સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન તેની અપકમિંગ ફિલ્મ ‘આદિપુરૂષ’ને કારણે સતત ચર્ચામાં છે. જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તેવામાં 6 મેના રોજ આદિપુરૂષનું ફાઇનલ અને એક્શનથી ભરપૂર ટ્રેલર એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ફિલ્મ સર્જકોએ આ પ્રમોશનલ ઇવેન્ટ પાછળ મોટા પાયે ખર્ચો કરી નાંખ્યો છે.
આદિપુરૂષ માટે ક્રિતિ સેનને આશરે ત્રણ કરોડ રૂપિયાની ફી લીધી હોવાની જાણવા મળ્યું છે. ત્યારે ફિલ્મ સર્જકોએ આટલી રકમ એક જ પ્રમોશનલ ઇવેન્ટમાં ખર્ચી નાંખી હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. સાઉથ મીડિયા મુજબ, તિરુપતિની એક યુનિવર્સિટીમાં આ ફિલ્મનું ફાઈનલ ટ્રેલર લોન્ચ કરવા માટે અઢી કરોડ રુપિયાનો ધૂમાડો કરાયો હતો. માત્ર ભવ્ય આતશબાજી પાછળ જ 50 લાખ રુપિયા ખર્ચાયા હતા. અહેવાલો અનુસાર આ તો હજુ શરુઆત છે અને નિર્માતાઓ આગામી દિવસોમાં પબ્લિસિટી માટે વધુ આવી ખર્ચાળ ઈવેન્ટસ કરે તેવી સંભાવના છે.
16 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં મોટી ફિલ્મ આદિપુરૂષ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન, અભિનેત્રી ક્રિતિ સેનન અને સની સિંહ પણ જોવા મળશે. ‘રામાયણ’ પર આધારિત આ ફિલ્મ માટે લીડ સ્ટારની ફી જાણીને ચોંકી જશો.
‘બાહુબલી’ની ધમાકેદાર સફળતા બાદ દેશના સૌથી મોટા સ્ટાર્સમાંનો એક અભિનેતા પ્રભાસ છે. પ્રભાસે પોતાની ફી વધારીને 100 કરોડ રૂપિયાથી વધુ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મમાં ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવવા માટે પ્રભાસને લગભગ 150 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
લક્ષ્મણના પાત્રમાં જોવા મળશે તેવા સની સિંહને લગભગ 1.5 કરોડ રૂપિયા અને સોનલ ચૌહાણ જે ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવશે તેને લગભગ 50 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ અગાઉ નબળાં વીએફએક્સ તથા રાવણના લૂક મુદ્દે નેગેટિવ પબ્લિસિટીનો શિકાર બની હતી. હવે એ બધી અસર ભૂંસવા માટે આ ધામધૂમ થઈ રહી છે.