લોકસભા ચૂંટણી 2024 માં ભાજપ અને પીએમ મોદીની જીતને રોકવા માટે બિહારના પટનામાં યોજાયેલ વિપક્ષ મહાગઠબંધન બેઠકમાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે, નફરત ને નફરતથી દુર ન કરી શકાય. નફરત ને માત્ર મોહબ્બતથી જ દૂર કરી શકાય છે. એટલે જ અમે મોહબ્બત કરીએ છીએ. તેમણે કહ્યું કે, ભારત જોડો યાત્રાથી ઘણો ફાયદો મળ્યો છે. કર્ણાટક ચૂંટણી પરિણામમાં ભાજપ સાફ થઇ ગયું છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ ફાયદો મળશે.
બધા સાથે મળી ભાજપને હરાવીશું
રાહુલ ગાંધીએ કહ્યું કે, અહીં દેશભરની વિપક્ષ પાર્ટીઓ આવી છે. એક સાથે મળીને ભાજપને હરાવવા જઇ રહ્યા છીએ. આખો દેશ સમજી ગયો છે કે, નરેન્દ્ર મોદી અને ભાજપનો અર્થ માત્ર બે ત્રણ લોકોને જ ફાયદો પહોંચાડવાનો છે. દેશનું બધુ ધન એમને હવાલે કરી દીધું છે. કોંગ્રેસનો અર્થ ગરીબો સાથે ઉભા રહેવું. ગરીબોને મળવું, ગરીબોને ગળે લગાવવા અને ગરીબો માટે કામ કરવું. એક તરફ કોંગ્રેસની ભારત જોડો વિચાર ધારા અને બીજી તરફ ભાજપ અને આરએસએસની ભારત તોડો વાળી વિચારધારાની આ લડાઇ છે.
કોંગ્રેસ એક થયું તો ભાજપનો સફાયો
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, તમે જોયું હશે કે કર્ણાટકમાં ભાજપના મોટા મોટા નેતાઓએ ચૂંટણી પ્રચારમાં મોટા મોટા ભાષણ કર્યા હતા. પ્રદેશના દરેક ખૂણે ખૂણે ફર્યા હતા પરંતુ પરિણામ આપણા સૌની સામે છે. કર્ણાટકમાં ભાજપે કહ્યું હતું કે, મોટી જીત થશે પરંતુ પરિણામ સૌની સામે છે. કોંગ્રેસ એક સાથે સામે આવી તો ભાજપ સાફ થઇ ગયું. આગામી ચૂંટણીમાં પણ ભાજપનો સફાયો થશે.
રાહુલ ગાંધીએ કાર્યકરોને ગણાવ્યા બબ્બર શેર
રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું કે, તમે અમારા બબ્બર શેર છો. તમારી રક્ષા કરવી કોંગ્રેસનું કામ છે. ભારત જોડો યાત્રા દરમિયાન યુવા કોંગ્રેસ તરફથી પોસ્ટર લગાવી રહેલ એક મજદુર ટ્રકથી પડી જતાં એનો હાથ તૂટી ગયો હતો. કોંગ્રેસે આ મજદૂર માટે ઘર બનાવી આપ્યું.
નીતિશ કુમારની યજમાનીમાં મહાગઠબંધન
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની યજમાનીમાં વિપક્ષ મહાગઠબંધન બેઠક પટના ખાતે શુક્રવારે યોજાઇ છે. જેમાં નીતિશ કુમાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સહિત કદાવર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમનો એજન્ડા લોકસભા ચૂંટણી 2024 માં મોદી અને ભાજપની જીત રોકવાનો છે.