માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ નવા માલિક એલન મસ્કે કંપનીના કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કર્યુ છે. આ છટણીથી ટ્વિટરના ભારત સ્થિત કર્મચારીઓ બચી શક્યા નથી. ટ્વિટરની વૈશ્વિક સ્તરે કર્મચારીઓની છટણીમાં તેના ભારત સ્થિત કર્મચારીઓ પણ સામેલ છે. ભારતમાં ટ્વિટરના માર્કેટિંગથી લઇ મોટાભાગના ડિપાર્ટમેન્ટમાંથી કર્મચારીઓની છટણી કરવામાં આવશે.
ટ્વિટરે શુક્રવારે (4 નવેમ્બર, 2022) ભારતમાં મોટાપાયે છટણીની જાહેરાત કરી છે. કર્મચારીઓની છટણીની કવાયતથી ટ્વિટરના તમામ ડિપાર્ટમેન્ટ પ્રભાવિત થયા છે.
ભારતમાં ક્યાં ડિપાર્ટમેન્ટના કર્મચારીઓની છટણી કરી
સૂત્રોએ જણાવ્યું કે, ટ્વિટરે ભારતમાં સેલ્સ – માર્કેટિંગ અને કોમ્યુનિકેશન, એન્જિનિયરિંગ સહિત વિવિધ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને તગેડી મૂક્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના નવા માલિક એલોન મસ્ક, ટ્વિટરની નાણાકીય પરિસ્થિતિને મજબૂત કરવા અને તેના 44 અબજ ડોલરના એક્વિઝિશનને સક્ષમ બનાવવા માટે દુનિયાભરમાં તેના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે.
તમને જણાવી દઈએ કે, ટ્વિટરના માલિક એલોન મસ્કએ ગયા અઠવાડિયે જ ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત અન્ય બે ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર અને અન્ય એક ટોચના અધિકારીઓને બરતરફ કર્યા હતા. મસ્કએ વૈશ્વિક સ્તરે કંપનીના કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે મોટા પાયે છટણી શરૂ કરી છે. ટ્વિટર ઈન્ડિયાના એક કર્મચારીએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું કે, છટણી શરૂ થઈ ગઈ છે. મારા કેટલાક સાથીદારોએ ઈમેલ દ્વારા આ વિશે સૂચના આપવામાં આવી છે.
અન્ય એક સ્ત્રોતે જણાવ્યું હતું કે છટણીએ “ભારતીય ટીમના મોટા હિસ્સા” ને પ્રભાવિત કર્યું છે. જો કે, છટણીની સંપૂર્ણ વિગતો હજુ સુધી જાણી શકાઇ નથી. ટ્વિટર ઈન્ડિયાએ આ મામલે મોકલેલા ઈમેલનો પ્રત્યુત્તર આપ્યો ન હતો.
આ પણ વાંચોઃ- Twitterના કર્મચારીઓની નોકરી જોખમમાં, એલન મસ્કે છટણીના સંકેત આપ્યા
અમેરિકા સ્થિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે અગાઉ કર્મચારીઓને એક ઇન્ટરનલ ઈમેલમાં કહ્યું હતું કે, ટ્વિટરને ટ્રેક પર લાવવાના પ્રયાસમાં અમે શુક્રવારે અમારા વૈશ્વિક કર્મચારીઓને ઘટાડવાની મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થઈશું. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે દરેકને વ્યક્તિગત ઈમેલ મળશે. કંપની કર્મચારીઓની તેમજ ટ્વિટર સિસ્ટમ અને કસ્ટમરોના ડેટાની સુરક્ષા માટે તમામ ઓફિસો અસ્થાયી રૂપે બંધ કરશે. ટ્વિટરે કહ્યું હતું કે, ‘જો તમે ઓફિસમાં છો અથવા ઓફિસ જાવ છો, તો કૃપા કરીને ઘરે પાછા ફરો.
આ પણ વાંચોઃ- ટ્વિટર પર ‘બ્લુ ટિક’ જોઈએ છે? તો હવે દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડશે
એલન મસ્ક દ્વારા ટ્વિટરને ટેકઓવર કરવામાં આવ્યું તેની પહેલાથી જ એવી અટકળો વહેતી થઇ હતી કે આ સોશિયલ મીડિયા કંપનીના કર્મચારીઓની છટણી કરવામાં આવશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તો એમ પણ કહેવામાં આવ્યું છે કે ટ્વિટર તેના કર્મચારીઓની સંખ્યામાં 75 ટકા ઘટાડો કરશે.