Onion Price Increase after Tomato: ટામેટા બાદ હવે ડુંગળી લોકોને રડાવશે. ડુંગળીનું ખરીફ વાવેતર ઘટવાથી તેના ભાવ સપ્ટેમ્બરમાં વધશે તેવી આગાહી કરવામાં આવી છે. હાલ બજારમાં ડુંગળીનો સરેરાશ ભાવ 30 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ બોલાય છે. નોંધનિય છે કે, ચોમાસાની સીઝનમાં ક્યાંક અતિભારે વરસાદ તો ક્યાંક દૂષ્કાળ જેવી સ્થિતિને કારણે મોટાભાગની શાકભાજીના ભાવ ઘણા વધી ગયા છે. આવી સ્થિતિમાં રોજિંદા વપરાશની ડુંગળીના ભાવ વધતા લોકો માટે દાઝ્યા પર ડામ જેવી પરિસ્થિતિ સર્જાશે.
ડુંગળીનો મોંઘવારી દર બે વર્ષ બાદ પહેલીવાર વધ્યો
જો ડુંગળીમા મોંઘવાર દરની વાત કરીયે તો બે વર્ષ બાદ પહેલીવાર તેમા વૃદ્ધિ જોવા મળી છે. ડુંગળીનો ઇન્ફ્લેશન રેટ – જે સપ્ટેમ્બર 2021 થી નકારાત્મક ઝોનમાં હતો, તે જૂન 2023માં વધીને 1.65 ટકાના સ્તરે પહોંચી ગયો છે. ડુંગળીના મોંઘવારી દરમાં વધારો એ તેના બજારમાં ભાવ વૃદ્ધિના સંકેત આપે છે. હાલ દેશભરના વિવિધ બજારમાં ડુંગળીનો સરેરાશ ભાવ 30 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ બોલાય છે.
ઓગસ્ટમાં જ ડુંગળીના ભાવ વધશે
રિસર્ચ ફર્મ ક્રિસિલે એક રિપોર્ટમાં જણાવ્યુ હતુ કે, “ખુલ્લા માર્કેટમાં ડુંગળીના રવી પાકની સપ્લાય સપ્ટેમ્બરના બદલે ઓગસ્ટ મહિનામાં જ ઘટવા લાગશે. ડુંગળીની મંદ સિઝન 15-20 દિવસ વધારે લંબાવવામાં આવશે, જે બજારને તંગ સપ્લાય અને ઊંચા ભાવથી પ્રભાવિત કરે તેવી શક્યતા છે.”
ડુંગળીના રવી પાકનું સેલ્ફ લાઇફ ઘટી
રિપોર્ટ મુજબ ઊંચા તાપમાનથી ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્ર (કુલ હિસ્સાના 49 ટકા), મધ્યપ્રદેશ (22 ટકા) અને રાજસ્થાન (6 ટકા) જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ડુંગળીનો રવી પાક વહેલો પાકી ગયો છે. તેમજ માર્ચમાં આ પ્રદેશોમાં કમોસમી વરસાદને કારણે ડુંગળીની ગુણવત્તા પ્રભાવિત થઇ અને તેની શેલ્ફ લાઈફ છ મહિનાથી ઘટાડીને 4-5 મહિના થઈ ગઈ હતી. પરિણામે ડુંગળીનો સંગ્રહ કરવાની ચિંતા સર્જાઇ અને ખેડૂતોએ મહત્તમ પાક વેચી દીધો હતો.
ડુંગળીના ભાવ ક્યારે ઘટશે
ક્રિસિલ એજન્સીના ડિરેક્ટર પુશન શર્માના જણાવ્યા અનુસાર ઓક્ટોબરમાં ખરીફ પાકની આવક શરૂ થાય પછી જ ડુંગળીની સપ્લાયમાં સુધારો થવાની સાથે ડુંગળીના ભાવ ઘટવા લાગશે.
ડુંગળીનું ખરીફ વાવેતર 8 ટકા ઘટવાની આશંકા
ક્રિસિલે ઉમેર્યુ કે, જો કે વર્ષ 2023ના રવી પાકમાં નુકસાન સહન કર્યા બાદ ખેડૂતો ડુંગળીનું વાવેતર કરવાથી હિતોત્સાહી થયા છે. પરિણામે ચાલુ આ વર્ષે ડુંગળીનો વાવેતર વિસ્તાર 8 ટકા ઘટવાની અપેક્ષા રાખીએ છીએ, અને ડુંગળીનું ખરીફ ઉત્પાદન વાર્ષિક ધોરણે 5 ટકા ઘટશે,”ક્રિસિલે અહેવાલમાં જણાવ્યું હતું.
વાવેતર ઘટવા છતાં ડુંગળીનું ઉત્પાદન ઘટશે
રિપોર્ટ અનુસાર, જો કે ડુંગળીનું વાવેતર ઘટવા છતાં પણ મોટી મંદી અસંભવિત લાગે છે કારણ કે વાર્ષિક ઉત્પાદન 290 લાખ ટન થવાનો અંદાજ છે – જે છેલ્લા પાંચ વર્ષની સરેરાશ (2018-2022) કરતાં 7 ટકા વધારે છે.
ડુંગળીના સૌથી મોટા માર્કેટયાર્ડ લાસણગાંવમાં ભાવ વધ્યા
દેશના ડુંગળીના સૌતી મોટા માર્કેટયાર્ડ મહારાષ્ટ્રના લાસલગાંવ ખાતે સોમવારે ડુંગળીના બેન્ચમાર્ક ભાવ 1350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાયા હતા, જે અગાઉના દિવસે 1250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા. જ્યારે બે મહિના પહેલા અહીંયા ડુંગળીનો ભાવ 950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. આમ લાસણગાંવમાં ડુંગળીના જથ્થાબંધ ભાવ બે મહિનામાં 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધી ગયા છે.
સરકાર ડુંગળીનો બફર સ્ટોક બજારમાં ઠાલવશે
ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા સરકાર તેના બફર સ્ટોકમાં રહેલી ડુંગળી બજારમાં તબક્કાવાર ઠાલવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર ચાલુ રવી સિઝનમાં ખેડૂતો પાસેથી ખરીદેલી લગભગ 30 ટન યોગ્ય સમયે બજારમાં વેચે તેવી શક્યતા છે.
સરકારે 2022-23માં બફર સ્ટોક માટે 25 લાખ ટન ડુંગળીની ખરીદી કરી હતી જ્યારે તેની અગાઉના વર્ષે બફર સ્ટોક માટે 20 લાખ ટન ડુંગળી ખરીદી હતી.
પાક વર્ષ 2022-23 (જુલાઈ-જૂન) દરમિયાન દેશમાં ડુંગળીના અંદાજિત ઉત્પાદન 310.1 લાખ ટન નોંધાયુ હતુ. જ્યારે તેની અગાઉના વર્ષે 317 લાખ ટન અને વર્ષ 2020-21માં 266.4 લાખ ટન પાક થયો હતો.
વર્ષ 2021ની શરૂઆતથી સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો નથી. ભારતે વર્ષ 2022-23માં રેકોર્ડ 25 લાખ ટન ડુંગળીની નિકાસ કરી હતી, જે તેની અગાઉના નાણાકીય વર્ષ કરતા 65 ટકા વધારે છે. ભારત વિશ્વમાં ડુંગળીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને દેશના કુલ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને ગુજરાત 70 ટકાથી વધારે યોગદાન આપે છે.