Good News for WhatsApp Users : WhatsApp યૂઝર્સને ટૂંક સમયમાં જ વધુ એક નવું ફીચર મળવાનું છે. હાલ દુનિયાભરના વોટ્સએપ યુઝર્સ મેસેજિંગ પ્લેટફોર્મ પર પૈસા ટ્રાન્સફર કરી શકે છે. હવે એવું લાગે છે કે મેટાની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ કંપની તેના યુઝર્સને ભારતમાં બીલ ચૂકવવાની સુવિધા આપવા જઇ રહ્યું છે.
એન્ડ્રોઇડ ઓથોરિટીના એક રિપોર્ટમાં એપીકે ફાઇલોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ બીટા વર્ઝન 2.25.3.15 કોડ સૂચવે છે કે ટૂંક સમયમાં યુઝર્સ નવી રીતે એપ્લિકેશનથી સીધા બિલની ચુકવણી કરી શકશે.
યુઝર્સ માટે વોટ્સએપના નવા ફીચરનો અર્થ શું છે?
જ્યારથી સ્માર્ટફોન આવ્યા છે, પાણી, વીજળીના બિલ જેવા કામ ભરવાનું કામ ખૂબ જ સરળ થઈ ગયું છે અને લોકોને લાંબી કતારોમાંથી રાહત પણ મળી ગઈ છે. જો વોટ્સઅપનું આ નવું ફીચર રોલઆઉટ કરવામાં આવશે તો લોકોને વીજળી, પાણી, મોબાઇલ રિચાર્જ, ભાડું વગેરે જેવા પેમેન્ટ માટે અનેક એપ્સ કે વેબસાઇટ પર સ્વિચ નહીં કરવું પડે. અને વોટ્સએપ પર મેસેજ કરવા ઉપરાંત પેમેન્ટ કરવું પણ ખુબ જ સરળ રહેશે.
WhatsApp પેમેન્ટ્સ ફીચર પહેલેથી જ ઉપલબ્ધ છે
જણાવી દઈએ કે વોટ્સએપ પર હાલમાં ભારતમાં પેમેન્ટ્સ ફીચર ઉપલબ્ધ છે. વોટ્સએપ યુઝર્સ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) દ્વારા તેમના કોન્ટેક્ટ અને વ્યવસાયોમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. આ સુવિધા થોડા વર્ષો પહેલા રજૂ કરવામાં આવી હતી, પરંતુ થોડા મહિના પહેલા તે દેશભરના તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવી હતી. આગામી બિલ પેમેન્ટ ફીચર સાથે વોટ્સએપ ભારતમાં તેની નાણાકીય સેવાઓને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે.
આ પણ વાંચો – વીવો વી50 સ્માર્ટફોનની લોન્ચ ડેટનો ખુલાસો, મળશે 6000mAh બેટરી અને 50MP કેમેરા
વોટ્સએપ પર કયા-કયા બિલ પે થઇ શકશે?
વોટ્સએપના બીટા વર્ઝનમાં જોવા મળતા કોડ અનુસાર યૂઝર્સ વીજળીનું બિલ, મોબાઇલ બિલ, રિચાર્જ, એલપીજી ગેસ પેમેન્ટ, વોટર બિલ, લેન્ડલાઇન પોસ્ટપેડ બિલ જેવા વિવિધ પ્રકારના પેમેન્ટની ચૂકવણી કરી શકશે.
તમને જણાવી દઈએ કે આ બિલ પેમેન્ટ સુવિધા પર હજુ પણ કામ ચાલી રહ્યું છે. પોતાના લેટેસ્ટ બીટા વર્ઝનમાં વોટ્સએપે ખાલી પ્લેસહોલ્ડરનો સમાવેશ કર્યો છે, પરંતુ હાલ આ ફીચરને રિલીઝ કરવા અંગે કોઇ માહિતી મળી નથી. એવું પણ બની શકે છે કે આ સુવિધા ફાઇનલ પબ્લિક રિલિઝ માટે ઉપલબ્ધ ના હોય.
જો આ ફીચરને વોટ્સએપ સ્ટેબલ વર્ઝન પર રોલઆઉટ કરવામાં આવે છે, તો તે અન્ય લોકપ્રિય ડિજિટલ પેમેન્ટ સેવાઓ જેવી કે ગૂગલ પે, ફોનપે અને પેટીએમને કડી ટક્કર આપી શકે છે.