સાઉથ ફિલ્મ ઉદ્યોગમાં લોકપ્રિય ગાયક અને ગીતકાર દેવી શ્રી પ્રસાદ એટલે કે ડીએસપી હવે હિન્દી પ્રેક્ષકોમાં પણ ખૂબ લોકપ્રિય છે. ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ના ગીતોની સફળતાએ ડીએસપીની દુનિયા જ બદલની નાંખી છે.
ડાયરેક્ટર પર આરોપ
હવે તે હિન્દી સિનેમાના ફર્સ્ટ લાઇન સ્ટાર્સમાંથી એક છે, અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ 2’, રણવીર સિંહની ફિલ્મ ‘સર્કસ’, સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ અને વરુણ ધવનની ફિલ્મ ‘બવાલ’ માટે સંગીતનું સર્જન કરી રહ્યો છે. ત્યારે હાલ ડીએસપી ખુબ ચર્ચામાં રહે છે. મ્યૂઝિક ડાયરેક્ટર પર લોકોની ધાર્મિક ભાવનાને દુભાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
હૈદરાબાદ પોલીસે કેસ દાખલ કર્યો
હકીકતમાં તાજેતરમાં ડીએસપીનું ગીત ‘ઓ પરી’ રિલીઝ થયું હતું. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો તેને સાંભળ્યા બાદ કહે છે કે ગીતના બોલમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. જેને લઇને હૈદરાબાદ પોલીસે દેવી શ્રી પ્રસાદ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
અભિનેત્રી કરાટેએ દાખલ કર્યો કેસ
અભિનેત્રી કરાટે કલ્યાણીએ દેવી શ્રી પ્રસાદ વિરુદ્ધ સાયબર ક્રાઈમ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે દેવી શ્રી પ્રસાદના ગીત ‘ઓ પરી’ના લિરિક્સ લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.
આ ગીતને યુટ્યુબ પર 20 મિલિયનથી વધુ વ્યૂઝ
અભિનેત્રી કરાટેએ કહ્યું હતું કે, ‘આ ગીતને અત્યાર સુધીમાં યુટ્યુબ પર 20 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ગીતમાં એક વિદેશી મહિલા સંગીત પર ડાન્સ કરી રહી છે અને મંત્ર જાપ કરી રહી છે, જે હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવા સમાન છે. જો કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતાનો શ્લોક યોગ્ય રીતે બોલી રહ્યો નથી અથવા ખોટું બોલી રહ્યો છે તો અમે તેને ફક્ત ‘હરે કૃષ્ણ હરે રામ’ જપવાનું કહીએ છીએ. તેમાં ઘણી શક્તિ પણ છે. આ હિન્દુ ધર્મની ખૂબ જ સમૃદ્ધ સંસ્કૃતિ છે’.
અભિનેત્રીએ માફીપત્ર માંગ્યુ
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘જે વ્યક્તિએ એક આઈટમ સોંગ ‘ઓ અંતવા ઓ ઓ અંતવા’નું સંગીત આપ્યું છે તે એવા ગીતો રજૂ કરી રહ્યો છે જેમાં બિકીની પહેરેલ વિદેશી મંત્ર જપી રહી છે. જેનાતી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. શું ડીએસપીએ એકવાર પણ વિચાર્યું કે આ જોઈને દર્શકોને કેવું લાગશે? આ રીતે તમે આપણી હિંદુ સંસ્કૃતિ બતાવી રહ્યા છો. જો તમે એવા વિચાર ધરાવનારમાંથી છો કે હિંદુ ધર્મમાં બચ્યું છે શું? તો તમે એને બરબાદ તો ના કરો બસ માત્ર આ જ મારી એમને વિંનતી છે. અમે મ્યૂઝિક ડાયરેક્ટર પાસેથી આ માટે માફીપત્ર ઇચ્છીએ છીએ.