Uday Kotak Net Worth Down Kotak Mahindra Bank Share Crash: કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક અને ભારતના અગ્રણી અબજોપતિ ઉદય કોટકની સંપત્તિમાં એક જ દિવસમાં ચાર વર્ષનો સૌથી મોટો ઘટાડો થયો છે. જેનું કારણ છે કોટક બેંકના શેરમાં કડાકો. રિઝર્વ બેંક દ્વારા કોટક મહિન્દ્રા બેંક પર કડક અંકુશ લાદવામાં આવ્યા છે. પરિણામે ગુરુવારે કોટક બેંકના શેરમાં 11 ટકાનો કડાકો બોલાયો છે. આ કડાકાથી ભારતના અગ્રણી બેન્કર ઉદય કોટક અને એલઆઈસીને જંગી નુકસાન થયું છે.
કોટક મહિન્દ્રા બેંક શેરમા કડાકો (Kotak Mahindra Bank Stock Crash)
કોટક મહિન્દ્રા બેંકનો શેર 11 ટકા તૂટયા સેન્સેક્સ પર ટોપ લૂઝર સ્ટોક બન્યો હતો. રિઝર્વ બેંક દ્વારા આકરા પ્રતિબંધ મૂકાયા બાદ કોટક મહિન્દ્રા બેંકના શેરમાં કડાકો બોલાયો છે. આજે બીએસઇ પર કોટક બેંકના શેરમાં ભારે વેચવાલી નીકળી હતી. પરિણામે એનએસઈ પર કોટક બેંકના શેરમાં વર્ષનો સૌથી નીચો ભાવ 1602 રૂપિયા બોલાયો હતો. સેશનના અંતે શેર 10.7 ટકા ઘટી 1645 રૂપિયા બંધ થયો હતો. તો બીએસઇ પર કોટક બેંકનો શેર 1620 રૂપિયાનો વર્ષનો નીચો ભાવ બનાવી કામકાજના અંતે સવા 10 ટકા કે 200 રૂપિયા ઘટીને 1643 બંધ થયો હતો.

કોટક મહિન્દ્રા બેંકની માર્કેટકેપ 39768 કરોડ ઘટી (Kotak Mahindra Bank Marketcap)
કોટક મહિન્દ્રા બેંકના શેરમાં 11 ટકાના કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. શેરબજાર બીએસઇ પર ટ્રેડિંગ સેશનના અંતે કોટક બેંકની માર્કેટકેપ 326615 કરોડ રૂપિયા થઇ હતી જ્યારે તેના આગલા દિવસે કંપનીની માર્કેટ વેલ્યૂએશન 366383 કરોડ રૂપિયા હતી. આમ એક જ દિવસમાં કોટક મહિન્દ્રા બેંકના શેરધારકોને 39768 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
કોટક બેંક શેરમાં કડાકાથી એલઆઈસીને જંગી નુકસાન
કોટક મહિન્દ્રા બેંકની 31 માર્ચ, 2024ના રોજની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર કોટક બેંકમાં વિવિધ મ્યુચ્યુઅલ ફંડો લગભગ 12.82 ટકા હિસ્સેદારી ધરાવે છે. આ ધોરણે કોટક બેંક શેરમાં આજના કડાકાથી મ્યુચ્યુઅલ ફંડ હાઉસોએ 5000 કરોડ રૂપિયાથી વધુ ગુમાવ્યા છે. વીમા કંપનીઓ પાસે કોટક બેંકનો 8.69 ટકા હિસ્સો છે, જેમાં એલઆઈસી પાસે 6.46 ટકા શેરહોલ્ડિંગ છે. જેનો સીધો અર્થ એ છે કે, કોટક બેંકના શેરમાં કડાકાથી શેરધારક વીમા કંપનીઓને 3456 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જેમાં એલઆઈસી એ 2569 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
ઉદય કોટકની સંપત્તિમાં 10000 કરોડથી વધુ ધોવાણ (Uday Kotak Net Worth)
ઉદય કોટક ભારત અને એશિયાના અબજોપતિમાં સ્થાન ધારવે છે. ઉદય કોટક ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંક ના સ્થાપક છે અને હાલ 1 જાન્યુઆરી 2024થી નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામગીરી બજાવે છે. લાઈવમિંટના એક રિપોર્ટ અનુસાર ઉદય કોટકનો હાલ કોટક બેન્કમાં 25.71 ટકા શેર હોલ્ડિંગ છે. આ ધોરણે કોટક બેંક શેરમાં કડાકાથી ઉદય કોટકન 10225 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આ પણ વાંચો | નો કોસ્ટ ઇએમઆઈ શું છે? No Cost EMI પર સામાન ખરીદતા પહેલા જાણો મહત્વપૂર્ણ 10 બાબત
ઈકોનોમિક્સ ટાઈમ્સના એક મીડિયા રિપોર્ટ અનુસાર બ્લુમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર ઉદય કોટકની કંપનીમાં એક જ દિવસમાં 1.3 અબજ ડોલરનું ધોવાણ થયું છે. ઉદય કોટકની નેટવર્થ ગત 24 એપ્રિલ સુધીમાં 14.4 અબજ ડોલર હતી. અત્રે નોંધનિય છે કે, વિશ્વના ધનાઢ્યોની યાદીમાં ઉદય કોટક 140માં ક્રમે છે.