Swaminarayan Akshardham Robbinsville New Jersey : અમેરિકાના ન્યુ જર્સીમાં રોબિન્સવિલે ખાતે મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં 30 સપ્ટેમ્બરથી નવ દિવસ માટે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ લોકાર્પણ સમારોહ શરૂ કરવામાં આવ્યો છે. આ સમારોહની શરૂઆત શ્રી નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિપ્રતિષ્ઠા વિધિથી કરવામાં આવી હતી.વિશ્વભરના રાષ્ટ્રોના વડાઓ સહિત પ્રતિષ્ઠિત નેતાઓએ આ મહત્વપૂર્ણ અવસર માટે હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી છે. આ સાંસ્કૃતિક સીમાચિહ્નનું વૈશ્વિક મહત્વ દર્શાવતા શુભેચ્છકોમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડા પ્રધાન ઋષિ સુનક પણ સામેલ છે.
BAPS દ્વારા પ્રથમ અક્ષરધામ ગાંધીનગરમાં બનાવવામાં આવ્યું હતું
તમને જણાવી દઈએ કે, વૈશ્વિક સ્તરે, BAPS સ્વામિનારાયણ અક્ષરધામ એ હિન્દુ કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિના સીમાચિહ્ન છે, જે આધ્યાત્મિક ઉત્કર્ષ અને સામાજીક સેવાનું ઉર્જાકેન્દ્ર માનવામાં આવે છે, જે તમામ ધર્મો અને પૃષ્ઠભૂમિના લોકો માટે ખુલ્લુ છે. ન્યુજર્સીમાં આવેલ અક્ષરધામ વૈશ્વિક સ્તરે આ પ્રકારનું તૃતીય સાંસ્કૃતિક સંકુલ છે. સૌપ્રથમ અક્ષરધામ 1992 માં ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં બનાવવામાં આવ્યું હતું, ત્યારબાદ 2005 માં નવી દિલ્હી, ભારતની રાજધાનીમાં દ્વિતિય અક્ષરધામ બનાવવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન (ગાંધીનગર, 2001), રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ (નવી દિલ્હી, 2005), મહામહિમ કિંગ ચાર્લ્સ ત્રીજા (નવી દિલ્હી, 2013), રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો (નવી દિલ્હી, 2020), હિઝ હાઇનેસ શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન (નવી દિલ્હી, 2023) સહિત વિશ્વભરના અગ્રણી નેતાઓ દ્વારા આ સંકુલોની મુલાકાત તેમજ પ્રશંસા કરવામાં આવી છે.
પીએમ મોદીએ પત્ર લખી શુભેચ્છા પાઠવી
તાજેતરના 29 સપ્ટેમ્બર, 2023 ના રોજ લખેલ એક હૃદયસ્પર્શી પત્રમાં, વડા પ્રધાન નરેન્દ્ મોદીએ ન્યૂજર્સીમાં અક્ષરધામ લોકાર્પણ સમારોહના સંદર્ભમાં તેમનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “મને રોબિન્સવિલે, ન્યુજર્સીમાં અક્ષરધામ મહામંદિરના લોકાર્પણ સમારોહ વિશે જાણીને આનંદ થયો. તે વિશ્વભરના ભક્તોના વિશાળ સમુદાય માટે ગહન આધ્યાત્મિક મહત્વનો પ્રસંગ છે.”

પત્રમાં આગળ વડાપ્રધાન મોદી તેઓની ભાવુર્મી વર્ણવતા લખે છે કે , “મંદિરો સદીઓથી સેવા અને સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યા છે. તે માત્ર ભક્તિના કેન્દ્રો નથી પણ કલા, સ્થાપત્ય શ્રેષ્ઠતા, સાહિત્ય અને જ્ઞાનને અભિવ્યક્તિ આપવા માટે એક મંચ તરીકે પણ સેવા આપે છે. આવા ગહન સાંસ્કૃતિક સિદ્ધાંતો પેઢીઓથી માનવતાને માર્ગદર્શન આપી રહ્યા છે. અક્ષરધામ મહામંદિરના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય સ્થાપત્યની શ્રેષ્ઠતા અને આપણી ભવ્ય પ્રાચીન સંસ્કૃતિ અને નૈતિકતા પ્રદર્શિત થાય છે અને આ ઉદઘાટન સમારોહ તેની પવિત્રતા અને પ્રદાનને ઉજાગર કરશે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના દરેક સંતો-ભક્તો અને સ્વયંસેવકોને આ શુભ પ્રસંગ માટે હાર્દિક શુભેચ્છાઓ.”
યુકે પીએમ ઋષિ સુનકે બીએપીએસ અક્ષરધામની મુલાકાત લીધી
સપ્ટેમ્બર 2023 માં, યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનકે, તેઓની G20 સમિટની સત્તાવાર મુલાકાત દરમિયાન અક્ષરધામ, નવી દિલ્હીની મુલાકાત લીધી હતી, તેમણે તેમના વિચારોને વાચા આપતા વર્ણવ્યું હતું કે, “અમે આ મંદિરની સુંદરતાથી તેમજ શાંતિ, સંવાદિતા અને વધુ સારા માનવી બનવાના તેના સાર્વત્રિક સંદેશથી આશ્ચર્યચકિત અને અભિભૂત થઈ ગયા છીએ કારણકે, આ માત્ર પૂજાનું સ્થળ નથી, પરંતુ એક સીમાચિહ્ન છે જે ભારતના મૂલ્યો, સંસ્કૃતિ અને વિશ્વમાં તેના યોગદાનને પણ દર્શાવે છે.” BAPS ના આધ્યાત્મિક વડા મહંતસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યાં પછી, વડા પ્રધાનશ્ ઋષિ સુનકે જણાવ્યુ હતું કે, “હું જાણું છું કે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ટૂંક સમયમાં યુએસએના રોબિન્સવિલેમાં તૃતીય સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. હું પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને BAPS ના તમામ ભક્તોને ઉદઘાટન પહેલા મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ મોકલવા માંગુ છું.”

બીએપીએસ સંસ્થાન : 8 ઓક્ટોબરે રોબિન્સવિલે, ન્યુજર્સીમાં ત્રીજા અક્ષરધામનો લોકાર્પણ સમારોહ
રોબિન્સવિલે, ન્યુજર્સીમાં અક્ષરધામનો બહુ-અપેક્ષિત ભવ્ય લોકાર્પણ સમારોહ, 8મી ઓક્ટોબરે સુનિશ્ચિત થયેલ છે, જે સમગ્ર ઉત્તર અમેરિકાના 12,500 થી વધુ સ્વયંસેવકો દ્વારા 12 વર્ષ સુધી કરવામાં આવેલ સમર્પણનું એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ અક્ષરધામ મંદિર સુયોજિત પથ્થરનું મહામંદિર, કારીગરી અને ભક્તિની અજાયબી છે, જે આધ્યાત્મિક મહત્વ સાથે જટિલ સ્થાપત્ય કલાનું મિશ્રણ કરે છે.
આ ઐતિહાસિક પ્રસંગ માત્ર સ્વયંસેવકોના સમર્પણને જ રેખાંકિત કરતું નથી, પરંતુ આધ્યાત્મિકતા, સંવાદિતા અને શાંતિના દીવાદાંડી તરીકે કાર્ય કરતાં અક્ષરધામની કાયમી વૈશ્વિક અપીલને પણ પ્રકાશિત કરે છે.