બાગેશ્વર ધામ સરકારના સન્યાસી અને સનાતન ધર્મના પ્રચારક ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે છે. આજે 28 મેએ તેનો ગુજરાતમાં ચોથો દિવસ છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ આજે અંબાજી પહોંચ્યા હતા. જ્યાં તેણે શક્તિપીઠ અંબાજી માતાજીની આરાધના અને તેમના પાવન દર્શન કરી ધન્યતા અનુભવી. ત્યારબાદ મા અંબાના દર્શન બાદ બાબા બાગેશ્વર હેલિકોપ્ટરમાં અમદાવાદના જાસપુરમાં વિશ્વ ઉમિયાધામ ખાતે આવી પહોંચ્યા છે. અહીં મા ઉમિયાની પૂજા-આરતી કરી હતી. બાબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઊમટ્યા છે. અહીં મા ઉમિયાના મંદિરની શિલાનું પૂજન પણ કર્યું હતું. વિશ્વ ઉમિયાધામ ખાતે પૂર્વ જગત જનની મા ભગવતીની જય બોલાવીને ધીરેન્દ્ર શાસ્ત્રીએ સંબોધન કર્યું હતું.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ સંબોધનમાં કહ્યું હતું કે, 2 વાગ્યાથી તમે બધા આવ્યા છો, તમે લોકો બેસી જાવ. પાટીદાર સમાજના કુળદેવી માતાજી છે. તમારા પર માતાજીની કૃપા વરસે તેવી મંગલ કામના છે. જગત જનની ભગવતી મા ઉમિયાના ધામમાં આવીને ઘણી દિવ્યતાની અનુભૂતિ થઈ. આખા ગુજરાતનો પટેલ સમાજ સનાતન સંસ્કૃતિનો આવો જ પ્રચાર કરે એવી મંગલકામના છે. અમદાવાદના પૂરા સમાજ પર બાઘેશ્વર બાલાજી મહારાજની કૃપા રહે તેવી પ્રાર્થના છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીનો ઉમિયાધામ બાદ ગાંધીનગરના ઝુંડાલ સર્કલ નજીક આવેલા રાઘવ ફાર્મમાં આજે સાંજે દિવ્ય દરબાર યોજાશે. જેમાં ગુજરાતના પીઠાધીરેશ્વર, મહામંડલેશ્વરો, કથાકારો સિહત સાધુ-સંતો ઉપસ્થિત રહેશે. આ દિવ્ય દરબારને લઈને મોટાભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સાધુ સંતો રાઘવ ફાર્મ ખાતે આવી રહ્યા છે.
સુરત સ્થિત દરબારમાં પ્રવચન આપતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ માત્ર ભારતને જ નહીં પણ પાકિસ્તાનને પણ હિંદુ રાષ્ટ્ર બનાવવાની હૂંકાર ભરી હતી.ઉપરાંત સનાતન ધર્મના પ્રચાર-પ્રસારની વાત કરી હતી. તેમણે કહ્યું કે, સનાતન ધર્મનો વિરોધ કરનારની ‘ઠઠરી’ કોણ કોણ બાંધશે. યુવા વર્ગને જાતપાતના વાડા તોડી હિંદુઓને એક થવા આહ્વાન કર્યુ હતુ. જો લડી ન શકતા હોવ તો સનાતન ધર્મની સાથે ઉભા રહો, તે જોઇને સામે વાળી પાર્ટી પણ ડરી જશે.