Abu Dhabi Temple, અબુ ધાબી મંદિર : BAPS દ્વારા યુએઈમાં પહેલું હિંદુ મંદિર બનાવવામાં આવ્યું છે. અબુ ધાબીમાં વસંત પંચમીના રોજ સવારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા અને સાંજે લોકાર્પણ થશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે.
પ્રમુખસ્વામી મહારાજે 27 વર્ષ પહેલાં અબુધાબીમાં મંદિર બનાવવાનો કરેલો મહાન સંકલ્પ મહંત સ્વામી મહારાજે સાકાર કર્યો છે. અબુ ધાબીના ઐતિહાસિક BAPS હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણનો અવસર સમગ્ર વિશ્વ માટે સંવાદિતા, સ્નેહ અને સહિષ્ણુતાનો સંદેશ લઈને આવી રહ્યો છે. બી એ પી એસ સ્વામિનારાયણ સંસ્થાએ પોતાની અદભુત મેનેજમેન્ટ ક્ષમતા અને પવિત્ર હેતુ સાથે આ મંદિર નિર્માણ કર્યું છે. ત્યારે અહીં આપણે યુએઈન આ હિન્દુ મંદિરની A to Z માહિતી આપવામાં આવી છે.
યુએઈમાં વસતા આશરે 33 લાખ ભારતીયોમાં ઉત્સાહ
યુ. એ. ઈ. ના લાખો ભારતીયો આ ગૌરવશાળી ક્ષણ માટે રોમાંચિત છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 2015 અને 2018 માં અહીં પધારીને આ મંદિરની વિધિવત જાહેરાત કરી ત્યારે અહીં વસતા આશરે 33 લાખ ભારતીયોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મંદિર માટેની ભૂમિનું ઉદાર દિલે યુ. એ. ઈ ના શાસકો દ્વારા દાન કરવામાં આવ્યું હતું. સાથે-સાથે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ સમક્ષ જ્યારે મંદિર નિર્માણની ડિઝાઇન રજૂ કરવામાં આવી ત્યારે તેમણે શિખરબધ્ધ મંદિરનો વિકલ્પ પસંદ કર્યો હતો.
પ્રમુખ સ્વામી મહારાજે 5 એપ્રિલ, 1997 ના રોજ મંદિર બનાવવાનું સપનું સેવ્યું હતું.
આ મંદિરના સંકલ્પમૂર્તિ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 5 એપ્રિલ, 1997 ના રોજ, શારજાહના રણમાં પ્રાર્થના કરતાં ઉચ્ચાર્યું હતું, “અહીં અને વિશ્વમાં શાંતિ પ્રસરે, બધા ધર્મોનો પરસ્પર આદર વધે, બધા દેશો એકબીજા પ્રત્યેના પૂર્વગ્રહથી મુક્ત થાય, અને સર્વે પોતપોતાની આગવી રીતે પ્રગતિ કરે. અબુ ધાબીમાં મંદિર થાય, અને તે મંદિર દેશો, સંસ્કૃતિઓ, ધર્મો અને સમુદાયોને એકબીજાની નજીક લાવે.”
2015માં શેખ મોહમ્મદ બિન ઝાયેદ નહ્યાને મંદિર માટે 13.5 એકર જમીન દાન આપી
2015માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને ‘UAE આર્મ્ડ ફોર્સ’ના સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ નહ્યાને મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ફેબ્રુઆરી 11, 2018 માં આ મંદિર પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી 2019માં ‘ યર ઓફ ટોલરન્સ’ દરમિયાન, યુ. એ. ઈ. ના શાસકો દ્વારા વધુ 13.5 એકર જમીન ફાળવી – કુલ 27 એકર જમીન મંદિર માટે ભેટમાં આપવામાં આવી હતી.
આ મંદિરના સર્જક પૂજ્ય મહંત સ્વામી મહારાજે આજથી લગભગ ત્રણ વર્ષ પહેલાં 22 ડિસેમ્બર, 2020 ના રોજ આ મંદિર માટે આશીર્વાદ આપતાં કહ્યું હતું, “આ મંદિર પ્રેમ, શાંતિ અને સંવાદિતાનું ધામ બનશે. આ મંદિર દ્વારા લોકોના જીવન પરિવર્તનરૂપી ચમત્કારો સર્જાશે. શ્રદ્ધા, હકારાત્મકતા અને આધ્યાત્મિક એકતાનો નવો યુગ પ્રારંભ થશે.”
અબુ ધાબી મંદિર નિર્માણ ટાઇમ લાઈન
અબુ ધાબી મંદિર : મંદિરની વિશેષતાઓ
પ્રાચીન સ્થાપત્ય શાસ્ત્રોથી લઈને આધુનિકતમ ટેકનોલોજીના વિનિયોગથી નિર્મિત અબુધાબી BAPS હિન્દુ મંદિરનું સર્જન આ મંદિરનું સર્જન અસંખ્ય અદભુત મહિતીઓ અને અનુભવોથી રોચક બન્યું છે.
- વિસ્તાર: 27 એકર
- મંદિરની ભૂમિનું દાન: UAE ના શાસકો દ્વારા
- 13.5 એકરમાં મંદિર પરિસર, 13.5 એકરમાં પાર્કિંગ
- પાર્કિંગમાં આશરે 1400 કાર અને 50 બસોનો સમાવેશ કરવાની ક્ષમતા છે.
- ટેક્સી સ્ટેન્ડ અને બે હેલીપેડની વ્યવસ્થા
- ઊંચાઈ: 108 ફૂટ, પહોળાઈ: 180 ફૂટ, લંબાઈ: 262 ફૂટ
- UAEના સાત દેશોનું પ્રતિનિધિત્વ કરતાં 7 શિખર
- 2 મુખ્ય ડોમ, ‘ડોમ ઓફ હાર્મની’ અને ‘ડોમ ઓફ પીસ’
- 12 સામરણ શિખર
- 402 સ્તંભ
- 25,000 જેટલાં પત્થરો દ્વારા મંદિર એક વિશાળ 3 D જિગ-સૉ પઝલની જેમ આકાર પામ્યું
- વિશ્વનું સર્વ પ્રથમ મંદિર, જ્યાં 300 જેટલાં સેન્સર્સ મૂકવામાં આવ્યા છે, જે દબાણ, તાપમાન, ભૂકંપ સંબંધી લાઈવ ડેટા પૂરો પાડતા રહેશે.
- વપરાયેલ માર્બલ: 50, 000 ઘન ફૂટ
- વપરાયેલ ગુલાબી પત્થર : 1, 80, 000 ઘન ફૂટ
- વપરાયેલ ઈંટો: 18, 00, 000
- માનવ કલાકો – 6, 89, 512
- મંદિર ઉપરાંત અન્ય સુવિધાઓમાં મંદિરમાં 3000 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો સભાગૃહ, કોમ્યુનિટી સેન્ટર, પ્રદર્શની, ક્લાસરૂમ અને મજલિસ હશે.
- મંદિરનું મોડેલ બનાવવા માટે 10 દેશોના, 30 પ્રોફેશનલ્સના 5000 માનવ કલાકો લાગ્યા
- સૌ પ્રથમ વાર મંદિરનું ડિજિટલ મોડેલ બનાવી સિસ્મિક એનાલીસીસ કરવામાં આવ્યું
- ગીન બિલ્ડિંગ – ફાઉન્ડેશનમાં 55% ફલાય એશ નો ઉપયોગ કરવામાં આવ્યો
અબુ ધાબી મંદિર સ્થાપત્યની અન્ય વિશેષતાઓ
- અબુ ધાબી મંદિરની બહારની બાજુ રાજસ્થાનના ગુલાબી પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- મંદિરના અંદરના ભાગમાં ઇટાલિયન માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- મંદિર તરફ જતા પથની આજુબાજુ આ મંદિરના સંકલ્પમૂર્તિ એવા પ્રમુખસ્વામી મહારાજના 96 વર્ષના પરોપકારી જીવનને અંજલિ રૂપે 96 ઘંટ લગાવવામાં આવ્યા છે.
- નેનો ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગરમ વાતાવરણમાં પણ દર્શનાર્થીઓને ચાલવામાં અનુકૂળ રહેશે.
- મંદિરમાં ઉપર ડાબી બાજુએ 1997 માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અબુધાબીમાં મંદિરનો સંકલ્પ કરેલો, તે દ્રશ્યને પત્થરોમાં કંડારવામાં આવ્યું છે.
- મંદિરમાં ઉપર જમણી બાજુએ 2019 માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ શિલાન્યાસ પ્રસંગે પધાર્યા હતા, તે સમયની સ્મૃતિને કંડારવામાં આવી છે.
- મંદિરમાં કોઈ ferrous મટિરિયલ એટલે કે સ્ટીલ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
- મંદિરમાં વિવિધ પ્રકારના સ્થંભ જોઈ શકાય છે, જેમકે વર્તુળાકાર, ષટ્કોણાકાર
- પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ વગેરે મૂળભૂત પંચ તત્વોની કોતરણી દ્વારા એક ડોમમાં માનવ સહ-અસ્તિત્વ અને સંવાદિતા દર્શાવવામાં આવી છે.
- એક વિશિષ્ટ સ્તંભ છે, જેને ‘Pillar of pillars’ કહે છે, તેમાં 1400 જેટલાં નાના સ્તંભ કોતરવામાં આવેલા છે. આ સ્તંભને તૈયાર કરવામાં 12 કારીગરોને એક વર્ષ લાગ્યું હતું.

અબુ ધાબી મંદિરની મુલાકાત કોણ લઈ શકે?
- વિશ્વભરના અન્ય તમામ BAPS મંદિરોની જેમ આ મંદિર સૌ કોઈ માટે ખુલ્લું છે.
અબુ ધાબી મંદિરને પ્રાપ્ત એવોર્ડસ્
- બેસ્ટ મિકેનિકલ પ્રોજેક્ટ ઓફ ધ યર 2019 , MEP Middle East Awards
- બેસ્ટ ઇન્ટિરિયર ડિઝાઇન કોન્સેપ્ટ ઓફ ધ યર 2020
અબુ ધાબી મંદિર : સ્થાપત્ય શૈલી
- પરંપરાગત નાગર શૈલી
અબુ ધાબી મંદિર: વૉલ ઓફ હાર્મની
- UAEની સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ દિવાલોમાંની એક.
- 45 મીટર લાંબી, 4.5 મીટર ઊંચી
- છેક નીચેથી લઈને ઉપર સુધી, આ દિવાલમાં 225 લેયર્સ છે.
- વિશ્વના મહાન સ્થાપત્યોને અહીં દર્શાવવામાં આવ્યા છે.
- દીવાલની અંદર રહેલાં વળાંકો રણની રેતીને દર્શાવે છે.
- પૂર્વમાં અંગકોરવાટના અદભુત મંદિરથી લઈને પશ્ચિમમાં ટોરન્ટોના CN ટાવર સુધી, સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીથી લઈને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી, વિશ્વમાં શ્રેષ્ઠ સ્થાપત્યોની રચના હોય કે અનેકવિધ સભ્યતાઓ અને સંસ્કૃતિઓની પ્રગતિ હોય, તેની પ્રગતિનો આધાર સંવાદિતા છે.
- હાર્મની શબ્દ વિશ્વની પ્રાચીન અને અર્વાચીન એમ 30 ભાષાઓમાં કંડારવામાં આવ્યો છે.
- આ સુંદર મંદિર વિશ્વના અનેક પૃષ્ઠભૂમિના, વિવિધ ધર્મોના હજારો લોકોના સહયોગથી રચાયું છે. તેટલા માટે જ આ ‘વૉલ ઓફ હાર્મની’ વાસ્તવમાં સંવાદિતાને ઉજાગર કરે છે.
અબુ ધાબી મંદિર : પવિત્ર નદીઓનો સંગમ – ગંગા, યમુના અને સરસ્વતી
- UAE સામાન્ય રીતે તેના વિશાળ રણ માટે જાણીતું છે, જ્યારે ભારત વિશ્વની અનેક મહાન અને પવિત્ર નદીઓની ભૂમિ છે. મંદિરમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો સંગમ ભારત અને UAE વચ્ચે એક આધ્યાત્મિક, સાંસ્કૃતિક સેતુ પ્રસ્થાપિત કરે છે. આ ત્રણ નદીઓના ‘ત્રિવેણી સંગમ’ આગળ ‘દિવ્ય ચક્ષુ’ પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
- મંદિરમાં ઉપર જ્યાં ગંગા નદી પસાર થાય છે, ત્યાં વારાણસીની ઝાંખી કરાવે તેવો ઘાટ બનાવવામાં આવ્યો છે, જ્યાં બેસીને દર્શનાર્થીઓ સંધ્યા સમયે મંદિરને નિહાળી શકશે, આરતીનો લાભ લઈ શકશે.
આ પણ વાંચોઃ- BAPS હિંદુ મંદિર, અબુ ધાબી – પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : જાણો પૂરો કાર્યક્રમ, લાઈવ ક્યાં જોઈ શકશો?
અબુ ધાબી મંદિર : સાત શિખરોમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓ
- ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજી
- ભગવાન શિવ, પાર્વતીજી, ગણપતિજી, કાર્તિકેયજી
- ભગવાન રાધા-કૃષ્ણ
- શ્રી અક્ષર-પુરુષોત્તમ મહારાજ (ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી)
- ભગવાન જગન્નાથ
- ભગવાન તિરુપતિ બાલાજી
- ભગવાન અયપ્પાજી
અબુ ધાબી મંદિર: વિવિધ શિખરોની ફરતે આવેલા મંડોવરમાં તે શિખરોમાં પ્રતિષ્ઠિત થનાર સ્વરૂપોને સમર્પિત કોતરણી
- ભગવાન શિવને સમર્પિત શિખરમાં, શિવ પુરાણ કોતરવામાં આવ્યું છે. 12 જ્યોતિર્લિંગને કોતરવામાં આવ્યા છે.
- ભગવાન જગન્નાથના શિખરમાં રથયાત્રા કોતરેલી છે.
- ભગવાન કૃષ્ણને સમર્પિત શિખરમાં ભાગવત અને મહાભારત કોતરવામાં આવેલ છે.
- એ જ રીતે, ભગવાન સ્વામિનારાયણને સમર્પિત શિખરમાં ભગવાન સ્વામિનારાયણના જીવન અને કાર્યને કંડારવામાં આવ્યું છે.
- ભગવાન રામના શિખરમાં, રામાયણ કોતરવામાં આવી છે.
- પ્રાચીન સભ્યતાઓમાંથી વિવિધ મૂલ્યોની વાર્તાઓની કોતરણી
- ભારતીય સભ્યતામાંથી 15 મૂલ્ય વાર્તાઓ ઉપરાંત મય, એઝતેક, ઇજિપ્શિયન, અરબી, યુરોપિયન, ચીની, આફ્રિકન વગેરે થઈને કુલ 14 સભ્યતાઓમાંથી વાર્તાઓ કંડારવામાં આવી છે.