Khatu Shyam Mandir Darshan From Ahmedabad To Jaipur: ખાટુ શ્યામ મંદિર રાજસ્થાનનું પ્રસિદ્ધ યાત્રધામ છે. સમગ્ર દેશમાંથી લાખો ભક્તો ખાટુ શ્યામ મંદિર પર દર્શન કરવા આવે છે. અહીં એકાદશી તિથિ પર દર્શન કરવાનું મહાત્મય છે. અહીં ભગવાનને હારે કે સહારા અને લખ દાતાર કહેવાય છે. એક દિવસમાં ખાટુ શ્યામ મંદિરે દર્શન કરી પરત આવી શકાય છે. શું તમે પણ ખાટુ શ્યામ મંદિરના દર્શન કરવા જવાનો વિચારો છો? તો ખાટુ શ્યામ મંદિર ક્યાં આવેલું, અહીં ક્યાં ભગવાનની પૂજા થાય છે અને મહાત્મ્ય, કેવી રીતે પહોંચવું, ટ્રેન અને બસનું ટિકિટ ભાડું, નજીકના દર્શનીય સ્થળો વિશે સંપૂર્ણ માહિતી આપી છે.
ખાટુશ્યામ મંદિર રાજસ્થાનમાં ક્યાં આવેલું છે?
ખાટુ શ્યામ મંદિર રાજસ્થાનના સિકર જિલ્લામાં રિંગલ નજીક આવેલું છે. ખાટુ શ્યામ મંદિર જયપુરથી 90 કિમી દૂર આવેલું છે. કારતક સુદ અગિયારસ ખાટુ શ્યામ ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે. અહીં સુદ પક્ષની અગિયારસ, કારતક સુદ અગિયારસ, હોળીની એકાદશી, જન્માષ્ટમી ધામધૂમથી ઉજવાય છે. હોળી પર ખાટુ શ્યામમાં 11 દિવસનો મેળો ભરાય છે. તે વખતે દેશભરમાંથી કરોડો લોકો લખ દાતારના ચરણોમાં શીશ ઝુકાવવા ખાટુ શ્યામ મંદિરે આવે છે.
ખાટુ શ્યામ મંદિરમાં ક્યાં ભગવાનની પૂજા થાય છે?
ખાટુ શ્યામ મંદિરમાં ભગવાન વીર બર્બરિકની પૂજા થાય છે. હિંદુ ધર્મ ગ્રંથ મહાભારત યુદ્ધમાં વીર બર્બરિકનો ઉલ્લેખ આવે છે. ગુજરાતમાં વીર બર્બરિકની બળિયા દેવ તરીકે પૂજા કરવામાં આવે છે.
વીર બર્બરિક કોના પુત્ર હતા.
વીર બર્બરિક મહાભારત યુદ્ધનું મહત્વપૂર્ણ પાત્ર છે. વીર બર્બરિક ભીમનો પૌત્ર અને ઘટોત્કચનો પુત્ર છે. વનવાસ દરમિયાન ભીમ હિડિમ્બા નામની રાક્ષસી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમને એક પુત્ર થાય છે જેનું નામ ઘટોત્કચ હતું. ઘટોત્કચના લગ્ન અહિલાવતી સાથે થયા હતા, જેને મૌરવી અથવા કામકાંઠિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહિલાવતી ભગવાન શંકરના નાગ વાસુકિની પુત્રી હતી.

ખાટુ શ્યામને હારે કા સહારા કેમ કહેવાય છે?
ખાટુ શ્યામને હારે કા સહારા કહેવાય છે. મહાભારત યુદ્ધ સાથે આ કથાનો સંબંધ છે. બર્બરિક પોતાની દાદી હિડિમ્બા સમક્ષ મહાભારત યુદ્ધમાં ભાગ લેવાની ઇચ્છા વ્યક્ત કરે છે. ત્યારે માતા કહે છે, યુદ્ધમાં જે હારી રહ્યું હોય તેનો સાથ આપશે. બર્બરિક પાસે 3 અલૌકિક બાણ હતા, જે લક્ષ્ય ભેદી બર્બરિક પાસે પાછા આવી જતા હતા. આથી બર્બરિકને કોઇ હરાવી શકતું ન હતું. મહાભારત યુદ્ધમાં કૌરવ સેના હારી રહી હતી. આથી શ્રીકૃષ્ણને ચિંતા થઇ કે જો બર્બરિક કૌરવ સેનાનો સાથ આપશે તો મહાભારત યુદ્ધનું પરિણામ પલટાઇ જશે.
શ્રીકૃષ્ણને બર્બરિકે મસ્તક દાનમાં આપ્યું
આથી ભગવાન શ્રીકૃષ્ણ બ્રાહ્મણ વેશ ધારણ કરી બર્બરિક પાસે ગયા અને ભીક્ષા માંગી. જ્યારે બર્બરિકે પુછ્યું કે ભીક્ષામાં શું જોઇયે છે, તો બ્રાહ્મણ વેશમાં રહેલા શ્રીકૃષ્ણ બર્બરિકનું મસ્તક માંગી લીધું. બર્બરિકને ખબર પડી જાય છે કે આ બ્રાહ્મણ બીજું કોઇ નહીં પણ સ્વયં શ્રીકૃષ્ણ છે. શ્રીકૃષ્ણને જોઇ બર્બરિકે પોતાનું મસ્તક ભીક્ષામાં આપી દીધું. શ્રીકૃષ્ણે સુદર્શન ચક્ર વડે બર્બરિકનું મસ્તક ઘડથી અલગ કરી દીધું. આટલા મહાન બલીદાનથી ખુશ થી કૃષ્ણ બર્બરિકને આશીર્વાદ આપ્યા કે, તે કળિયુગમાં શ્યામ નામથી પૂજાશે. કહેવાય છે કે, રાજસ્થાનના સીકરમાં ખાટુ શ્યામજી સ્વયં પ્રગટ થયા હતા. સીકર સ્થિત ખાટુ ગામમાં બાબા શ્યામનું મંદિર છે. અહીં બર્બરિકના મસ્તકની પૂજા થાય છે. તો હરિયાણાના હિસારમાં આવેલા બીડ ગામમાં બર્બરિકના ધડની પૂજા થાય છે. આ એ જ સ્થળ છે જ્યાં શ્રીકૃષ્ણે સુદર્શન ચક્ર વડે બર્બરિકનું મસ્તક ઘડથી અલગ કર્યું હતું. (Photo: Social Media)
ખાટુ શ્યામ કેવી રીતે પહોંચવું?
ખાટુ શ્યામ મંદિર રાજસ્થાનના જયપુર રેલવે સ્ટેશન 91 કિમી દૂર થશે. અમદાવાદથી જયપુર જવા ઘણી ટ્રેન ઉપલબ્ધ છે. જેમા અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન પરથી દરરોજ રાતે 8 વાગે અસારવા જયપુર ટ્રેન ઉપડે છે. આ ટ્રેન બીજા દિવસે સવાગે 7.40 વાગે જયપુર પહોંચે છે. આ ટ્રેનમાં જયપુર સુધીનું ભાડું 425 રૂપિયા છે. જયપુરથી ખાસ રાજસ્થાન એસટી, ખાનગી બસ અને ટેક્સી દ્વારા ખાટુ શ્યામ મંદિર પહોંચું પડે છે.
ખાટુ શ્યામ મંદિરથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન રિંગસ છે, જે 20 કિમી દૂર આવેલું છે. અમદાવાદથી રિંગસ માટે બાંદ્રા ચંદીગઢ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન (BDTS CDG SF EXP) અને અરવલ્લી એક્સપ્રેસ ટ્રેન (ARAVALI EXPRESS) છે. રિંગસથી ભક્તો પગપાળા ચાલીને ખાટુ શ્યામ મંદિરે દર્શન કરવા જાય છે. ખાટુ શ્યામ મંદિરનું સૌથી નજીકનું એરપોર્ટ જયપુરમાં આવેલું છે.
આ પણ વાંચો | રાજસ્થાનનું શ્રીકૃષ્ણ મંદિર જ્યાં મસ્તકની પૂજા થાય છે, મહાભારત યુદ્ધ સાથે સંબંધ
ખાટુ શ્યામ મંદિર આસપાસ જોવાલાયક સ્થળ
ખાટુ શ્યામ મંદિર આસપાસ ઘણા દર્શનિય અને જોવાલાયક સ્થળો છે. ખાટુ શ્યામ મંદિરમાં દર્શન પહેલા ભક્તો નજીક આવેલા પવિત્ર કુંડમાં સ્નાન કરે છે. માન્યતા મુજબ આ કુંડ માંથી જ ખાટુ શ્યામ ભગવાનની મૂર્તિ મળી હતી. ઉપરાંત નજીકમાં એક બીજુ નામ કુંડ છે, જ્યાં પણ દર્શન કરવા જઇ શકાય છે. ઉપરાંત સિકરના સાલાસરમાં આવેલા પ્રસિદ્ધ સાલસાર બાલાજી હનુમાન મંદિરના દર્શન કરવા જોઇએ. ખાટુ શ્યામ થી સાલાસર બાલાજી મંદિર 110 કિમી આસપાસ દૂર છે. ખાટુ શ્યામ મંદિર દર્શન કરવા જાવો તો ઐતિહાસિક પિંક સિટી જયપુરનો પ્રવાસ કરવો જ જોઇએ.