Cyclone Michuang : છેલ્લા કેટલાક દિવસોમાં ચક્રવાતી તોફાન મિચોંગે તમિલનાડુ અને તેની આસપાસના વિસ્તારોમાં જબરજસ્ત તબાહી મચાવી દીધી છે. જેની તસવીરો ઘણી ડરાવનારી છે. વાવાઝોડાના કારણે ચેન્નઈ શહેરમાં મુશળધાર વરસાદ પડ્યો છે. આ ચક્રવાતથી સૌથી વધુ નુકસાન ચેન્નઈ શહેરને થયું છે.
હાલના સમયે આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ભારે વરસાદને કારણે શહેરમાં બે દિવસથી કામકાજ ઠપ છે. આ દરમિયાન ચેન્નઈથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે છેલ્લા 24 કલાકથી આ તોફાનમાં બોલીવુડ અભિનેતા આમિર ખાન પણ ફસાયેલો હતો, જેને હવે બચાવી લેવામાં આવ્યો છે.
આમિર ખાન અને વિષ્ણુ વિશાલનું કરવામાં આવ્યું રેસ્ક્યુ
હાલમાં જ કેટલીક તસવીરો સામે આવી છે જેમાં રાહત અને બચાવ ટીમ આમિર ખાન અને વિષ્ણુ વિશાલને રેસ્ક્યુ કરતી જોવા મળી રહી છે. બંનેને 24 કલાક બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ વાતની જાણકારી વિષ્ણુ વિશાલે પોતાના એક્સ એકાઉન્ટ પર આપી છે. તેણે બે તસવીરો શેર કરી છે જ્યાં મુસાફરોને બચાવવા માટે નૌકાઓ તૈનાત કરવામાં આવી હતી. તસવીરોમાં આમિર ખાન પણ જોવા મળી રહ્યો છે. વિષ્ણુ વિશાલની પત્ની બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટાને પણ જોઇ શકાય છે.
તેણે કેટલીક તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે અમારા જેવા ફસાયેલા લોકોની મદદ કરવા બદલ ફાયર એન્ડ રેસ્ક્યૂ ડિપાર્ટમેન્ટનો આભાર. કારાપક્કમમાં બચાવ કામગીરી શરૂ થઈ ગઈ છે. 3 બોટ પહેલેથી જ કાર્યરત છે. આવા મુશ્કેલ સમયમાં તમિલનાડુ સરકાર દ્વારા ઉત્તમ કામ. સતત કામ કરતા તમામ વહીવટી લોકોનો આભાર. આ ઘટના પર ઉદ્યોગ મંત્રીએ આમિર ખાનની પ્રશંસા કરતા કમેન્ટ કરી હતી કે પ્રશંસા માટે ધન્યવાદ વિષ્ણુ વિશાલ. કૃપા કરીને તમારી બાજુના જેન્ટલમેનને આટલા સારા વ્યક્તિ બનવા બદલ આભાર કહે! નવાઈની વાત એ છે કે તેઓએ પોતાના બચાવ કરવા માટે કોઇ પ્રકારનો પ્રયત્ન કર્યો ન હતો.
સેલેબ્સ કરી રહ્યા છે મદદ
અહેવાલો અનુસાર સાઉથના કલાકારો સૂર્યા અને કાર્તિએ ચેન્નઇના લોકોની મદદ માટે 10 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બધા એક્ટર્સના ફેન ક્લબ દ્વારા વિતરણ કરવામાં આવશે. આમિર ખાન તાજેતરમાં જ પોતાની માતા ઝીનત હુસૈન સાથે રહેવા માટે ચેન્નઈ શિફ્ટ થયો હતો.