Famous Krishna Temple In Gujarat: જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાગટ્ય દિવસ. શ્રાવણ વદ આઠમ તિથિની મધ્યરાત્રીએ મથુરાની જેલમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. સગ્રમ ભારતમાં કૃષ્મ જન્મોત્સવ જન્માષ્ટમી તરીકે ઉજવાય છે. ગોકુળ, મથુરા, વૃંદાવન સહિત ભારતભરમાં શ્રી કૃષ્ણના ઘણા પ્રખ્યાત મંદિરો આવેલા છે. ગુજરાતમાં પણ જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. ગુજરાતમાં શ્રાવણ વદ બોળચોથ થી નોમ સુધી 6 દિવસનો તહેવાર ઉજવવામાં આવે છે. જો તમે આ વખતે યાદગાર રીતે સાતમ આઠમ અને નોમનો તહેવાર ઉજવવા માંગો છો તો ગુજરાતના પ્રખ્યાત કૃષ્ણ મંદિરોની મુલાકાત લઇ શકાય છે.
દ્વારકાધીશ મંદિર, દ્વારકા
દ્વારકાધીશ મંદિર ભગવાન શ્રીકૃષ્ણનું પ્રખ્યાત મંદિર છે, જે ગુજરાતના પશ્ચિમ છેડે દરિયા કિનારે દેવ ભૂમિ દ્વારકામાં આવેલું છે. શ્રી કૃષ્ણને સમર્પિત દ્વારકાધીશ મંદિર મૂળરૂપે આશરે 2,500 વર્ષ પહેલાં બાંધવામાં આવ્યો હતો. હિન્દુ ધર્મના ચાર ધામમાં પણ દ્વારકાધીશ મંદિરનો સમાવેશ થાય છે. દ્વારાધીશ મંદિર પર લહેરાતી 52 ગજની ધ્વજા ભક્તોની આસ્થાનું પ્રતિક છે. દ્વારકાધીશ મંદિરમાં શ્રાવણ વદ આઠમે રાતના 12 વાગે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ઉત્સવ ઉજવાય છે. દ્વારકાધીશની મૂર્તિના શાસ્ત્રોક્ત પંચામૃત સ્નાન, શૃંગાર બાદ અને ભોગ ધરાવવામાં આવે છે. સમગ્ર દ્વારકા જન્માષ્ટમીના દિવસે કૃષ્ણમયી થઇ જાય છે. દ્વારકામાં દ્વારકાધીશ મંદિર, રુકમણી મંદિર, બેટ દ્વારકા, ગોમતી તટ, નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, શિવરાજપુર બીચ સહિત ઘણા જોવાલાયક સ્થળો છે.

રણછોડરાય મંદિર, ડાકોર
ગુજરાતમાં ભગવાન કૃષ્ણનું બીજું સૌથી પ્રખ્યાત મંદિર ડાકોરમાં આવેલું રણછોડરાય મંદિર છે. રણછોડરાય મંદિરનું નિર્માણ વર્ષ 1772માં થયું હતું. કહેવાય છે કે, ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઇ દ્વારકાધીશ બોડાણા સાથે ગાડામાં બેસી ડાકોર આવ્યા હતા. આથી ડાકોરને ભગવાન શ્રીકૃષ્ણનું છેલ્લું સ્થાન માનવામાં આવે છે. ડાકોરમાં શ્રીકૃષ્ણ રણછોડરાય તરીકે પૂજાય છે. અહીં ફાગણ પુનમ હોળી પર ભવ્ય મેળો ભેરાય છે. લાખો ભક્તો પગપાળા ચાલીને રણછોડરાયના દર્શન કરવા ડાકોર આવે છે. અહીં જન્માષ્ટમી સહિત વિવિધ વાર તહેવાર ધામધૂમથી ઉજવાય છે. રણછોડરાય મંદિર ડાકોર નજીક ગળતેશ્વર મહાદેવ મંદિર પણ દર્શનીય સ્થળ છે.

શામળાજી મંદિર, અરવલ્લી
શામળાજી મંદિર મંદિર ગુજરાતના અરવલ્લી જીલ્લામાં આવેલું પવિત્ર યાત્રાધામ છે. અરવલ્લીની પર્વતમાળા વચ્ચે આવેલું શામળાજી મંદિર મંદિર કોણે બંધાવ્યુ તેનો ઇતિહાસ ઉપલબ્ધ નથી.પરંતુ 1500 વર્ષ પહેલા આ નગરી અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે. 3 માળના શિખરબંધ મંદિર અદભુત કોતરણી શિલ્પ ધરાવે છે. અહીં શ્યામ પાષણ માંથી નિર્મિત ભગવાન વિષ્ણુની ચતુર્ભૂજ મૂર્તિનું સ્વરૂપ ભવ્ય છે. સામાન્ય રીતે ગ્રહણ દરમિયાન જ્યારે મંદિરો બંધ રાખવામાં આવે છે ત્યારે એક માત્ર શામળાજી મંદિરના દ્વાર ખુલ્લા હોય છે. શામળાજી મંદિરમાં દર પૂનમે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. કાતરક પુનમે અહીં મેળો ભરાય છે. શામળાજી મંદિર નજીક મેશ્વો નદી પર બનેલો ડેમ પર જોવાલાયક છે.

સુદામા મંદિર, પોરબંદર

સુદામા મંદિર પોરબંદરમા આવેલું છે. આ મંદિરની કથા ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર સુદામા સાથે જોડાયેલી છે. પોરબંદર સુદામાની જન્મભૂમિ અને કર્મભૂમિ છે, આથી તે સુદામપુરી તરીકે પણ ઓળખાય છે. મૂળ સુદામા મંદિર 13મી સદીમાં બન્યું હતું. હાલના સુદામા મંદિરનો જીણોદ્વાર વર્ષ 1902 થી 1907 વચ્ચે થયો હતો. મંદિર સંકુલમાં બીજું એક સ્મારક પણ છે, જે જેઠવા વંશના શાસક શ્રી રામ દેવજી જેઠવાની યાદમાં બનાવવામાં આવ્યું છે.