Education Ministry Releases Guidelines For Coaching Centre: દેશમાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કોચિંગ સેન્ટર માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. કોચિંગ સેન્ટરોની મનમાની પર લગામ મૂકવા અને વિદ્યાર્થીઓની આત્મહત્યાને રોકવા માટે કેન્દ્રીય શિક્ષણ વિભાગે કડક નિયમો જાહેર કર્યા છે. જે અંતર્ગત કોચિંગ સેન્ટરમાં એડમિશન માટે વિદ્યાર્થીઓની ઉંમર, ફી અને કેટલા કલાક સુધી ટ્યૂશન આપવા તેમજ નિયમ ભંગ કરનારને દંડ ફટકારવાની જોગવાઇ છે.
નોંધનિય છે કે, છેલ્લા એકાદ વર્ષથી રાજસ્થાનના કોટા સહિત ઘણા શહેરોમાં કોચિંગ સેન્ટરમાં ભણવા જતા વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટના વધતા શિક્ષણ વિભાગને કડક પગલાં લેવા ભલામણ કરવામાં આવી હતી.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની આ ગાઇડલાઇન દેશભરમાં NEET કે JEEની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી ઘટનાઓ અને દેશમાં બેફામ કોચિંગ સેન્ટરની મનમાની પર અંકુશ મુકશે. ગાઇડલાઇન અનુસાર આઇઆઈટી, જેઇઇ, એમબીબીએસ, નીટ જેવા પ્રોફેશનલ કોર્સ માટે કોચિંગ સેન્ટરની પાસે ફાયર અને બિલ્ડિંગની સુરક્ષા સંબંધિત એનઓસી હોવી જોઇએ. પરીક્ષા અને પાસ થવાના દબાણને દૂર કરવા માટે તેમને મનોવૈજ્ઞાનિક અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સહાયતા પણ ઉપલબ્ધ કરાવવી પડશે.
અગાઉ પણ ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી હતી
કોચિંગ સેન્ટર 2024ના રજિસ્ટ્રેશન અને નિયમન માટેની ગાઇડલાઇન પહેલાથી જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલી દેવામાં આવી છે. કેટલાક રાજ્યોમાં પહેલેથી જ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના નિયમન સંબંધિત કાયદાઓ છે, ઉંચી ફી વસૂલતા ખાનગી કોચિંગ સેન્ટરોની સંખ્યા વધી રહી છે અને ત્યાં આત્મહત્યાના વધતા કિસ્સાઓ વચ્ચે, કેન્દ્ર સરકારે આ મોડેલ માર્ગદર્શિકા પ્રસ્તાવિત કરી છે.
શિક્ષણ મંત્રાલયની ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓ પર સખત સ્પર્ધા અને શૈક્ષણિક દબાણને ધ્યાનમાં રાખીને, કોચિંગ સેન્ટરોએ બાળકોના કલ્યાણ માટે જરૂરી પગલાં લેવા જોઈએ. કોચિંગ સેન્ટરો વિદ્યાર્થીઓને તણાવ અને હતાશાથી બચાવશે અને અનુભવી મનોવૈજ્ઞાનિકોની મદદ લઈને તેમને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત મદદ પૂરી પાડશે.
નિયમ ભંગ કરનારને દંડ અને રજિસ્ટ્રેશન કેન્સલ રદ થશે
કોચિંગ સેન્ટર સંપંધિત ગાઇડલાઇન અનુસાર રજિસ્ટ્રેશન ન કરનાર તેમજ નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા બદલ કોચિંગ સેન્ટરોએ ભારે દંડ ચૂકવવો પડશે. કોચિંગ સેન્ટરને પ્રથમ ઉલ્લંઘન માટે રૂ. 25,000નો દંડ અને ત્યારબાદ બીજી વખત નિયમ ભંગ કરશે તો રૂ. 1 લાખ દંડ ફટકારવામાં આવે છે. અને જો ત્રીજા વખત પણ નિયમનું ઉલ્લંઘન કર્યું તો કોચિંગ સેન્ટરનું રજિસ્ટ્રેશન જ રદ કરવામાં આવશે.
10 દિવસમાં ફી પરત કરવી પડશે
નવી ગાઇડલાઇન અનુસાર, કોચિંગ સેન્ટરો કોર્સના સમયગાળા દરમિયાન ફી વધારી શકશે નહીં. જો કોઈ વિદ્યાર્થી સંપૂર્ણ ચુકવણી કરવા છતાં અધવચ્ચે અભ્યાસક્રમ છોડવા માટે અરજી કરે છે, તો કોર્સની બાકીના પિરિયડ માટેના પૈસા પાછા આપવાના રહેશે. હોસ્ટેલ અને મેસ ફી પણ રિફંડમાં સામેલ કરવામાં આવશે.
કોચિંગ સેન્ટર 5 કલાકથી વધુ ચાલશે નહીં
કોઈ પણ સંજોગોમાં શાળાઓ અથવા સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સમય દરમિયાન કોચિંગ સેન્ટરો તેમના ક્લાસ ચલાવી શકશે નહીં. કોચિંગ સેન્ટરમાં ક્લાસ એક દિવસમાં 5 કલાકથી વધુ ચાલશે નહીં. કોચિંગ સેન્ટરમાં વહેલી સવારે અને મોડી રાતના ક્લાસ ચાલશે નહીં. તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સપ્તાહમાં એક રજા મળશે. તહેવારો દરમિયાન, કોચિંગ સેન્ટર વિદ્યાર્થીઓને પરિવારને મળવા અને ભાવનાત્મક જોડાણ વધારવાની તક આપશે.
કોચિંગ સેન્ટરમાં 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીને નો એન્ટી
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા કોચિંગ સેન્ટર રેગ્યુલેશન 2024ની ગાઇડલાઇનમાં કોચિંગ સેન્ટરમાં એડમિશન માટે વિદ્યાર્થીઓની વય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. નવા નિયમ અનુસાર કોચિંગ સેન્ટરો 16 વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીઓને એડમિશન આપી શકશે નહી. કોચિંગ સેન્ટરોએ વાલીઓ અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરનારા વચનો અથવા રેન્કની ખાતરી આપવી જોઈએ નહીં.
કોચિંગ સેન્ટરના શિક્ષક માટે લાયકાત નક્કી કરી
નવા નિયમોમાં કોચિંગ સેન્ટરના શિક્ષકોની શૈક્ષણિક લાયકાત પણ નક્કી કરવામાં આવી છે. ગાઇડલાઇન અનુસાર ગ્રેજ્યુએશનથી ઓછી લાયકાત ધરાવતા ટ્યુટરને કોચિંગ સેન્ટરો વિદ્યાર્થીઓને ભણાવવાની મંજૂરી આપી શકશે નહીં. શિક્ષણ મંત્રાલયે નવી ગાઇડલાઇન લાગુ થયાના ત્રણ મહિનાની અંદર તમામ કોચિંગ સેન્ટરોને રજિસ્ટ્રેશન કરવા આદેશ આપ્યો છે.
આ પણ વાંચો | અદન ખાડીમાં જહાજ પર ફરી ડ્રોન હુમલો, ભારતીય નૌકાદળે કરી મદદ, જહાજ પર 22માંથી 9 ભારતીય ક્રૂ સભ્યો
કોચિંગ સેન્ટરમાં ભણવા જતા 28 વિદ્યાર્થીઓની આત્મહત્યા
દેશમાં કોચિંગ સેન્ટરમાં ભણવા જતા વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડા ઘણા ચિંતાજનક છે. એકલા 2023માં આશાસ્પદ વિદ્યાર્થીઓના આત્મહત્યાના 28 કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ કેસ ભારતના કોચિંગ સેન્ટર હબ ગણાતા રાજસ્થાનના કોટા શહેરમાં નોંધાયા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે કોચિંગ સેન્ટર માટે કડક ગાઇડલાઇન જાહેર કરી છે.