Ayodhya Ram Mandir Pran Pratishtha Date Shubh Muhurat: અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ થશે અને આ કાર્યક્રમની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. હાલ રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. રામલલ્લાની મૂર્તિ જોઇને ભક્તો આનંદિત થઇ ગયા છે. વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાનો અભિષેક કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી ઘણા મહેમાનો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બનવા અયોધ્યા આવશે. 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યો છે. જાણો પ્રાણ પ્રતિષ્ઠા શુ છે અને ક્યા શુભ મુહૂર્તમાં પૂજા થશે

અયોધ્યા રામ મંદિર: મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કેમ કરવામાં આવે છે?
વૈદિક કાળથી આ પરંપરા ચાલી આવે છે કે જ્યારે પણ કોઈ પણ ભગવાનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે. તેને સૌથી પહેલા વિધિ- વિધાન સાથે તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. એટલે કે કોઇ પણ મૂર્તિમાં જ્યારે વૈદિક મંત્રોના ઉચ્ચારણ અને ખાસ વિધિઓ દ્વારા તેમાં પ્રાણની પ્રતિષ્ઠા (સ્થાપિત) કરવામાં આવે છે, તો તેને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. આ પ્રક્રિયા મૂર્તિને પ્રાર્થના સ્વીકારવાની અને વરદાન આપવાની ક્ષમતા આપે છે.
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ધાર્મિક વિધિનો કાર્યક્રમ 7 દિવસ ચાલશે. પ્રાણ પ્રતિષ્ઠાની ધાર્મિંક વિધિ 15 જાન્યુઆરીથી શરૂ થઇ છે અને તે 22 જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં 15 જાન્યુઆરીએ રામલલ્લાની બાળ સ્વરૂપની મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે. 16 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિનો અધિવાસ અનુષ્ઠાન, 17 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિની મંદિર ભ્રમણની વિધિ પૂર્ણ થઇ છે.

તો 18 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ કરવામાં આવી છે, જેમાં મંડપ પ્રવેશ પૂજન, વાસ્તુ પૂજન વરુણ પૂજન, વિધ્નહર્તા ગણેશ પૂજન અને માર્તિકા પૂજા વિધિ સંપ્નન્ન થઇ છે. 19 જાન્યુઆરીએ રામ મંદિરમાં યજ્ઞ અગ્નિ કુંડની સ્થાપના થઇ છે, જેમાં ખાસ રીતે અરણિમંથન વિધિથી અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી છે.
હવે 20 જાન્યુઆરીના રોજ રામ મંદિરના ગર્ભગૃહને 81 કલશ, જેમાં અલગ- અલગ નદીઓનું જળ છે, જેનાથી પવિત્ર કરવામાં આવશે, વાસ્તુ શાંતિ અનુષ્ઠાન થશે. 21 જાન્યુઆરીના રોજ યજ્ઞ વિધિમાં વિશેષ પૂજા અને હવન સાથે રામ લલ્લાને 125 કળશથી દિવ્ય સ્નાન કરાવવામાં આવશે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ દિવસ બપોરના સમયે મૃગશિરા નક્ષત્રમાં રામલલ્લાની મહાપૂજા થશે.
22 જાન્યુઆરીએ ક્યા સમયે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે
કોઈપણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે કેલેન્ડરમાં વિશેષ શુભ મુહૂર્ત આપવામાં આવે છે. રામલલ્લાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી, 2024 પોષ માસની બારસ તિથિના અભિજીત મુહૂર્ત, ઇન્દ્ર યોગ, મૃગશિરા નક્ષત્ર, મેષ લગ્ન અને વૃશ્ચિક નવાંશની પસંદગી કરવામાં આવી છે, જે 22 જાન્યુઆરીના રોજ બપોરે 12:29 વાગે 08 સેકન્ડથી 12.30 વાગે 32 સેકન્ડ સુધી રહેશે. એટલે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ મુહૂર્ત છે.
આ પણ વાંચો | અયોધ્યા રામ મંદિરઃ રામલલ્લાની મનમોહક સંપૂર્ણ મૂર્તિની જૂઓ ઝલક
આ સમયે અયોધ્યા રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. રામલલ્લાની મૂર્તિની સ્થાપના કર્યા બાદ ‘પ્રતિષ્ઠાત્ પરમેશ્વર’ મંત્રનો જાપ કરવામાં આવશે. એનો અર્થ થાય છે ભગવાન, તમે બિરાજમાન થાવો.