Jawan Trailer : બોલિવૂડના કિંગ ઓફ રોમાન્સ તરીકે ઓળખાતા શાહરૂખ ખાને તેની ઓળખને બદલી નાંખી છે. શાહરૂખ ખાન હવે જોરદાર એકસન કરતો જોવા મળી રહ્યો છે. આ વર્ષના પ્રારંભમાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ પઠાણમાં શાહરૂખ ખાન ભૂક્કા બોલાવી દે તેવા એક્સન સીન કરીને બધાને દંગ કરી દીધા હતા. ત્યારે હવે શાહરૂખ ખાન તેનાથી પણ મોટો વિસ્ફોટ કરશે તેવું લાગી રહ્યું છે. શાહરૂખ ખાન હાલ તેની આગામી ફિલ્મ ‘જવાન’ને કારણે સતત ચર્ચામાં છે. જવાનનું ટ્રેલર પણ આજે 31 ઓગસ્ટના રોજ રિલીઝ કરી દેવાયું છે.
2 મિનિટ 45 સેકન્ડના જવાનના ટ્રેલરમાં શાહરૂખ ખાન વિવિધ અવતારમાં જોવા મળી રહ્યો છે. ટ્રેલરની શરૂઆતમાં શાહરૂખ ખાન એક રાજાની કહાની સંભળાવે છે. જે એક પછી એક યુદ્ધ હારી જતાં ભૂખ્યો અને તરસ્યો જંગલમાં ફરતો હતો. આ પછી જવાનનું ટ્રેલર શાહરૂખ ખાનના વિલન પાત્રથી શરૂ થાય છે. જે મુંબઇમાં મેટ્રોને હાઇજેક કરે છે. જવાનનું ટ્રેલર જોયા બાદ એવું લાગી રહ્યું છે કે, શું જવાન પઠાણનો રેકોર્ડ તોડી શકે છે. તેમ જ આ ફિલ્મનો ક્રેઝ પઠાણ કરતા પણ અતિભારે હશે.
આ ફિલ્મમાં શાહરૂખ ખાન સિવાય નયનથારા લીડ રોલમાં છે. દીપિકા પાદુકોણ પણ કેમિયો રોલ કરતી જોવા મળશે. વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, રિદ્ધિ ડોગરા અને પ્રિયમણિ જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. પઠાણ બાદ ફરી એકવાર શાહરૂખને એક્શનમાં જોવો એ ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નથી.
શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ જવાન 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં ધમાચક્કડી બોલાવશે. જવાનમાં શાહરૂખ ખાન નયથારા સાથે જોરદાર રોમાન્સ કરતો જોવા મળી રહ્યો છે. અહીંયા ખાસ એ પણ છે કે, ફિલ્મ ‘જવાન’માં શાહરૂખના લૂક પર ઘણું કામ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તે 5 અલગ-અલગ અવતારમાં જોવા મળશે. તેના પાંચેય લૂક જાહેર થઈ ગયા છે. જે બાદ ફિલ્મને લઈને ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે.
ફિલ્મ ‘જવાન’નું એડવાન્સ બુકિંગ ભારતમાં હજુ શરૂ થયું નથી પરંતુ વિદેશમાં બુકિંગ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં ફિલ્મની લાખો ટિકિટો વેચાઈ ચૂકી છે. જેને જોઈને કહી શકાય કે ફિલ્મ ઓપનિંગ ડે પર જ મબલક કમાણી કરશે. ચાહકો હવે ભારતમાં ઓપનિંગની રાહ જોઈ રહ્યા છે.