Valmiki Jayanti 2024, વાલ્મીકિ જયંતિ 2024 : વાલ્મીકિ જયંતિ મહર્ષિ વાલ્મીકિના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાલ્મીકિ મહર્ષિને રામાયણના રચયિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે 17 ઓક્ટોબરને ગુરુવારના રોજ વાલ્મીકિ જયંતિની ઉજવણી કરવામાં આવશે. વાલ્મીકિ જયંતિ દર વર્ષે આસો મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.
મહર્ષિ વાલ્મીકિએ સંસ્કૃત ભાષામાં રામાયણની રચના કરી હતી. તેને એક પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. સામાન્ય રીતે મહર્ષિ વાલ્મીકિના જન્મ અંગે જુદા જુદા મત પ્રવર્તે છે. પરંતુ કહેવાય છે કે તેમનો જન્મ મહર્ષિ કશ્યપ અને દેવી અદિતિના નવમા પુત્ર વરુણ અને તેમના પત્ની ચર્ષિણીના ઘરે થયો હતો.
એવું કહેવામાં આવે છે કે મહર્ષિ વાલ્મીકિએ પ્રથમ શ્લોકની રચના કરી હતી. માનવામાં આવે છે કે જ્યારે મહર્ષિ વાલ્મીકિ ધ્યાનમાં મગ્ન હતા, ત્યારે તેમના શરીરમાં ઊધઈ ચઢી ગઈ હતી. પરંતુ તેઓ ધ્યાનમા એટલા મગ્ન હતા કે તેમનું ઊધઇ પર ધ્યાન ગયું ન હતું. ત્યાર બાદ જ્યારે ધ્યાન પૂર્ણ થયું ત્યારે તેમણે ઊધઈ સાફ કરી હતી. ઊધઈના ઘરને વાલ્મીકિ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ઘટના બાદ તેમનું નામ વાલ્મીકિ રાખવામાં આવ્યું હતું.
વાલ્મીકિ જયંતિનો ઈતિહાસ
પ્રાચીન કથામાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે શ્રીરામે માતા સીતાનો ત્યાગ કર્યો હતો. આ સમય દરમિયાન તેઓ વાલ્મીકિ આશ્રમમાં ઘણાં વર્ષો સુધી રહ્યાં અને ત્યાં જ માતા સીતાએ પોતાના પુત્ર લવ અને કુશને જન્મ આપ્યો હતો. કહેવાય છે કે વાલ્મીકિ જીને રત્નાકરના નામથી પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે બાળપણમાં એક ભીલે તેમની ચોરી કરી હતી, જેના કારણે ભીલ સમાજમાં તેનો ઉછેર થયો હતો અને બાદમાં તે લૂંટારું બની ગયા હતા.
આ પણ વાંચો – 29 કે 30 ઓક્ટોબર ક્યારે છે ધનતેરસ? જાણો ખરીદીનું શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ
કહેવાય છે કે જ્યારે રત્નાકરને ખબર પડી કે તેઓ ખોટા રસ્તે ચાલી રહ્યા છે, ત્યારે તેમણે ખોટાં કાર્યો છોડી દેવાનું નક્કી કર્યું અને નવો રસ્તો અપનાવવાનું મન બનાવ્યું હતું. દેવર્ષિ નારદજીએ તેમને રામ નામનો જાપ કરવાની સલાહ આપી હતી. તે ભગવાનમાં મગ્ન થઈ ગયા હતા અને તપસ્વી બનીને ધ્યાન કરવા લાગ્યા હતા બ્રહ્માજી તેમની તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને જ્ઞાન આપ્યું હતું. આ પછી તેમણે રામાયણ લખી હતી.