Anant Ambani Radhika Merchant engaged : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટની ગુરુવારે નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં સગાઈ થઈ હતી. આ પ્રસંગે શ્રીનાથજી મંદિરમાં બંને પરિવારના સભ્યો અને મિત્રો હાજર રહ્યા હતા. અનંત અને રાધિકા બંને આખો દિવસ મંદિરમાં જ રહ્યા. ત્યાં પરંપરાગત ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અંબાણી પરિવાર દરેક શુભ કાર્ય રાજસ્થાનના નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરથી શરૂ કરે છે. મુકેશ અંબાણીએ આ મંદિરને સમર્પિત કરીને 4G અને 5G સેવા પણ શરૂ કરી હતી. આ વર્ષે ઓક્ટોબરમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે રાજસ્થાનમાં શ્રીનાથજી મંદિરથી 5જી સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી.
અનિલ અંબાણીએ રિલાયન્સ પાવરના લોન્ચિંગ પહેલા પણ શ્રીનાથજી મંદિરની મુલાકાત પણ લીધી હતી. મુકેશ અંબાણીની ઓફિસમાં શ્રીનાથજીની પ્રતિમા પણ છે. સવાલ એ થાય છે કે અંબાણી પરિવારનો નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિર સાથે શું સંબંધ છે?
વાણીયા સમાજમાં શ્રીનાથજીનું વિશેષ મહત્વ છે
લેખક હેમિશ મેકડોનાલ્ડે તેમના પુસ્તક ‘અંબાણી એન્ડ સન્સ’માં જણાવ્યું છે કે, શ્રીનાથજીની અંબાણી પરિવારમાં વિશેષ ઓળખ છે કારણ કે તેઓ વાણીયા સમુદાયમાંથી આવે છે. શ્રીનાથજી મંદિર વાણીયા સમાજનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. રાજસ્થાન અને ગુજરાતના વાણીયા સમાજના લોકો અહીં ખાસ દર્શને આવે છે.
અંબાણીની જાતિ મોઢ બનીયા તરીકે ઓળખાય છે. આ સમુદાય શ્રીનાથજીમાં વિશેષ આસ્થા ધરાવે છે. તેઓ માને છે કે, અહીંયા દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. નાથદ્વારા સ્થિત શ્રીનાથજીને શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. મંદિરની વેબસાઇટ અનુસાર, શ્રીનાથજીની મૂર્તિને 1665માં વૃંદાવન નજીક ગોવર્ધનથી રાજસ્થાન લાવવામાં આવી હતી.
અંબાણી પરિવારે નાથદ્વારામાં આશ્રમ બનાવ્યો છે
શ્રીનાથજી મંદિર લગભગ 350 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. અંબાણી પરિવાર પણ મંદિર સાથે લાંબા સમયથી જોડાયેલો છે. મંદિરની અંદર કૃષ્ણનું બાળ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. વર્ષ 1994માં અંબાણી પરિવારે શ્રીનાથજીમાં ભક્તો માટે આશ્રમ બનાવ્યો હતો.