(સૌમ્યરેંદ્ર બારિક) UIDAI use AI to tackle Payment Frauds : આધાર- ઇનેબ્લેડ પેમેન્ટ સિસ્ટમ (AePS) સંબંધિત છેતરપિંડીના કેસોની સંખ્યા વધતા, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયા (UIDAI) ફ્રોડની ઘટનાઓને મર્યાદિત કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-આધારિત સિસ્ટમ્સનો ઉપયોગ શરૂ કર્યો છે. યુઆઇડીએઆઇ આવા પેમેન્ટ ફ્રોડની ઘટનાઓને રોકવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) ટેકનોલોજીમાં ફિંગર પ્રિન્ટિંગ અને ફેશ રેકગ્નિશન સંબંધિત ટેકનોલોજીનો ઉપયોગ કરશે.
નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે તાજેતરમાં 31 જુલાઈના રોજ સંસદમાં જણાવ્યું હતું કે, આધાર ઓથેન્ટીફિકેશન દરમિયાન નકલી ફિંગરપ્રિન્ટ્સનો ઉપયોગ કરીને AePS ફ્રોડ અટકાવવા માટે UIDAI એ ઈન-હાઉસ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ/મશીન લર્નિંગ ટેક્નોલોજી આધારિત ફિંગર મિનિટિયા રેકોર્ડ – ફિંગર ઇમેજ રેકોર્ડ (FMR-FIR) મોડલિટીનો અમલ શરૂ કર્યો છે. ફિંગર ઇમેજ રેકોર્ડ (FMR-FIR) મોડલિટી – ઓથેન્ટીફિકેશન પ્રક્રિયા દરમિયાન ક્લોન કરેલ ફિંગરપ્રિન્ટના ઉપયોગને શોધવા માટે ફિંગરપ્રિન્ટની જીવંતતા તપાસવામાં સક્ષમ છે.
ચાલુ વર્ષે મે મહિનામાં એરટેલ પેમેન્ટ્સ બેંકે આવા ટ્રાન્ઝેક્શન્સ માટે ફેશ રિકોગ્નિશન – બેઝ્ડ ઓથેન્ટીફિકેશન નિયમ લાવવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સાથે સહયોગ કર્યો હતો. યુઆઈડીએઆઈ દ્વારા આ ટેક્નોલોજી વિકાસીત કરવામાં આવી છે.
આધાર ફિંગરપ્રિન્ટ ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે ?
આ ટેક્નોલોજી આ વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવી હતી અને કેપ્ચર કરાયેલ ફિંગરપ્રિન્ટની જીવંતતા ચકાસવા માટે ફિંગર મિનિટયા અને ફિંગર ઇમેજ બંનેના સંયોજનનો ઉપયોગ કરે છે. અજાણી વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડવા માટે લોકો સિલિકોનનો ઉપયોગ કરીને નકલી ફિંગરપ્રિન્ટ બનાવતા હોવાના કિસ્સા નોંધાયા બાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરનાર લોકો મોટાભાગે ગ્રામીણ વિસ્તારના હોવાથી આ સમસ્યા વધુ ગંભીર બની છે.
AI-આધારિત ટેક્નોલોજી એ ઓળખવામાં સક્ષમ છે કે ફિંગરપ્રિન્ટ વાસ્તવિક કે ‘જીવંત’ આંગળી છે કે પછી ક્લોન કરેલી છે.
પેમેન્ટ ફ્રોડની ઘટનાઓમાં ચિંતાજનક વધારો
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2020-21માં, મની લોન્ડરિંગ, લાંચ, ભ્રષ્ટાચાર અને વિવિધ પ્રકારની છેતરપિંડી જેવા 2.62 લાખ નાણાકીય ગુનાઓ નોંધાયા હતા. વર્ષ 2022માં આ સંખ્યા વધીને 6.94 લાખ થઈ ગઈ હતી, એવું ભાજપના સાંસદ જયંત સિન્હાની અધ્યક્ષતાવાળી સ્થાયી સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું હતું.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) હસ્તકની સંસ્થાઓ પાસેથી મળેલા આંકડાઓ ટાંકીને, સમિતિએ નોંધ્યું કે ભારતમાં પેમેન્ટ સંબંધિત છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. નાણાંકીય વર્ષ 2021માં આવી છેતરપિંડીના કેસો 7,00,000થી થોડાક વધારે હતા, જેની સંખ્યા નાણાંકીય વર્ષ 2023માં વધીને 20 લાખ નજીક પહોંચી ગઇ હતી.
જો કે, સાયબર ફ્રોડ વિશે મર્યાદિત જાગૃતિને કારણે મોટાભાગના લોકો લોકો પેમેન્ટ ફ્રોડની ઘટનાની જાણ પોલીસમાં કે અન્ય સત્તાવાર સંસ્થાને કરતા નથી, એવું આ સમિતિએ જણાવ્યું હતું. ઇન્ડિયન સાયબરક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ 2022માં નાણાકીય છેતરપિંડી સંબંધિત 6,94,424 ફરિયાદોમાંથી માત્ર 2.6 ટકા કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી .
કરાડ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલી વિગતોમાં જાણવા મળ્યું છે કે,RBIના લોકપાલની ઓફિસમાં નવેમ્બર 2021 અને માર્ચ 2023 દરમિયાન AePS સંબંધિત 2,000 થી વધુ ફરિયાદો નોંધાઇ હતી.
શું માત્ર આ ટેકનોલોજીથી ઓનલાઇન પેમેન્ટ ફ્રોડ અટકશે?
જો કે, નાણાકીય છેતરપિંડીઓને ઘટાડવા માટે ટેકનિકલ પગલાં અમલમાં મૂકવાની પોતાની મર્યાદાઓ છે. દાખલા તરીકે, તેઓ AePS સંબંધિત સંખ્યાબંધ પેમેન્ટ ફ્રોડને નિષ્ફળ કરવામાં અસફળ રહ્યા છે, જેમાં કમનસીબે પેમેન્ટ સપ્લાય ચેઇનના મુખ્ય સભ્ય ગણાતા બિઝનેસ કોરસપોન્ડેન્ટ જ મુખ્ય ગુનેગાર હોય છે.
આ પણ વાંચો | દવા નકલી છે કે અસલી હવે એક ક્લિકમાં જાણી શકાશે, શું QR કોડ છાપવાથી દવાઓ મોંઘી થશે?
બિઝનેસ કોરસપોન્ડેન્ટ (BC) એ એક અનૌપચારિક બેંક એજન્ટ છે જે બાયોમેટ્રિક પોઈન્ટ-ઓફ-સેલ (PoS) મશીનથી સજ્જ છે, જે માઇક્રો ATMની જેમ કામ કરે છે. જો કોઈને રૂ. 500ની જરૂર હોય, તો તેમણે તેમની આધાર-આધારિત બાયોમેટ્રિક અને બેંકની વિગતો બિઝનેસ કોરસપોન્ડેન્ટને આપવી પડશે અને બિઝનેસ કોરસપોન્ડેન્ટ તેમને 500 રૂપિયા આપશે. જો કે, આ બાબતથી વાકેફ અધિકારીઓ વારંવાર કહે છે કે, બિઝનેસ કોરસપોન્ડેન્ટ તેમની પાસે રહેલી રકમને ખોટી રીતે રજૂ કરે છે. બિઝનેસ કોરસપોન્ડેન્ટ તરીકે નિમણુંક વ્યક્તિ જેટલી રકમ ચૂકવે છે તેના કરતા વધારે રકમની ઓનલાઇન હેરાફેરી કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં લોકો આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમથી નાણાંકીય લેવડદેવડ કર્યા બાદ બિઝનેસ કોરસપોન્ડેન્ટ પાસેથી પેમેન્ટ રસીદ લેવાની પણ તસ્દી રાખતા નથી.