કેન્દ્રની ભાજપ સરકાર બેરોજગારોનો આક્રોશ શાંત કરવા માટે દિવાળી પહેલા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ કરવા જઇ રહી છે. મોદી સરકાર દિવાળી પૂર્વે શનિવાર એટલે કે 22 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સ્તરે રોજગાર મેળાનું આયોજન કરી રહી છે, જેમાં 38 મંત્રાલયો અને તેમના વિભાગોમાં વિવિધ સ્તરે 75,000 ભરતીઓના નિમણુંક આપશે.
કેન્દ્ર સરકારે થોડાક મહિના પહેલા આગામી દોઢ વર્ષમાં 10 લાખ સરકારી નોકરીઓ આપવની ઘોષણા કરી હતી, જેના અનુસંધાને આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
75000 લોકોને નિમણુંક પત્ર અપાશે
સામાન્ય રીતે આવા કાર્યક્રમો રોજગાર મેળા તરીકે ઓળખાતા હોય છે. પીએમઓ તરફથી ગુરુવારે જારી કરાયેલા એક નિવેદન અનુસાર, શનિવારે યોજાનાર આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ મારફતે તેની શરૂઆત કરશે. વડા પ્રધાન કાર્યાલય તરફથી ગુરુવારે એક નિવેદનમાં જણાવાયું હતું.
આગામી દોઢ વર્ષમાં 10 લાખ સરકારી નોકરીઓ પૂરી પાડવાની થોડાક મહિનાઓ પહેલા કરેલી જાહેરાતના ભાગરૂપ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી પૂર્વે 22 ઓક્ટોબર, શનિવારના રોજ 38 મંત્રાલયો અને વિભાગોના વિવિધ સ્તરે 75,000 લોકોને નિમણૂક પત્રો આપશે, એવું PMO કાર્યાલયે જણાવ્યુ છે.
PMOના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “યુવાનો માટે નોકરીની તકો પૂરી પાડવા અને નાગરિકોના કલ્યાણની ખાતરી કરવા માટે વડાપ્રધાનની સતત પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું હશે.” સરકાર “મિશન મોડ” પર મંત્રાલયો અને વિભાગોમાં હાલની તમામ ખાલી જગ્યાઓ ભરવા માટે કામગીરી કરી રહી છે.
ક્યા મંત્રાલયોમાં, ક્યા પદો પર ભરતી થશે?
નવા કર્મચારીઓની ગ્રૂપ A અને B (ગેઝેટેડ), ગ્રૂપ B (નોન-ગેઝેટેડ) અને ગ્રૂપ Cમાં વિવિધ સ્તરે ભરતી કરવામાં આવશે. આ નવા કર્મચારીઓને જે પદ માટે નિમણૂક પત્ર આપવામાં આવશે જેમાં કેન્દ્રીય સશસ્ત્ર દળના કર્મચારીઓ, સબ-ઇન્સ્પેક્ટરો, કોન્સ્ટેબલ, લોઅર – ડિવિઝન ક્લાર્ક (LDC), સ્ટેનો, પર્સનલ આસિસ્ટન્ટ્સ (PA), ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS) સહિત વિવિદ પદોનો સમાવેશ થાય છે.
વિવિધ મંત્રાલયો પોતાની રીતે અથવા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC), સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) અને રેલવે ભરતી બોર્ડ દ્વારા કર્મચારીઓની ભરતીની કામગીરી હાથ ધરે છે.
પીએમએ આ વર્ષે જૂનમાં 10 લાખ સરકારી નોકરીઓ આપવાના નિર્ણયની જાહેરાત કરી હતી. વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણી વખતે વિરોધ પક્ષ પાસેથી વિરોધ કરવા માટે ‘બેરોજગારી” ના મુદ્દો છીનવી લેવા ભાજપની એનડીએ સરકાર અત્યારથી જ મિશન મોડમાં આવી ગઇ છે. કોરોના મહામારી બાદ ભારતમાં બેરોજગારી દર ચિંતાજનક દરે વધ્યો છે. ભારતના શહેરી વિસ્તારોમાં યુવા લોકોમાં (15-29 વર્ષની વય) બેરોજગારીનો દર 20 ટકાથી વધુ છે.
છેલ્લા કેટલાંક સમયથી રોજગારી- નોકરીની અછત હોવાનો આક્ષેપ કરી વિપક્ષ ભાજપ પર પ્રહારો કરી રહી છે. રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’માં કોંગ્રેસ જે બાબતોનો ઉલ્લેખ કર્યો હતો તેમાં બેરોજગારી પણ એક હતી.
કોરોના મહામારી બાદ આર્થિક રિકવરીની સાથે ખાનગી ક્ષેત્ર પણ મોટી સંખ્યામાં ઝડપથી કર્મચારીઓની ભરતી કરી રહ્યુ છે તેવા સમયે ભાજપના આ પગલાને એક રાજકીય સ્ટન્ટ તરીકે જોવામાં આવી રહ્યુ છે.
સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે, કોરોના મહામારીનું સંક્રમણ ફેલાયુ તેની એક વર્ષ પહેલા માર્ચ 2019માં નોકરીની પ્રત્યેક પાંચમી જગ્યા ખાલી હતી. વર્ષ 2018-19 માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને ભથ્થાં પરના વાર્ષિક અહેવાલ મુજબ1 માર્ચ, 2019ના રોજ પદ પર (કેન્દ્રશાસિત પ્રદેશો સહિત) નિયમિત કેન્દ્ર સરકારના નાગરિક કર્મચારીઓની કુલ સંખ્યા 31.43 લાખ હતી, જ્યારે મંજૂર થયેલા પદોની 40.66 લાખ સંખ્યા સામે અંદાજે 22.69 ટકા જગ્યાઓ ખાલી હતી.