સ્વઘોષિત ફિલ્મ વિવેચક અને અભિનેતા કમલ આર ખાન (Kamal r khan) ઉર્ફ કેઆરકે હંમેશા કોઇને કોઇ વિવાદને લઇ ચર્ચામાં રહે છે. તેઓ સોશિયલ મીડિયામાં (Social media) ખુબ જ સક્રિય રહે છે અને તેના ટ્વિટ પણ તીવ્ર ગતિએ વાયરલ થઇ જાય છે. ઉલ્લેખનીય છે કે, કેઆરકે બોલિવૂડની દરેક ન્યૂ મૂવીના રિવ્યૂ આપે છે. આ ઉપરાંત તેઓ બોલિવૂડના સુપરસ્ટારથી (Bollywood superstar) લઇ પીએમ પર કટાક્ષ કે નિશાના સાધતા અચકાતા નથી. જેના કારણે અમુક લોકો તેમને પસંદ કરે છે તો અમુક લોકો કેઆરકેને ટ્રોલ કરે છે.
કેઆરકેને જેલવાસ
કેઆરકેને થોડા દિવસ પહેલાં જ તેના વિવાદિત નિવેદનને લઇ જેલવાસ થયો હતો. જો કે તેને જેલવાસથી કોઇ ફર્ક ન હોય તેમ તેઓ ફરી સોશિયલ મીડિયા પર સક્રિય થઇ ગયા છે. તાજેતરમાં તેના એક ટ્વિટને લઇ કેઆરકે ફરી ચર્ચાનું કેન્દ્રબિંદુ બન્યાં છે. કેઆરકેએ હવેથી તેઓ ફિલ્મ રિવ્યૂ નહીં કરે તે પ્રકારની પોસ્ટ કરીને લોકોને વિચારમાં મૂકી દીધાં છે.
જાણો સમગ્ર મામલો
કમલ આર ખાને તાજેતરમાં એક ટ્વિટ કર્યું હતું કે, તેઓ હવેથી ફિલ્મ રિવ્યૂ નહીં કરે. આ સાથે તેણે લખ્યું હતું કે, તેની પાસે માત્ર બે જ વિકલ્પ છે. પ્રથમ હમેંશા માટે મુંબઇ છોડી દઉં અને બીજો વિકલ્પ એ છે કે હમેંશા માટે હું ફિલ્મ રિવ્યૂ કરવાનું છોડી દઉં. કારણ કે બોલિવૂડના લોકોને મારા વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરવા માટે મુંબઇના રાજકારણીઓનું સમર્થન પ્રાપ્ત છે.
ફિલ્મ ‘વિક્રમ વેઘા’નું છેલ્લુ ફિલ્મ રિવ્યૂ: કેઆરકે
તમને જણાવી દઇએ કે, થોડા દિવસ પૂર્વ કેઆરકેએ ટ્વિટ કર્યું હતું કે, ઋતિક રોશનની ફિલ્મ ‘વિક્રમ વેઘા’ છેલ્લી ફિલ્મ હશે જેનું હું રિવ્યું કરીશ. વધુમાં કેઆરકે લખ્યું હતું કે, મારા રિવ્યૂ પર વિશ્વાસ અને મને બોલવૂડના ઇતિહાસમાં સૌથી મોટા વિવેચક તરીકેની ખ્યાતિ આપવા માટે હું લોકોનો આભાર માનું છું અને બોલિવૂડના લોકોનો પણ આભારી છું જેને મને વિવેચકના રૂપમાં સ્વીકાર્યો તો નહીં પરંતુ મારા રિવ્યૂને રોકવા માટે મારા પર ખોટા કેસ કરી મને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો.
કેઆરકે દર્શાવી ઇચ્છા
ઉપરાંત એક્ટર કમલ આર ખાને RSS પ્રમુખ મોહન ભાગવત અને દેવેન્દ્ર ફડણવીસને ટેગ કરી લખ્યું હતું કે, તેઓ RSSમાં જોડાવા માટે તૈયાર છે. પરંતુ જો RSSને મારી જરૂર હોય તો જ. આ સાથે તેને જણાવ્યું હતું કે, તેઓ જલ્દી જ કોઇ રાજકીય પાર્ટીમાં શરણ લેશે.