Gadar 2 Box Office Collection Breaks Record Of Pathan : સની દેઓલ અને અમીષા પટેલની ‘ગદરઃ એક પ્રેમ કથા’ના 22 વર્ષ પછી આવેલી સિક્વલ ‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ચાહકોએ તેને ખૂબ પસંદ કરી હતી. ગદર 2 એ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા અને આખરે શાહરૂખ ખાનની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ ‘પઠાણ‘ને પણ પાછળ છોડી દીધી છે.

જી હા! સની દેઓલની ગદર 2 ફિલ્મે અત્યાર સુધીમાં 524.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે જ્યારે શાહરૂખ ખાનની પઠાણ મૂવીએ 524.53 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ રિલીઝ થયાને સાત અઠવાડિયા થઈ ગયા છે. આ ફિલ્મે બુધવારે 2.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ રિલીઝ થયાના આટલા દિવસો બાદ પણ બોક્સ ઓફિસ પર ટકી રહી છે. ફિલ્મે ભલે ‘પઠાણ’નો રેકોર્ડ તોડી નાખ્યો હોય, પરંતુ ‘જવાન’ની સફળતાને જોતા કહી શકાય કે આ ફિલ્મ ફરી એકવાર બીજા નંબર પર આવશે. ‘જવાન’એ માત્ર ત્રણ અઠવાડિયામાં 519.69 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સપ્તાહમાં તે ‘ગદર 2’નો આંકડો પાર કરી શકે છે.

‘ગદર 2’ની વાત કરીએ તો આ ફિલ્મનું નિર્દેશન અનિલ શર્માએ કર્યું છે. ફિલ્મમાં ઉત્કર્ષ શર્માની સાથે સની દેઓલ અને અમીષા પટેલ મુખ્ય ભૂમિકામાં છે. ‘ગદર 2’માં ફિલ્મના પ્રથમ પાર્ટ પછીની કહાણી દેખાડવામાં આવી છે. જેમાં તારા સિંહનો પુત્ર પાકિસ્તાન જાય છે અને તેને કેદમાં રાખવામાં આવે છે અને ત્રાસ ગુજારવામાં આવે છે. પ્રથમ ભાગમાં, તારા સિંહ પોતાની પત્નીને બચાવવા પાકિસ્તાન ગયો હતો અને આ વખતે તે પોતાના પુત્ર માટે પાકિસ્તાન પહોંચી જાય છે.
આ ફિલ્મ આવતા મહિને OTT પર રિલીઝ થઈ શકે છે. જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, આ ફિલ્મ 6ઠ્ઠી ઓક્ટોબરે OTTના Zee5 પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે. નિર્માતાઓએ ફિલ્મને રિલીઝ થયાના 56 દિવસ પછી OTT પર સ્ટ્રીમ કરવાનું નક્કી કર્યું છે. આ જાણીને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. જેમણે આ ફિલ્મ થિયેટરોમાં જોઈ નથી તેઓ હવે OTT પર આ ફિલ્મનો આનંદ માણશે.
આ પણ વાંચો | ટાઇગર 3 ટીઝર : જીવતો રહીશ તો આવીશ, નહીંતર જય હિંદ…
ફિલ્મના નિર્દેશક અનિલ શર્માના કહેવા પ્રમાણે, તેમની આ શાનદાર ફિલ્મ માત્ર 60 કરોડ રૂપિયામાં બની છે. પરંતુ બોક્સ ઓફિસ પર ગદર 2 મૂવીએ તેના ખર્ચ કરતા અનેકગણી વધુ કમાણી કરી છે. જેવી રીતે ફિલ્મ 4K ફોર્મેટમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી તેવી જ રીતે હવે ‘ગદર 2’ પણ OTT પર 4K ફોર્મેટમાં રિલીઝ થશે.