પૌરાણિક મહાકાવ્ય પર આધારિત ફિલ્મ ‘આદિપુરૂષ’ 16 મેએ રિલીઝ થઇ ત્યારથી ભારે વિવાદોમાં સપડાઇ છે. આદિપુરૂષને લઇને દેશભરમાં જોરશોરથી વિરોધ થઇ રહ્યો છે. આ ફિલ્મને લઇને પ્રતિદિન નવા વિવાદ સામે આવે છે. જેની પ્રબળ અસર તેના કલેક્શન પર પડી છે. આદિપુરૂષના કલેક્શનમાં રવિવાર અને સોમવારે મોટો ઘટાડો જોવા મળ્યો છે. જેને પગલે ફિલ્મના નિર્માતાઓને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
આદિપુરૂષમાં રાજા રાઘવના પાત્રમાં પ્રભાસ, માતા સીતાના પાત્રમાં ક્રિતિ સેનન અને લંકેશની ભૂમિકામાં સૈફ અલી ખાન જોવા મળી રહ્યો છે. આદિપુરૂષના નિર્માણ પાછળ 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. મોટાભાગનો ખર્ચ VFX પાછળ કરાયો છે. આ ફિલ્મને લઇને કેવા અને કેટલા વિવાદો ચાલી રહ્યા છે તે અંગે આ અહેવાલમાં વિસ્તારપૂર્વક વાત કરીએ.
વર્ષ 2020માં મુંબઇ મિરરને આપેલા ઇન્ટરવ્યુમાં સૈફ અલી ખાને કહ્યું હતું કે, રાક્ષસોના રાજાની ભૂમિકા નિભાવવી દિલચસ્પ છે. જેમાં સખતી ઓછી છે, પરંતુ અમે તેને માનવીય બનાવીશું. તેમજ મનોરંજનનું લેવલ પણ વધારીશું, માતા સીતાનું અપહરણ તથા રામ સાથે યુદ્ધને ઉચિત બનાવીશું. સૈફ અલી ખાનના આ નિવેદન પછી હંગામો મચ્યો હતો. જે બાદ સૈફ અલી ખાને માફી માંગવી પડી હતી.
2. ઓક્ટોબર 2022માં જ્યારે આદિપુરૂષનું ટીઝર રિલીઝ થયું ત્યારે તેની પણ ભારે આલોચના કરવામાં આવી હતી. ટીઝરને નેગેટીવ રિવ્યૂ મળ્યા હતા, જેમાં ખરાબ વીએફએક્સ તેમજ રામ-સીતા, હનુમાન સહિત રાવણ પર સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ ફિલ્મ નિર્માતાએ તેમાં સુધારો કરવાનો નિર્ણય લીધો હતો. જેને પગલે ‘આદિપુરૂષ’ની રિલીઝમાં મોડું થયું.
3. ફિલ્મ નિર્માતાઓએ જ્યારે મેં મહિનામાં આદિપુરૂષનું ટ્રેલર રિલીઝ કર્યું ત્યારે તેમાં વીએફએક્સમાં સુધારો જોવા મળ્યો હતો. સાથે રાવણને તેમાંથી હટાવી દેવાયા હતા. ટ્રેલર જોયા પછી દર્શકોમાં આ ફિલ્મ સારી હશે તેવી આશા જાગી હતી.
4. આખરે 16 મેના રોજ આદિપુરૂષ સિનેમાઘરોમાં રિલીઝ થઇ. જે બાદ ફિલ્મને ખરાબ રિવ્યૂ મળ્યા. આ ફિલ્મનો પ્રચંડ વિરોધ ખરાબ વીએફએક્સ અને મનોજ મુંતશિર દ્વારા લખાયેલા ડાયલોગને કારણે થયો. જો કે હાલમાં જ આ સંવાદમાં ફેરફાર કરાયા છે.
5. ફિલ્મ રિલીઝ થયાના એક દિવસ પછી મનોજ મુંતશિરે એક ઇન્ટરવ્યુમાં પોતાનો બચાવ કરતા કહ્યુ હતું કે, ‘આદિપુરૂષ માત્ર રામાયણના એક ભાગ પર જ કેન્દ્રિત છે, ત્યારે આ ફિલ્મને બદનામ કરવાનું ષડયંત્ર છે’. ફિલ્મને મળેલા ખરાબ રિવ્યૂને લઇને મનોજે કહ્યું હતું કે, માત્ર દર્શકોના રિવ્યૂ મહત્વના છે.
6. મનોજ મુંતશિરે આજ તકને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આદિપુરૂષ રામાયણનું રૂપાતંરણ નથી, પરંતુ માત્ર તેનાથી પ્રેરિત છે. તેમનું આ નિવેદન અગાઉના નિવેદનથી તદ્દન વિરૂદ્ધ છે. અગાઉ મનોજ મુંતશિરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, આદિપુરૂષ ‘રામાયણ’ને ઇમાનદારી પૂર્વક બતાવવાની કોશિશ છે.
7. ફિલ્મ આદિપુરૂષમાં માતા સીતા ભારતની પુત્રી છે તેમ દર્શાવવામાં આવ્યું છે. જેને લઇને નેપાળના કાઠમાંડુના મેયર બાલેન શાહે નારાજગી વ્યક્ત કરી અને ધમકી આપી હતી કે, તે તમામ હિંદી ફિલ્મો પર પ્રતિબંધ લગાવી દેશે. બાલેન શાહે ત્રણ દિવસનો સમય આપ્યો હતો, પરંતુ કંઇ ફેરફાર ન થતાં ત્યાં હિંદી ફિલ્મો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. આ મામલો વધુ ઉગ્ર બનતા ટી-સીરિઝ માફી માંગવી પડી હતી.
8. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, કોઇ પણ ફિલ્મને લોકોની લાગણીને ઠેસ પહોંચાડવી જોઇએ નહીં. આદિપુરૂષ વિરૂદ્ધ આપ અને સમાજવાદી પાર્ટીએ પણ પ્રતિબંધની માંગણી કરી હતી. તેમજ દિલ્હી અને યૂપીમાં જાહેર માર્ગો પર વિરોધ પ્રદર્શન થયા.
ફિલ્મ આદિપુરૂષ વિવાદ વચ્ચે પણ ઓપનિંગ ડે પર 140 કરોડ રૂપિયા ઇનિંગ કરી. તેમજ વીકેડ પર ફિલ્મે વર્લ્ડવાઇટ 340 કરોડ રૂપિયા ધર ભેગા કર્યા. જો કે સોમવારે ફિલ્મ નિર્માતા ઓમ રાઉતને મોટો ઝટકો લાગ્યો. કારણ કે સોમવારે ફિલ્મની કમાણીમાં ભારે મોટો ઘટાડો થયો.
હવે આ વિવાદ અંગે વાત કર્યા પછી સવાલ એ થાય કે ફિલ્મમાં આ પ્રકારના દ્રશ્યો અને સંવાદ હોવા છતાં સેન્સર બોર્ડે કેમ નિર્માતાઓને રિલીઝ કરવાની પરવાનગી આપી? કારણ કે CBFC એટલે કે ‘સેન્સ બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેશન’ કોઇ ફિલ્મમાં દેખાડવામાં આવેલા કન્ટેન્ટના આધાર પર ભારતમાં ફિ્લ્મોને રિલીઝ માટે સર્ટિફિકેટ પ્રદાન કરે છે. જો સેન્સર બોર્ડે અગાઉ જ આ ફિલ્મમાં નિર્માતાઓને ફેરફાર કરવાનું સુચવ્યુ હોત તો આજે દેશમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું ન હોત.
કેટલા પ્રકારના હોય છે સર્ટિફિકેટ
U સર્ટિફિકેટ: આ સર્ટિફિકેટ એવી ફિલ્મોને આપવામાંમ આવે છે જે દરેક પ્રકારની ઓડિયન્સને દેખાડવામાં માટે યોગ્ય છે. એવી ફિલ્મોનું પ્રસારણ/સ્ક્રીનિંગ દરેક પ્રકારના દર્શક વર્ગો માટે કરવામાં આવે છે.
U/A સર્ટિફિકેટ: આ સર્ટિફિકેટ વાળી ફિલ્મો 12 વર્ષથી નાની ઉંમરના બાળકોને એમના માતા પિતાની સાથે દેખાડી શકાય છે.
A સર્ટિફિકેટ: આ પ્રકારની ફિલ્મોમાત્ર વયસ્કોને દેખાડવામાં આવે છે. સામાન્ય રીતે બોલ્ડ સીન્સ અથવા એડલ્ટ કોમેડી વાળી ફિલ્મોને આ પ્રકારના સર્ટિફિકેટ આપવામાં આવે છે.
S સર્ટિફિકેટ: આ પ્રકારનું સર્ટિફિકેટ સ્પેશિયલ ઓડિયન્સ માટે આપવામાં આવે છે. એટલે કે કોઇ ફિલ્મ માત્ર ડોક્ટર્સ અથવા સેનાના જવાનોને દેખાડવામાં આવી શકે છે તો એને આ સર્ટિફિકેટ આપવામાં આવે છે.