RTO Services : ડ્રાઇવિંગ લાયસન્સનું રિન્યુઅલ (driving licence renewal) કે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ (Duplicate Driving License) ઇશ્યૂ કરવા હવે આ બધા માટે પ્રાદેશિક પરિવહન કચેરી એટલે કે આરટીઓ કચેરી (RTO)ની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. હવે તમે આ સેવાઓનો લાભ ઘરે બેઠા ઓનલાઈન લઈ શકો છો. આ સેવાઓના મામલે રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય (MoRTH) એ લોકોને મોટી રાહત આપી છે. મંત્રાલય દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન મુજબ, પરિવહન સંબંધિત ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલ, ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ, લર્નિંગ લાયસન્સ માટેની અરજી, કંડક્ટર લાયસન્સમાં સરનામામાં ફેરફાર, વાહન નોંધણી, પરમિટ, વાહન માલિકી ટ્રાન્સફર વગેરે સહિત કુલ 58 સેવાઓ છે. જે ઓનલાઈન શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય પરિવહન મંત્રાલયે 16 સપ્ટેમ્બર 2022ના રોજ જારી કરાયેલા નોટિફિકેશન દ્વારા આ તમામ સુવિધાઓ પૂરી પાડવાની જાહેરાત કરી છે.
આ સેવાઓ આધાર વેરિફિકેશન બાદ ઉપલબ્ધ થશે
કેન્દ્રીય પરિવહન મંત્રાલયે RTOમાં પૂરી પાડવામાં આવતી ઓનલાઈન સેવાની સંખ્યા 18 થી વધારીને 58 કરી છે. આ તમામ આરટીઓની ઓનલાઈન સેવાઓ આધાર વેરિફિકેશન બાદ મેળવી શકાશે. જો કે, આ સેવાઓ માટે ઑફલાઇનનો વિકલ્પ પણ છે. જેમની પાસે આધાર કાર્ડ નથી અથવા તેઓ RTO સંબંધિત પ્લેટફોર્મ પર તેમના આધાર કાર્ડની ચકાસણી કરાવવા ઈચ્છતા નથી, તો તેઓ તેમની નજીકની RTO ઑફિસની મુલાકાત લઈને પણ આ આવશ્યક સેવાઓનો લાભ લઈ શકે છે. શનિવારે કેન્દ્રીય પરિવહન મંત્રાલયે પણ આ માહિતી આપી છે.
ઑફલાઇન પણ ચાલુ રહે છે
લર્નર્સ લાયસન્સ માટે અરજી કરવી, ડુપ્લિકેટ લાઇસન્સ મેળવવા અને ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલ જેવી સેવાઓ ઓનલાઈન મેળવી શકાય છે. આ ઉપરાંત, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ, કંડક્ટર લાયસન્સમાં એડ્રેસમાં ફેરફાર, વાહનની માલિકીનું ટ્રાન્સફર સહિત કુલ 58 આરટીઓની ઓનલાઈન સેવાઓનો લાભ લઈ શકાય છે.
આ માટે લોકોએ સ્વેચ્છાએ આધાર વેરિફિકેશન કરાવવું પડશે. નવા નોટિફિકેશન મુજબ, જો કોઈ વ્યક્તિ પાસે આધાર કાર્ડ નથી, તો સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમ (CMVR) 1989 હેઠળ સ્થાપિત RTOની મુલાકાત લઈને, અન્ય દસ્તાવેજો દ્વારા, તે વ્યક્તિ હજી પણ પહેલાની જેમ ઑફલાઇન આ સેવાઓનો લાભ લઈ શકે છે.
કેન્દ્રીય પરિવહન મંત્રાલયે કહ્યું છે કે, આ 58 ઓનલાઈન સેવાઓ શરૂ થવાથી લોકોની મુશ્કેલીઓમાં ઘટાડો થશે. આ કોન્ટેક્ટલેસ અને ફેસલેસ પદ્ધતિ તેમનો સમય પણ બચાવશે. આ પહેલથી આરટીઓ પર કામનું ભારણ ઘટાડશે તેમજ તેમની કાર્યક્ષમતામાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે, મંત્રાલય આ પહેલ દ્વારા લોકોને વધુને વધુ સુવિધાજનક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં વ્યસ્ત છે.