Adipurush Box Office Collection Day 7: પૌરાણિક હિંદુ મહાકાવ્ય પર આધારિત ફિલ્મ આદિપુરૂષ સિનેમાઘરોમાં રિલીઝ થઇ તેને આજે આઠ દિવસ થઇ ગયા છે. ત્યારે એક સપ્તાહમાં તો આદિપુરૂષને લઇને અનેક વિવાદો સામે આવ્યાં છે. જો કે વિવાદો વચ્ચે આ ફિલ્મે શરૂઆતના કેટલાક દિવસો સુધી સારો બિઝનેસ કર્યો હતો. પરંતુ હવે તેની કમાણીમાં મોટો ઘટાડો થયો છે.
ફિલ્મના ડાયલોગ પર ભારે હોબાળો થયો હતો. હનુમાનના પાત્ર દ્વારા બોલવામાં આવેલા ડાયલોગ અંગે લોકોએ કહ્યું કે, આનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ડાયલોગ્સને લઈને ઉઠેલા સવાલો પછી, જ્યારે સફાઈ પણ કામ ન થઈ, ત્યારે મેકર્સે તેમને બદલવાનો નિર્ણય કર્યો. પરંતુ ફેરફારો કર્યા પછી પણ હવે આ ફિલ્મ નીચે ગગડી જોવા મળી રહી છે.
રાઘવ તરીકે પ્રભાસ, જાનકી તરીકે કૃતિ સેનન અને લંકેશ તરીકે સૈફ અલી ખાને સ્ટારર ‘આદિપુરુષ’ની શાનદાર શરૂઆત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઓમ રાઉતની ફિલ્મનું ગુરુવારે કલેક્શન તમામ ભાષાઓમાં લગભગ 5.5 કરોડ હોવાનું માનવામાં આવે છે. એજે બાદ હવે ભારતમાં આ ફિલ્મનું કુલ કલેક્શન 260.55 કરોડ થઈ ગયું છે.
જો કે આદિપુરુષે વિશ્વભરમાં 400 કરોડનો આંકડો પાર કર્યો છે. T-Seriesએ ગુરુવારે ટ્વીટ કરી માહિતી આપી હતી કે, ફિલ્મે છ દિવસમાં 410 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. બીજી તરફ, મેકર્સે આ ફિલ્મને બનાવવામાં 500 થી 600 કરોડનો ખર્ચ કર્યો છે.
પ્રભાસ સ્ટારર ફિલ્મ આદિપુરુષની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લેતું. દરેક જગ્યાએ થઈ રહેલા વિરોધ વચ્ચે ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ફિલ્મ પર પ્રતિબંધની માગ કરી છે. આ પત્રમાં ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત, સંવાદ લેખક મનોજ મુન્તાશીર અને નિર્માતાઓ સામે એફઆઈઆર દાખલ કરવાની માગ કરવામાં આવી હતી.