GSEB 12th Result 2025, ગુજરાત બોર્ડ ધો.12 પરિણામ : ગુજરાતના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કર્યા છે. ગુજરાત શિક્ષણ બોર્ડે વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર કરાયું છે. ઉંચા પરિણામો આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છવાઈ છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જોઈ શકે છે.
બનાસકાંઠા બન્યો સામાન્ય પ્રવાહમાં સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો
ગુજરાત બોર્ડે જાહેર કરેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં બનાસકાંઠા જિલ્લાએ બાજી મારી છે.97.20 ટકા પરિણામ સાથે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં પ્રથામ સ્થાને આવ્યો છે. ગત વર્ષે 96.40 ટકા સાથે બોટાદ જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો હતો. જ્યારે 87.77 ટકા પરિણામ સાથે વડોદરા જિલ્લો સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. ગત વર્ષે 84.81 ટકા પરિણામ સાથે જુનાગઢ જિલ્લો રાજ્યમાં તળિયે હતો.
મોરબી બન્યો વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો
ગુજરાત બોર્ડે જાહેર કરેલા વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો 92.91 ટકા સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સાથે રહ્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે. જેનું પરિણામ 54.48 ટકા આવ્યું છે. ગત વર્ષના વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં પણ મોરબી જિલ્લો 92.80 ટકા સાથે રાજ્યમાં અવ્વલ રહ્યો હતો. જ્યારે ગત વર્ષે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છોટા ઉદેપુર હતો જેનું પરિણામ 51.36 ટકા રહ્યું હતું.
વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ જાહેર
મુખ્ય પરીક્ષા 2025 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કૂલ 152 કેન્દ્રો ઉપર 1,11,223 પરીક્ષાર્થી નોંધાયેલ હતા. તે પૈકી 1,10,395 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યા હતા.જેમાં નિયમતિ વિદ્યાર્થીઓ 1,00,725 નોંધાયા હતા. તે પૈકી 1,00,575 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે પૈકી 83,987 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા આવ્યું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર
ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટ્સ પરીક્ષામાં 3,64,485 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા.જે પૈકી 3,62,506 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 3,37,387 પરીક્ષાર્થીઓ પાસ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 93.07 ટકા આવ્યું છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉતીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 22,710 ઉમેદાવરો નોંધાયા હતા. જે પૈકી 21,571 ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 9785 ઉમેદવારો સફળ થયા હતા. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 45.36 ટકા આવ્યું છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ અહીં જુઓ
ધોરણ 12 સામાન્ય પ્રવાહના કેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ધોરણ 12 સામાન્ય પવાહમાં 3,64,859 નિયમિત વિદ્યાર્થીઓ, 22,652 રિપીટર વિદ્યાર્થીઓએ, 4,031 આઈસોલેટેડ, 24,061 ખાનગી વિદ્યાર્થીઓ આમ કૂલ 4,23,909 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
ગુજરાત શિક્ષણ બોર્ડે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,00,813 નિયમિક વિદ્યાર્થીઓએ, 10,476 રિપીટર વિદ્યાર્થીઓએ, 95 આઈસોલેટેડ એમ કૂલ 1,11,38 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ અહીં જુઓ
વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને SR શાળા વાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.