Ayodhya Ram Mandir Pran Pratishtha Date And Time: અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે ધર્મ નગરીમાં લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. અયોધ્યામાં આમંત્રિત મહેમાનો સિવાય અન્ય વ્યક્તિઓ માટે પ્રવેશ પ્રતિબંધ મૂકાયો છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઇ અયોધ્યા છાવણીમાં ફેરવાઇ ગયુ છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રામલલ્લાના અભિષેકને લઇ અયોધ્યા સહિત દેશભરમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ છે. વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાનો અભિષેક કરવામાં આવશે.
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 15થી 22 જાન્યુઆરીથી ચાલશે. આ તમામ દિવસ દરમિયાન રામ મંદિરમાં વિવિધ પ્રકારની ધાર્મિક પૂજા-વિધિ કરવામાં આવી રહી છે.

અયોધ્યો રામ મંદિરમાં 21 જાન્યુઆરીએ કઇ પૂજા – વિધિ થશે
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં રવિવાર, 21 જાન્યુઆરી 2024ના રોજ વિવિધ પ્રકારની પૂજા અને ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. જેમાં રવિવારે સ્થાપિત દેવી-દેવતાઓની નિત્ય પૂજા, હવન, પારાયણ વગેરે, સવારે માધ્વાધિવાસ, 114 કળશોના વિવિધ ઔષધીયુક્ત જળથી મૂર્તિનું સ્નાન, મહાપૂજા, ઉત્સવ મૂર્તિન મંદિર પરિક્રમા, શય્યાધિવાસ, તત્લન્યાસ, મહાન્યાસ વગેરે, શાન્તિક -પૌષ્ટિક – અઘોર હોમ, વ્યાહતી હોમ, રાત્રિ જાગરણ, સાંજે પૂજા અને આરતી થશે.
અયોધ્યા સૈન્ય છાવણીમાં ફેરફાર, કડક સુરક્ષા વ્યવસ્થા
અયોધ્યામાં 22 જાન્યુઆરી એટલે કે, સોમવારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેને જોતા સમગ્ર શહેરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તેમજ આ કાર્યક્રમ માટે ભારત અને વિદેશમાંથી 7000 વિશેષ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
અયોધ્યાના દરેક ચોક પર પોલીસ અને કમાન્ડો તૈનાત છે અને બહારના લોકોના પ્રવેશ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો અયોધ્યાના લોકોના આઈડી કાર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે. યુપી પોલીસના ત્રણ ડીઆઈજીને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે અયોધ્યામાં 17 આઈપીએસ, 100 પીપીએસ, 325 ઈન્સ્પેક્ટર, 800 સબ ઈન્સ્પેક્ટર અને 1000 થી વધુ કોન્સ્ટેબલ તૈનાત કરવામાં આવ્યા છે.
22 જાન્યુઆરીએ ક્યા સમયે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે
કોઈપણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે કેલેન્ડરમાં વિશેષ શુભ મુહૂર્ત આપવામાં આવે છે. રામલલ્લાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી, 2024 પોષ માસની બારસ તિથિના અભિજીત મુહૂર્ત, ઇન્દ્ર યોગ, મૃગશિરા નક્ષત્ર, મેષ લગ્ન અને વૃશ્ચિક નવાંશની પસંદગી કરવામાં આવી છે, જે 22 જાન્યુઆરીના રોજ બપોરે 12:29 વાગે 08 સેકન્ડથી 12.30 વાગે 32 સેકન્ડ સુધી રહેશે. એટલે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ મુહૂર્ત છે.
અયોધ્યા રામ મંદિરના રામલલ્લાની મૂર્તિની ઝલક
અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામ લલ્લાની પહેલી તસવીર સામે આવી છે. આ મૂર્તિમાં રામ ભગવાનની અનોખી આભાનો અનુભવ થાય છે. ભગવાન રામની આ મૂર્તિ બાળપણના સમયની છે. આ મૂર્તિની કોતરણી અત્યંત સુંદર અને આકર્ષક છે. શ્યામ વર્ણની રામજીની મૂર્તિ જોઈને દેશભરના તમામ લોકો ઉત્સાહિત થઈ ગયા છે. આ રામ મૂર્તિનું 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

આ પણ વાંચો | અયોધ્યા રામ મંદિરની મૂર્તિ છે ખાસ, જાણો રામલલાની મૂર્તિની ખાસિયતો
તમને જણાવી દઇયે કે, અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની આ સુંદર પ્રતિમા શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. કર્ણાટકના રહેવાસી અરુણ ઘણા વર્ષોથી મૂર્તિઓ બનાવી રહ્યા છે, તેમની પાંચ પેઢીઓએ આ પરંપરાને આગળ ધપાવવાનું કામ કર્યું છે. હાલમાં અરુણ યોગીરાજને દેશના સૌથી લોકપ્રિય શિલ્પકારોમાં પણ ગણવામાં આવે છે, ખુદ પીએમ મોદીએ તેમના વખાણ કર્યા છે.