે ધીરે ધીરે સીરિઝની મજા મરી જાય છે. અધૂરામાં પૂરું, નિકિતા દત્તા જેવી એક્ટ્રેસના પાત્રને ફક્ત અડધુંપડધું લખવામાં આવ્યું હોય એવું લાગ્યું. ખાકીની બીજી સિઝન આવે એવા કોઈ એંધાણ જણાતાં નથી. જો વીકેન્ડમાં સમય હોય અને બીજું કશું જોવાલાયક ન હોય તો એકાદ વખત ખાકી જોઈ લેવામાં વાંધો નહીં. પરંતુ કંઈ નવું જોવાની અપેક્ષાએ આ સીરિઝ જોવાનું આયોજન કરી રહ્યા હો તો અટકી જજો!

Web Title: Neeraj pandya netflix khakee web series reviews story actore

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×